નવા CBI વડા એક્શનમાં, અગસ્તા વેસ્ટલેન્ડ અને વિજય માલ્યા કેસની દેખરેખ જાતે રાખશે

સમાચાર એજન્સી ANIના જણાવ્યા અનુસાર નાગેશ્વર રાવે અગસ્તા વેસ્ટલેન્ડ અને વિજય માલ્યા કેસની તપાસને પોતાની સીધી દેખરેખમાં લઈ લીધી છે 

નવા CBI વડા એક્શનમાં, અગસ્તા વેસ્ટલેન્ડ અને વિજય માલ્યા કેસની દેખરેખ જાતે રાખશે

નવી દિલ્હીઃ સીબીઆઈના વચગાળાના વડા તરીકે નિમાયેલા નાગેશ્વર રાવે પદ સંભાળતા જ કામગીરી શરૂ કરી દીધી છે. તેમણે હાઈપ્રોફાઈલ કેસની દેખરેખ પોતાના હાથમાં લઈ લીધી છે. સમાચાર એજન્સી ANIના જણાવ્યા મુજબ, અગસ્તા વેસ્ટ લેન્ડ અને વિજય માલ્યા કેસની તપાસને તેમણે પોતાની સીધી દેખરેખમાં લઈ લીધી છે. 

સુત્રોએ જણાવ્યું કે, આ બંને કેસની તપાસ કરી રહેલા અધિકારીઓને કહેવાયું છે કે, તેઓ નિયમિત રીતે તપાસની પ્રગતિની વિગતો આપે. આ ઉપરાંત અનેક અન્ય સંવેદનશીલ કેસની તપાસ પણ રાવે પોતાના હાથમાં લઈ લીધી છે. 

ઉલ્લેખનીય છે કે, સીબીઆઈના વડા આલોક વર્મા અને વિશેષ નિર્દેશક રાકેશ અસ્થાના વચ્ચે વિવાદ સપાટીએ આવી ગયો હતો. બંનેએ એક-બીજા સામે લાંચ લેવાના ગંભીર આરોપ લગાવ્યા છે. દેશની સૌથી મોટી તપાસ એજન્સીના જાહેરમાં લીરા-લીરે ઉડતાં સીવીસીની ભલામણ પર કેન્દ્ર સરકારે બંને અધિકારીઓને રજા પર મોકલી દીધા છે. સાથે જ તપાસ પુરી થતાં સુધીમાં આલોક વર્માને સ્થાને નાગેશ્વર રાવને સીબીઆઈના વચગાળાના વડા બનાવાયા છે. 

આ સાથે જ સીબીઆઈએ પોતાના અધિક નિર્દેશક રાકેશ અસ્થાના સામે ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરી રહેલી ટીમમાં મોટો ફેરફાર કર્યો છે. હવે આ તપાસ ટીમમાં એકદમ નવા ચહેરાઓનો સમાવેશ કરાયો છે. તપાસ અધિકારીથી માંડીને નજર રાખનારા અધિકારી બદલી દેવાયા છે. 

સીબીઆઈના પ્રમુખ પદનો ભાર સંભાળનારા 1986 બેચના ઓડિશા કેડરના આઈપીએસ અધિકારી એમ. નાગેશ્વર રાવે પોલીસ અધિક્ષક તરીકે સતીશ ડાગરને અસ્થાના વિરુદ્ધ દાખલ થયેલા કેસની તપાસની જવાબદારી સોંપી છે. ડાગર આ અગાઉ ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહ સામેના આરોપોની તપાસ કરી ચૂક્યા છે.

પોલીસ અધિક્ષક ડાગર તરફથી થનારી તપાસ પહેલા દેખરેખ અધિકારી ડીઆઈજી તરૂણ ગાબા હશે, જેમણે વ્યાપમ્ કૌભાંડની તપાસ કરી હતી. સંયુક્ત નિર્દેશના સ્તરે વી. મુરુગેશનને લાવવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટે કોલસા કૌભાંડની તપાસમાં મુરુગેશન પર વિશ્વાસ મુક્યો હતો. 

છેલ્લા તપાસ અધિકારી ડીએસપી એ.કે. બસ્સીને 'જાહેર હિત'માં 'તાત્કાલિક અસર'થી પોર્ટ બ્લેર મોકલી દેવાયા છે. અસ્થાનાએ સેન્ટ્રલ વિજિલન્સ કમિશનને કરેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે, સીબીઆઈના નિર્દેશ આલોક વર્માના આદેશ પર બસ્સી તેમની સામે 'ગેરમાર્ગે દોરનારી તપાસ' કરી રહ્યા છે. 

એક અન્ય આદેશમાં સીબીઆઈએ સંયુક્ત નિર્દેશક (નીતિ) અરૂણ કુમાર શર્માની બદલી કરીને તેમને પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી હત્યાકાંડની તપાસ કરી રહેલી મલ્ટી-ડિસિપ્લિનરી મોનિટરિંગ એજન્સી (એમડીએમએ)ના સંયુક્ત નિર્દેશક પદ પર તૈનાત કરાયા છે. વરિષ્ઠ અધિકારી એ.સાઈ મનોહરની બદલી કરીને તેમને ચંડીગઢ ઝોનના સંયુક્ત નિર્દેશ બનાવાયા છે. જ્યારે ડીઆઈજી આર્થિક ગુનાખોરી-3ના પદ પર કાર્યરત અમિત કુમારને સંયુક્ત નિર્દેશક (નીતિ)ની વધારાની જવાબદારી સોંપાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news