સર્વપક્ષીય બેઠકમાં પીએમ મોદીએ વિપક્ષને કહ્યું, 'પ્રજાહિતમાં એક-બીજાને સહયોગ આપવો જોઈએ'

સંસદીય કાર્યમંત્રીના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ વિવિધ પક્ષોના નેતાઓને એમ પણ જણાવ્યું કે, સરકાર તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવા માટે તૈયાર છે 

સર્વપક્ષીય બેઠકમાં પીએમ મોદીએ વિપક્ષને કહ્યું, 'પ્રજાહિતમાં એક-બીજાને સહયોગ આપવો જોઈએ'

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના શિયાળુ સત્રથી પહેલા સોમવારે બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં જણાવ્યું કે, સંસદનું કામકાજ યોગ્ય રીતે ચલાવવા માટે સરકાર અને વિરોધ પક્ષે એક-બીજાને સહયોગ આપવો જોઈએ, જે જાહેર હિતમાં પણ છે. 

સંસદીય કાર્યમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે બેઠકમાં વડા પ્રધાન તરફથી જણાવ્યું કે, તેમણે (વડાપ્રધાને) વિરોધ પક્ષને આશ્વાસન આપ્યું છે કે, સરકાર તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે રાજી છે. એવું કહેવાય છે કે સરકારે સુચન પણ કર્યું છે કે, બંને ગૃહમાં મહત્વનાં કાયદાકીય કામ કરવા અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તેઓ મોડી રાત સુધી પણ કામકાજ કરી શકે છે. 

તોમરે જણાવ્યું કે, વડા પ્રધાનનું માનવું છે કે, સરકાર અને વિરોધ પક્ષ બંનેએ સંસદને યોગ્ય રીતે ચલાવવા માટે એક-બીજાને સહયોગ કરવો જોઈએ. મંત્રીએ જણાવ્યું કે, વડા પ્રધાન મોદીનો અનુરોધ છે કે સરકાર તમામ મુદ્દાઓ પર વિરોધ પક્ષ સાથે ચર્ચા કરવા માટે તૈયાર છે. સરકાર શિયાળુ સત્રમાં વધારાના અનુદાન માટેની માગ રજૂ કરશે, જેના દ્વારા તે વધુ ખર્ચ માટે સંસદની મંજૂરી માગશે. 

કોંગ્રેસે કહ્યું, રાફેલ કૌભાંડ પર જેપીસી રચનાની માગ કરીશું 
રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા ગુલામ નબી આઝાદે જણાવ્યું કે, વિરોધ પક્ષે સ્પષ્ટ કરી દીધું છે કે, શિયાળુ સત્રમાં રાફેલ વિમાન સોદાની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની રચનાની માગ કરીશું. સાથે જ ભારતીય રિઝર્વ બેન્કની સ્વાયત્તતા તથા તપાસ એજન્સીઓના કથિત દુરૂપયોગ સહિત અનેક મુદ્દા પણ ઉઠાવાશે. 

'સરકાર રામ મંદિર પર ખરડો નહીં લાવે તો સંસદ ચાલવા નહીં દઈએ'
બીજી તરફ સરકારના સાથી પક્ષ શિવસેનાએ જણાવ્યું કે, જો સરકાર અયોધ્યામાં વિવાદિત સ્થળ પર રામ મંદિરના નિર્માણ અંગેનો ખરડો લાવતી નથી તો મંગળવારથી શરૂ થઈ રહેલા શિયાળુ સત્ર દરમિયાન સંસદ ચાલવા નહીં દઈએ. શિવસેનાના સાંસદ ચંદ્રકાંત ખરેએ જણાવ્યું કે, તેમણે શિયાળુસત્ર પહેલા સરકાર દ્વારા બોલાવાયેલી સર્વપક્ષીય બેઠકમાં આ વાત જણાવી હતી. બેઠકમાં વડા પ્રધાન મોદીએ પણ ભાગ લીધો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news