ઓસ્ટ્રેલિયા ઓપનઃ પેટ્રા ક્વિટોવા અને નાઓમી ઓસાકા પ્રથમ વખત ફાઈનલમાં

ચેક રિપબ્લિકની પેટ્રા ક્વિટોવાએ સેમિફાઈનલમાં અમેરિકાની ડેનિયલ કોલિન્સને હરાવી હતી, જ્યારે જાપાનની નાઓમી ઓસાકાએ ચેક રિપબ્લિકની કેરોલિના પ્લિસ્કોવાને હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું 

ઓસ્ટ્રેલિયા ઓપનઃ પેટ્રા ક્વિટોવા અને નાઓમી ઓસાકા પ્રથમ વખત ફાઈનલમાં

મેલબોર્નઃ ચાકુથી થયેલા હુમલામાં ઘાયલ થયા બાદ રમતના મેદાનમાં ઉતરેલી પેટ્રા ક્વિટોવાએ ત્યાર બાદ પાછા વળીને જોયું નથી. હવે પોતાની શાનદાર રમતના બળે તેણે ઓસ્ટ્રેલિયન ઓપન-2019ની ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. તેણે વર્ષની આ પ્રથમ ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટની ફાઈનલમાં પ્રથમ વખત સ્થાન મેળવ્યું છે. હવે, ફાઈનલમાં તેની ટક્કર નાઓમી ઓસાકા સાથે થશે. જાપાનની ઓસાકા પણ પ્રથમ વખત આ ટૂર્નામેન્ટની ફાઈનલમાં પહોંચી છે. એટલે, આ વખતે ટૂર્નામેન્ટને એક નવો ચેમ્પિયન મળશે. 

ચેક રિપબ્લિકની પેટ્રા ક્વિટોવાએ મહિલા સિંગલ્સની સેમિફાઈનલમાં અમેરિકાની ખેલાડી ડેનિયલ કોલિન્સને હરાવી હતી. તેણે ગુરુવારે રમાયેલી મેચમાં 7-6 (7-2), 6-0થી ડેનિયલને હરાવી હતી. ક્વિટોવાએ અત્યાર સુધી બે વખત વિમ્બલડન ગ્રાન્ડસ્લેમ જીત્યો છે. ઓસ્ટ્રેલિયન ઓપન જીતીને તે નવા વર્ષની શરૂઆત કરવા માગશે. 

અન્ય સેમિફાઈનલમાં જાપાનની યુવાન ખેલાડી નાઓમી ઓસાકાએ ચિક રિપબ્લિકની કેરોલિના પ્લિસ્કોવાને 6-2, 4-6, 6-4થી હરાવી હતી. આ વિજય સાથે એ વાત પણ નક્કી થઈ ગઈ કે આ વખતની ફાઈનલ 'ઓલ ચેક રિપબ્લિક ફાઈનલ' નહીં બને. ઉલ્લેખનીય છે કે, ઓસાકાએ ગયા વર્ષે અમેરિકન ઓપનની ફાઈનલમાં ટેનિસ સુપરસ્ટાર સેરેના વિલિયમ્સને હરાવીને ગ્રાન્ડસ્લેમ ટાઈટલ જીત્યું હતું. 

પુરુષ સિંગલ્સમાં વર્લ્ડ નંબર-1 નોવાક જોકોવિચ અને 17 વખતના ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન રાફેલ નાડાલે સેમિફાઈનલમાં પોતાનું સ્થાન પાકું કરી લીધું છે. સર્બિયાના જોકોવિચની સેમિપાઈનલમાં ફ્રાન્સના લુકાસ પાઉલે સાથે ટક્કર થશે. સ્પેનના રાફેલ નાડાલની સામે ગ્રીસનો સ્ટીફાન્સો સિતસિપાસ હશે, જેણે રોજર ફેડરરને હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપનમાં મેજર અપસેટ સર્જ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news