માલેગાંવ બ્લાસ્ટ: કાવત્રુ કરીને ફસાવાઇ રહ્યો હોવાના દાવા સાથે કર્નલ પુરોહિત પહોંચ્યા સુપ્રીમ

જસ્ટિસ યૂયૂ લલિતે સોમવારે પુરોહિતની અરજી અંગે સુનવણીનો ઇન્કાર કરી દીધો જેથી હવે નવી બેન્ચ પુરોહિતની અરજી પર સુનવણી કરશે

માલેગાંવ બ્લાસ્ટ: કાવત્રુ કરીને ફસાવાઇ રહ્યો હોવાના દાવા સાથે કર્નલ પુરોહિત પહોંચ્યા સુપ્રીમ

નવી દિલ્હી : 2008ના માલેગાંવ બ્લાસ્ટ મુદ્દે આરોપી શ્રીકાંત પુરોહિત દ્વારા દાખલ કરાયેલી અરજીની સોમવારે સુપ્રીમમાં સુનવણી ટળી હતી. જસ્ટિસ યૂ યૂ લલિતે સોમવારે પુરોહિતની અરજી અંગે સુનવણીથી પોતે અંતર જાળવ્યું હતું. હવે નવી બેંચ પુરોહિતની અરજી પર સુનવણી કરશે. પુરોહિત પોતાની અરજીમાં પોતાને એક કાવત્રા હેઠળ ફસાવવાનો આરોપ લગાવતા કોર્ટની દેખરેખમાં સીટની રચના અને તપાસની માંગ કરી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, પુરોહિતે પોતાના પર લાગેલ બિનકાયદેસર ગતિવિધિ નિરોધક અધિનિયમ (યુએપીએ)ને પણ પડકાર્યું હતું. આ અગાઉ બોમ્બે હાઇકોર્ટે કર્નલ પુરોહિત અને સમીર કલકર્ણી દ્વારા કરાયેલી અરજીને ફગાવી દીધી હતી. જ્યારે સુપ્રીમ કોર્ટે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને મહારાષ્ટ્ર સરકારને નોટિસ મોકલીને ચાર અઠવાડીયાની અંદર જવાબ રજુ કરવા માટે જણાવ્યું હતું. 

ગત્ત વર્ષે મળ્યા હતા જામીન
ગત્ત વર્ષે માલેગાવ બ્લાસ્ટ કેસમાં આરોપી કર્નલ શ્રીકાંત પુરોહિતને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હતા. કર્નલ પુરોહિત ગત્ત 9 વર્ષથી જેલમાં હતા. સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઇકોર્ટનાં ચુકાદાને પલટતા જામીન આપ્યા હતા. પુરોહિતે સુપ્રીમ કોર્ટને કહ્યું હતુ કે, તેમને રાજનીતિક કાવત્રા હેઠળ ફસાવવામાં આવ્યા હતા. પુરોહિતે એટીએસ પર તેમને ફસાવવાનો આરોપ લગાવ્યો હતો. એનઆઇએ અને સરકારના વકીલોએ કહ્યું હતું કે કર્નલ પુરોહિત આ મુદ્દે મુખ્ય આરોપી છે. તેમને જામીન નહી આપવામાં આવે. એનઆઇએએ તપાસ પ્રભાવિત થતી હોવાનો દાવો કર્યો હતો. જો કે કોર્ટે તેને ફગાવી દીધો હતો. કોર્ટે તે બાબત પણ નોંધી કે તપાસ દરમિયાન આરોપીને લાંબા સમયથી જેલમાં રાખવામાં આવ્યો હતો. 

શું છે માલેગાંવ બ્લાસ્ટ કેસ
ઉલ્લેખનીય છે કે, 29 સપ્ટેમ્બર 2008ના રોજ માલેગાવમાં એક બાઇકમા બોમ્બ લગાવીને વિસ્ફોટ કરાયો હતો. જેમાં 8 લોકોના મોત નિપજ્યા હતા અને આશરે 80 લોકો ઘાયલ થયા હતા. સાધ્વી અને પુરોહિતને 2008માં ધરપકડ કરવામાં આવી ત્યારથી તે જેલમાં હતા. તપાસ એઝન્સી અનુસાર વિસ્ફોટને દક્ષિણપંથી સંગઠન અભિનવ ભારતના કથિત રીતે અંઝામ આપ્યું હતું. એનઆઇએ અનુસાર પરોહિતે કાવત્રા રચનારી બેઠકોમાં સક્રિયરીતે ભાગ લીધો હતો અને વિસ્ફોટમાં ઉપયોગ કરવા માટે વિસ્ફોટની વ્યવસ્થા કરવા માટે પણ તૈયાર થઇ ગયા હતા. પુરોહિતે દલીલ આપી હતી કે એનઆઇએ કેટલાક આરોપીઓને આરોપ મુક્ત કરવામાં ભેદભાવ કરી રહી છે અને એજન્સીએ તેને આ મુદ્દે બલિનો બકરો બનાવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news