Weather Forecast: બંગાળની ખાડીમાં થઈ રહ્યો છે મોટો ફેરફાર! આ વિસ્તારોમાં સારા વરસાદની પૂરેપૂરી શક્યતા

All India Weather Forecast: મેઘરાજા જે  રીતે રિસાયા છે તે જોતા લોકોના હાલ બેહાલ થઈ ગયા છે. આ કાળઝાળ ગરમી સામે કૂલર અને પંખા પણ જાણે ફેલ જોવા મળી રહ્યા છે. શું દેશમાં વરસાદનો ફરીથી દોર શરૂ થવાનો છે. જાણો લેટેસ્ટ અપડેટ. 

Weather Forecast: બંગાળની ખાડીમાં થઈ રહ્યો છે મોટો ફેરફાર! આ વિસ્તારોમાં સારા વરસાદની પૂરેપૂરી શક્યતા

Gujarat Weather Forecast: દિલ્હી-એનસીઆર સહિત દેશના મોટાભાગના ભાગોમાં વરસાદની કમી જોવા મળી રહી છે.  બિહાર ઝારખંડમાં 1 જૂનથી 1 સપ્ટેમ્બર વચ્ચે લગભગ 30  ટકા વરસાદ ઓછો રહ્યો છે. જુલાઈના અંત સુધીમાં બંને રાજ્યોમાં હવામાન લગભગ શુષ્ક રહ્યું છે અને વચ્ચે વચ્ચ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યો છે. ઓગસ્ટમાં કેટલાક જિલ્લાઓમાં સારો વરસાદ જોવા મળ્યો છે. જો કે બંને રાજ્યોનું હવામાન એકવાર ફરીથી શુષ્ક થઈ ગયું છે. વરસાદની કમી વધી રહી છે. 

હવામાનમાં શું થશે ફેરફાર
પ્રાઈવેટ હવામાન એજન્સી સ્કાઈમેટના જણાવ્યાં મુજબ બંગાળની ખાડીમાં ઓછા દબાણનું ક્ષેત્ર બની રહ્યું છે. જેના પ્રભાવથી શરૂઆતમાં હવામાનની ગતિવિધિઓ બિહાર અને ઝારખંડના પૂર્વ ભાગોમાં રહેશે. ત્યારબાદ વરસાદની તીવ્રતા અને પ્રસારમાં ધીરે ધીરે વધારો થશે. સંભાવના જતાવવામાં આવી રહી છે કે 5 સપ્ટેમ્બર સુધીમાં બિહાર અને ઝારખંડના મોટાભાગના હિસ્સાઓમાં સારો વરસાદ પડશે. ત્યારબાદ 10 સપ્ટેમ્બરથી વરસાદની તીવ્રતા ઓછી થવાની શરૂ થઈ શકે છે. વરસાદનો આ દોર એ ખેડૂતો માટે વરદાન સાબિત થશે જે આતુરતાપૂર્વક તેની રાહ જોઈ રહ્યા છે. 

કેવું રહેશે આજે હવામાન
દક્ષિણ મધ્ય પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, ઉત્તરાખંડ, અને લદાખમાં હળવા વરસાદની શક્યતા છે. આ જ રીતે આજે પશ્ચિમ બંગાળ, પૂર્વ બિહારના કેટલાક ભાગો, પૂર્વ ઝારખંડ, ઓડિશા, લક્ષદ્વિપ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, સિક્કિમ અને હિમાચલ પ્રદેશમાં પણ હળવાથી મધ્યમ સ્તરના વરસાદના અણસાર છે. 

હવામાન એજન્સી મુજબ આજે  આંદમાન અને નિકોબાર દ્વિપ સમૂહ, દક્ષિણી છત્તીસગઢ અને તેલંગણામાં પણ વરસાદની શક્યતા છે. આજે મહારાષ્ટ્રના કેટલાક  ભાગો, કેરળ, આંતરિક કર્ણાટક અને ઓડિશામાં પણ એક કે બે સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ વરસાદથી ઉકળાટવાળી ગરમીથી રાહત તો નહીં મળે પરંતુ ખેડૂતોને ફાયદો થશે. 

ગુજરાત માટે શું કહે છે આગાહી
 સપ્ટેમ્બર મહિનો ઓગસ્ટ મહિનાની જેમ સાવ કોરો કટ તો નહિ જ જાય. કારણ કે, સપ્ટેમ્બરમાં પણ ભારેથી અતિભારે કે ધોધમાર વરસાદની નહિ, પરંતું હળવા વરસાદની આગાહી તો છે જ. આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. જેમાં સપ્ટેમ્બર માસમાં રાજ્યના ભાગોમાં સારા વરસાદના સંકેત છે. આગાહીકાર અંબાલાલ પટેલે એવી આગાહી કરી છેકે, ઓગસ્ટ ભલે કોરો ગયો પણ સપ્ટેમ્બર કોરો નહીં જાય. સપ્ટેમ્બરમાં પહેલાં સપ્તાહમાં જ મેઘરાજા ધબધબાટી બોલાવશે. જોકે, સપ્ટેમ્બર શરૂ થયો પણ હજુ વરસાદનું ટીપુંય પડ્યું નથી. ત્યારે લોકો હવે વરસાદની રાહ જોઈ રહ્યાં છે.

મહત્વનું છે કે આખો ઓગસ્ટ મહિનો કોરોધાકોર ગયો છે ત્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા હવે સપ્ટેમ્બર મહિનામાં હવામાન વિભાગે સારા વરસાદની આગાહી કરી છે. જેમાં સુરત, વલસાડ,ભરૂચ,ડાંગ,નવસારી,નર્મદા અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહી છે. તો અમદાવાદ,ખેડા, દાહોદ, આણંદ,મહીસાગર અને પંચમહાલમાં મધ્યમ વરસાદ, જ્યારે અમરેલી, ભાવનગર, દીવ, ગીર સોમનાથમાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 

4થી 10 સપ્ટેમ્બરે ગુજરાતનું પલટાઈ શકે છે: અંબાલાલ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, 4 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બરમાં બંગાળાના ઉપસગારમાં મજબૂત સિસ્ટમ બનશે. જેના કારણે આંધ્રપ્રદેશ, ઓરિસ્સા થઈને મહારાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં 3 થી 10 સપ્ટેમ્બરમાં રાજ્યમાં હળવા વરસાદની શક્યતા છે. પહેલા સપ્તાહના અંતમાં અને બીજા સપ્તાહના અંત વચ્ચે રાજ્યમાં સારો વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે. તો 13-20 સપ્ટેમ્બરમાં ભારે વરસાદી ઝાપટાની શક્યતા છે. 

તેમણે વધુમાં જણાવ્યું કે, બંગાળાના ઉપસાગરમાં એક પછી એક મજબૂત સિસ્ટમ બનતા દેશ સહીત ગુજરાતનાં ભાગોમાં વારસાદ પડી શકે છે. સપ્ટેમ્બરના અંતિમ તબકામાં વરસાદ થોડો ઓછો રહી શકે છે. 1 સપ્ટેમ્બરથી ગરમી વધશે. આ દિવસોમાં ટ્રેડ પવન સાનુકૂળ રહેવાની શક્યતા છે. પશ્ચિમ હિન્દ મહાસાગરનો પવન સાનુકૂળ રહેતા વરસાદ સારો રહેશે. તારીખ 10-15 સાપ્ટેમ્બરમાં આરબસાગરમાં લૉ સિસ્ટમ બનશે. મોન્સૂન ટ્રફ નીચે આવતા સપ્ટેમ્બર મહિનામાં થોડા વરસાદ થવાની શક્યતા છે. 

ક્યાં પડશે વરસાદ?
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 6થી 12 સપ્ટેમ્બર રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ રહેશે. 10થી 15 સપ્ટેમ્બર અરબી સમુદ્ર, બંગાળના ઉપસાગરમાં પણ સિસ્ટમ બનશે. જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ રહેશે. મધ્ય, ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. આ સિવાય પંચમહાલ, ભરૂચ, સાપુતારામાં વરસાદની આગાહી છે. તો વલસાડ, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, જામનગરમાં પણ વરસાદ વરસશે. તો આ સમયગાળા દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ જોવા મળશે. તેઓએ કહ્યું કે, ઓક્ટોબર મહિનામાં હવાનું દબાણ ઉત્પન્ન થવાથી વરસાદ રહેશે. 

સપ્ટેમ્બર શરૂ થતા કેટલાંક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ  ક્રિએટ થઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે.  હવામાન વિભાગની આગાહી મુજબ આજે ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટોછવાયો હળવો વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય રાજ્યના તમામ ભાગોમાં હવામાન સૂકું રહી શકે છે. આગામી સમયમાં પણ આજ ભાગોમાં હળવો વરસાદ રહી શકે છે.

અલનીનોની અસરના કારણે ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાયો હતો અને તે બાદ ફરી એકવાર ચોમાસું એક્ટિવ થવા માટે સાનુકૂળ હવામાન બન્યું છે, આગામી સમયમાં નવી સિસ્ટમ સક્રિય થઈ શકે છે અને રાજ્યમાં મેઘ મહેર થઈ શકે છે, જોકે, હવામાન વિભાગ દ્વારા હાલમાં નવી સિસ્ટમ અંગે કોઈ સંભાવનાઓ વ્યક્ત કરી નથી. રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગરમીમાં પણ આગામી દિવસોમાં કોઈ મોટા ફેરફાર થવાની શક્યતાઓ ન હોવાનું જણાવ્યું છે પરંતુ જો વાદળો દૂર થાય તો સામાન્ય ફેરફાર થઈ શકે છે. જોકે, પાછલા 2 દિવસથી હળવો તડકો રાજ્યના ઘણાં ભાગોમાં જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે અમદાવાદમાં પણ હાલ વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી નથી. ભેજવાળા પવનોના કારણે સાંજના સમયે બફારો પણ અનુભવાઈ રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news