કુંભમાં જોવા મળતા ઝુલતા પુલની વિશેષતા વિશે તમે જાણો છો?

આ પુલ આમ તો અસ્થાયી હોય છે, પરંતુ તેની મજબુતાઈ એટલી સારી હોય છે કે તેના ઉપર લોકો આરામથી ચાલીને જઈ શકે છે, જેના કારણે કુંભ મેળા જેવા આયોજનમાં લોકોના આવન-જાવનમાં સરળતા રહે છે 

કુંભમાં જોવા મળતા ઝુલતા પુલની વિશેષતા વિશે તમે જાણો છો?

પ્રયાગરાજઃ અત્યારે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં કુંભ મેળો-2019 ચાલી રહ્યો છે. આ કુંભ મેળાની તસવીરો અને વીડિયોમાં તમે જોયું હશે કે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ નદી પર બનાવાયેલા અસ્થાયી પુલ પર આરામથી ચાલીને આવ-જા કરી રહ્યા છે. વર્તમાન કુંભ મેળામાં આવા અસંખ્ય પુલ બનાવાયા છે. પ્રથમ વખત આવા પુલ બનાવાયા હોય એવું નથી. અગાઉ પણ આ પ્રકારના પુલનું નિર્માણ થઈ ચૂક્યું છે. 

આ પુલને સામાન્ય ભાષામાં 'તરતી હોડીથી બનેલો પુલ' (Pontoon bridge) કહે છે. આ પુલનો ઉપયોગ અસ્થાયી ઉપયોગ માટે કરવામાં આવતો હોય છે. જોકે, ભૂતકાળમાં અનેક વખત કટોકટી દરમિયાન તેનો ઉપયોગ થઈ ચૂક્યો છે. તેના ઉપર પગપાળા ચાલીને જઈ શકાય છે, મોટા વાહનોને ચલાવીને લઈ જઈ શકાતા નથી. કુંભ મેળા જેવું અસ્થાયી આયોજન હોય ત્યારે આ પ્રકારના પુલ અત્યંત ઉપયોગી નિવડે છે. કેમ કે, આવા સમયે સિમેન્ટ-કોન્ક્રિટથી બનેલા પુલ બનાવવા અત્યંત મોંઘા પડે છે અને તેને બનાવવામાં પણ લાંબો સમય જોઈએ છે. 

તરતા પુલના નિર્માણમાં લોખંડના સળિયા, કોન્ક્રિટ, હોડી, પ્લાસ્ટિકના મોટા પીપડા વગેરે જેવા સરળતાથી ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. જો, તેને સંપૂર્ણપણે બાંધવામાં આવે તો આ પુલને એક સ્થાનેથી બીજા સ્થાને ખસેડી પણ શકાય એમ હોય છે. 

આ પ્રકારના પુલનો ઉપયોગ સામાન્ય રીતે પગપાળા ચાલવા માટે જ કરવામાં આવતો હોય છે. જોકે તેને વધુ વજન ધરાવતા વહાનનું વહન કરી શકે એવા મજબૂત પણ બનાવી શકાય છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકા, બ્રિટન અને સંયુક્ત સોવિયત સંઘ રશિયાએ યુરોપની નદીઓ અને પાણીની કેનાલમાં તેમનાં લશ્કર અને લશ્કરી સાધનોના પરિવહન માટે આવા પુલોનું નિર્માણ કર્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news