શોપિયાં એનકાઉન્ટર : 3 આતંકી ઠાર, મૃતકોમાં IPSનો એક ભાઈ પણ સામેલ
સુરક્ષા દળો દ્વારા કાશ્મિરમાં આતંકીઓને નિષ્ક્રિય કરવાનું અભિયાન ચાલી રહ્યું છે, આતંકીઓની ગોળીબારની ઘટના બાદ સુરક્ષા દળોએ પોતાનું અભિયાન તેજ કરી નાખ્યું હતું
Trending Photos
નવી દિલ્હી/શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં મંગળવારે(22 જાન્યુઆરી)ના રોજ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ આતંકવાદીને ઠાર મરાયા છે. આ અથડામણમાં એક જવાન ઘાયલ થવાના સમાચાર છે. શોપિયામાં આતંકીઓ છુપાયા હોવાની ગુપ્ત માહિતી મળ્યા બાદ સુરક્ષા દળો દ્વારા અહીં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે, કાશ્મિરમાં સુરક્ષા દળો દ્વારા આતંકીઓને નિષ્ક્રિય કરવાનું અભિયાન ચાલી રહ્યું છે.
મૃત આતંકીઓમાં એક શમશુલ હક છે, જે એક આઈપીએસ અધિકારીનો ભાઈ છે અને પૂર્વોત્તર ભારતમાં તૈનાત છે. આતંકી બનતા પહેલા શમશુલ હક શ્રીનગરમાં બીયુએમેસનો વિદ્યાર્થી હતો. તે 22 મે, 2018ના રોજ કાશ્મીર યુનિવર્સિટીમાંથી ગાયબ થઈ ગયો હતો અને થોડા દિવસોમાં જ સોશિયલ મીડિયા પર તેનો ફોટો વાયરલ થઈ ગયો હતો. જેમાં તેના આતંકી બનવાની પુષ્ટિ થઈ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, સવારે સેનાની 44 RR સેનાના પેરા કમાન્ડો અને રાજ્ય પોલિસ વિશેષ અભિયાન દળ એસઓજીની એક સંયુક્ત ટૂકડીએ શિરમાલ વિસ્તારમાં આતંકવાદી છુપાયા હોવાની માહિતી મળતાં શોધખોળ અભિયાન ચલાવ્યું હતું. જવાનોએ ગામની બહાર એક બગીચાામં તલાશી શરૂ કરી તો ત્યાં છુપાયેલા આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો હતો.
જવાનોએ પણ પોતાની પોઝિશન લઈને જવાબમાં ગોળીબાર કર્યો હતો. બે કલાક સુધી ચાલેલી આ અથડામણમાં આતંકી ઠેકાણું પણ નાશ કરી દેવાયું હતું અને ત્રણ આતંકીને ઠાર મરાયા હતા. આ દરમિયાન એક જવાન પણ ઘાયલ થયો હતો.
ઘટનાની માહિતી આપતા પોલીસે જણાવ્યું કે, આતંકવાદી છુપાયા હોવાની ગુપ્ત માહિતીના આધારે શોપિયાં જિલ્લાના હેફ વિસ્તારમાં ઘેરાવો કરીને શોધખોળ અભિયાન શરૂ કરાયું હતું. આતંકવાદીઓ દ્વારા પોલીસ પર ગોળીબાર કરાયા બાદ અથડામણ શરૂ થઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે