ચાર પ્રકારના લોકો એવા હોય છે જે જાણીજોઈ પોતાનું જીવન સમાપ્ત કરે છે અથવા ઈરાદાપૂર્વક મૃત્યુનો પ્રયાસ કરે છે

World Suicide Prevention Day 2023 : આજે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ છે... સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા આત્મહત્યાના કારણો પર મોટું સંશોધન કરાયું 

ચાર પ્રકારના લોકો એવા હોય છે જે જાણીજોઈ પોતાનું જીવન સમાપ્ત કરે છે અથવા ઈરાદાપૂર્વક મૃત્યુનો પ્રયાસ કરે છે

Rakot News : આજે 10 સપ્ટેમ્બરે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ છે. આત્મહત્યા એ સામાજિક અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યા બંને છે અને તે સમાજનું મુખ્ય કલંક છે. મનોવૈજ્ઞાનિકોના મતે આત્મહત્યા એક જટિલ વૈશ્વિક સામાજિક સમસ્યા છે. લોકો ઘણીવાર વિચારે છે કે મૃત્યુ પછી તેમને બધી જવાબદારીઓમાંથી મુક્તિ મળશે, તેઓ આત્મહત્યાને છેલ્લો ઉપાય માને છે. આ સાથે પ્રેમ-સંબંધો કે એવું કોઈ ટેન્શન જેને વ્યક્ત કરવામાં અસમર્થ હોય છે તે આત્મહત્યાનું કારણ બની જાય છે.  જે લોકો આત્મહત્યા કરે છે તેમના શરીરમાં અસાધારણ રીતે ઉચ્ચ સ્તરની પ્રવૃત્તિ અને સ્ટ્રેસ હોર્મોન્સ હોય છે. સેરોટોનિન એ મગજનું રાસાયણિક (ન્યુરોટ્રાન્સમીટર) છે જે મૂડ, ચિંતા અને આવેગ સાથે સંકળાયેલું છે. 10 સપ્ટેમ્બર વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ. વધતી જતી આત્મહત્યા એ દરેક સમાજ માટે સમસ્યા છે. કિશોર વયના લોકોથી વૃદ્ધ સુધીના લોકો આત્મહત્યા કરતા જોવા મળે છે જેમાં શિક્ષિત લોકોનો પણ સમાવેશ થાય છે. આ અંગેના ઘણા કારણો છે જેને મુખ્ય બે કારણો માં વહેંચી શકાય. વ્યક્તિગત કારણો અને સામાજિક કારણો. આ અંગે મનોવિજ્ઞાન ભવનના અઘ્યપક ર્ડા. ધારા આર.દોશી અને અધ્યક્ષ ડૉ. યોગેશ એ. જોગસણ દ્વારા આત્મહત્યા અંગે જરૂરી માહિતીઓ જણાવી

વ્યક્તિગત કારણો
નિષ્ફળતાનો ડર, પોતાના પરિવાર, વર્તમાન સમયની અપેક્ષાઓથી ઉદભવેલી હતાશા, હ્રદયના કોઈ એક ખૂણે બેઠેલ હીનતાની લાગણી, જુદા જુદા સંજોગો કે કારણો ઘણા લોકોના મન અને હૃદયમાં નિરાશા, લાચારી, હતાશા, નિમ્ન હોવાની લાગણી વગેરે જેવી નિષેધક સ્થિતિનું નિર્માણ કરે છે. આ સઘળા કારણોથી વ્યક્તિ ખિન્ન બને છે જેનું પરિણામ ઘણી વખત આત્મહત્યામાં પરિવર્તિત થાય છે, ઈચ્છિત ધ્યેયની પૂર્તિ ન થવાને કારણે નિષ્ફળતાની લાગણી જાગે છે, પોતે બીજા કરતા ઉતરતો છે તેવો ભાવ અર્ધજાગ્રત મનમાંમાં ડર પેદા કરે છે અને હીનતાની ભાવના અને નિષ્ફળતાનો ડર હતાશા અને આત્મહત્યા વૃતિમાં વધારો કરે છે, મનોબળ નબળું હોવાથી કોઈની વાતનો તરત સ્વીકાર પણ એક કારણ છે, નબળા મનોબળને લીધે ઘણા લોકો  દુઃખ અને હતાશા અનુભવે છે, સંવેદનશીલ મનને કારણ ઉદ્ભવતા તણાવ અને અકળામણની લાગણીથી વ્યક્તિ હતાશામાં સરી પડે છે અને ક્યારેક તેનું પરિણામ આત્મહત્યા સ્વરૂપે આવે છે, વધુ લાડપ્રેમને કારણે ‘ના’ ન સાંભળવું અને અતિશય ગરીબીને કારણે નિમ્ન હોવાની લાગણી પણ જવાબદાર ઘટક બની રહે છે. અમીર હોવાને લીધે ગુરુતા ભાવ અને ગરીબ હોવાને લીધે લઘુતભાવ આત્મહત્યાનું કારણ બને છે, જાતનું અયોગ્ય મૂલ્યાંકન અસ્વસ્થતા, ઉદાસીનતા, નિષ્ક્રિયતાનું કારણ બને છે જે સાચા,ખોટા, સફળતા, નિષ્ફળતા વચ્ચેની મૂંઝવણને કારણે થાય છે, અપેક્ષિત અને પૂરતા પ્રયત્નો વિના તરત જ સફળ થવાની મહત્વાકાંક્ષા,લાગણીઓને તરત પહોચતી ઠેસ, ધારેલ સફળતા ન મળવા પર નિરાશા અને હતાશા અનુભવાય છે જે આત્મહત્યા તરફ લઇ જાય છે, ધીરજ અને સહનશીલતાના અભાવને કારણે, સંજોગો સાથે તાલમેલ નથી, પરિણામે અતિશય આવેગ અને ઉત્સાહ જોવા મળે છે, આવેગ અને ઉત્સાહ પ્રમાણે પરિણામ ન મળતા વ્યક્તિ હતાશ બને છે, માહિતી અને સંચાર ક્રાંતિના આ યુગમાં ઘણા યુવાનો 'ગેજેટ સેવી' અને “ઇલેક્ટ્રિક સાધનોના વ્યસની” બનતા જાય છે, સોશિયલ મીડિયાની વધુ પડતી પ્રવૃત્તિ અને ઈન્ટરનેટ વગેરેના આડેધડ ઉપયોગ એક ગેરમાર્ગે દોરી જાય છે, પ્રેમ સંબધમાં મળતી નિષ્ફળતા અથવા પોતાનો અસ્વીકાર વ્યક્તિથી સહન નથી થતો. જેના કારણે વ્યક્તિ હતાશ થઈને આત્મહત્યા જેવું પગલું ભરી લે છે, વધુ પડતી મહત્વકાંક્ષા પણ આત્મહત્યાનું કારણ બને છે.

સામાજિક કારણ
સમાજમાં બનતી ઘટનાઓ, બદલાતું સામાજિક વાતાવરણ, સમાજમાં પ્રચલિત યોગ્ય પ્રથાઓ, રિવાજો, મૂલ્યો અને સામાજિક પ્રતિષ્ઠાના પ્રવર્તમાન ધોરણો વગેરેની વ્યક્તિ પર, ખાસ કરીને કિશોર અને યુવા માનસ પર ઊંડી અસર પડે છે, નૈતિક મૂલ્યોમાં ઘટાડો, પૈસા અને સત્તાને સામાજિક પ્રતિષ્ઠાનાં પ્રતીકો ગણીને ભૌતિકવાદનું વધતું વલણ, ખોટી આધુનિકતા અને સોશિયલ મીડિયાનો વધતો પ્રભાવ વગેરે સૌથી વધુ અસર કરી રહ્યાં છે, કહેવાતી અને ખોટી આધુનિકતા અને દેખાડો કરવાની ભાવના સમાજમાં ખૂબ જ નિષેધક અસર ઉભી કરે છે, આધુનિક દેખાવા પરિપૂર્ણ માટે, સ્પર્ધાત્મક ભાવના ઘણીવાર અનૈતિક રીતે કાર્ય કરવા તરફ વ્યક્તિને આગળ ધક્કો મારે છે અને બાળકો તથા યુવાનો પોતાનો ખોટો અહમ પોષવા માટે કોઈપણ રીતે ભૌતિક સંસાધનો મેળવવા પ્રેરિત થાય છે  જે એક તરફ તણાવનું કારણ બને છે અને બીજી તરફ એ પૂર્ણ ન થતા ખિન્નતા ઉભી થાય છે, આજના સામાજિક વાતાવરણમાં ઘણા લોકો માટે માત્ર સત્તા અને પૈસા જ સામાજિક પ્રતિષ્ઠા અને આદરના માપદંડ બની ગયા છે. ઘણી વખત મૂંઝવણમાં આવીને વ્યક્તિ દિશાહીન બની જાય છે અને ખોટા જૂથોમાં જોડીને પોતાનું અહિત કરે છે, જ્યારે વ્યક્તિ ઈચ્છિત ધ્યેય હાંસલ કરવામાં નિષ્ફળ જાય છે ત્યારે હતાશ થઈ જાય છે. અન્ય ઘણા ગેરકાયદેસર અને અનૈતિક કૃત્યોને કારણે બદનામી અને સામાજિક અસ્વીકારનો ડર પણ હતાશા અને આત્મહત્યાનું એક કારણ છે, કારણ વગર જ્યારે વ્યક્તિને ખોટી રીતે હેરાન કરવામાં આવે ત્યારે નબળા મનની વ્યક્તિ આત્મહત્યા તરફ દોરાય છે, કુટુંબમાં વ્યક્તિને જ્યારે પ્રેમ, હૂંફ કે લાગણી ન મળે ત્યારે પણ તે આત્મહત્યા કરવા પ્રેરાય છે.
આત્મહત્યા વૃતિ ધરાવનાર વ્યક્તિની અવસ્થા:

મનોવૈજ્ઞાનિકોના મતે આત્મહત્યા કરનાર વ્યક્તિ વિવિધ ચાર સ્ટેજ પરથી પસાર થાય છે. જેના વિષે જાણવું જરૂરી છે.

1)આત્મહત્યાનો વિચાર આવવો: આ પહેલા સ્ટેજમાં વ્યક્તિને આત્મહત્યાનો વિચાર આવે છે. તેમાં વ્યક્તિને પોતાની અણગમતી બાબતો કે એવી પરિસ્થિતિ જેમાં તેને એવું લાગે છે કે તે મુકાબલો નહી કરી શકે તેના કારણે તે આત્મહત્યાનો વિચાર કરે છે.

2)આત્મહત્યાનું આયોજન કરવું: આ બીજા સ્ટેજમાં વ્યક્તિ આત્મહત્યા વિશેનું પ્લાનિંગ કરે છે. તે કઈ રીતે આત્મહત્યા કરશે અથવા ક્યાં સમયે કરશે? તે દરેક બાબતોનું પ્લાનિંગ કરે છે. એ ઉપરાંત પોતાની વસ્તુઓ કોઈને આપી દેવી કે પોતાની વસીયત કે મિલકતનું વ્યવસ્થાપન કરવાનું શરુ કરશે.

3)આત્મહત્યાની તૈયારીઓ શરૂ કરવી: આ ત્રીજા સ્ટેજમાં વ્યક્તિ આત્મહત્યાની તૈયારીઓ શરૂ કરે છે. પોતાના પ્લાનને કઈ રીતે પૂર્ણ સ્વરૂપ આપવું તે વિશેની તૈયારીઓ શરૂ કરી દે છે.

4)આત્મહત્યા કરવી: આ ચોથા સ્ટેજમાં વ્યક્તિ પોતે આત્મહત્યા કરે છે અને પોતાના પ્લાનિંગને પૂર્ણ કરે છે અને આ દુનિયામાંથી વિદાય લે છે.

ચાર પ્રકારના લોકો એવા હોય છે જેઓ જાણીજોઈને પોતાનું જીવન સમાપ્ત કરે છે અથવા ઈરાદાપૂર્વક મૃત્યુનો પ્રયાસ કરે છે.

(1)મૃત્યુને પસંદ કરનાર વ્યક્તિ: એવા લોકો જેઓ આત્મહત્યા કરતી વખતે તેમના જીવનનો અંત લાવવાની ખૂબ સ્પષ્ટ ઇચ્છા ધરાવે છે. આ અંગે તેના મનમાં કોઈ શંકા કે ક્ષોભ હોતો નથી. તેઓ જીવનના અંત કરવા માટે દ્રઢ મનોબળ ધરાવે છે. જીવનનો અંત લાવવાની તેના મનમાં એક જ ઈચ્છા છે. પરંતુ આ ઈચ્છાનો સમયગાળો ખૂબ જ ટૂંકો છે. થોડા કલાકો પછી અથવા બીજા દિવસે, આ ઇચ્છા અન્ય ઇચ્છાઓ દ્વારા બદલી શકાય છે. ઘણા મનોવૈજ્ઞાનિકો માને છે કે જે લોકો તેમના જીવનનો અંત લાવવા માટે ઘાતક સાધનોનો ઉપયોગ કરે છે તેઓને તે જ કરવાની તીવ્ર ઇચ્છા હોય છે. તેથી, આવા લોકોને મૃત્યુ પસંદ કરનારની શ્રેણીમાં રાખવામાં આવે છે.

(2)મૃત્યુની પહેલ કરનાર વ્યક્તિ : તેમના જીવનનો અંત લાવવાની સ્પષ્ટ ઈચ્છા હોય છે પરંતુ સાથે જ તેઓ એવું પણ માને છે કે મૃત્યુ તો અવશ્ય આવવાનું જ છે પરંતુ તેઓ માત્ર તેને ફટાફટ મેળવવા માંગે છે જેથી તેઓ વહેલા મૃત્યુને મેળવી શકે.. મોટા ભાગના વૃદ્ધોની આવી માન્યતા હોય છે. તેથી, આ લોકોને આત્મહત્યા કરનારાઓની આ શ્રેણીમાં રાખવામાં આવે છે.

(3)મૃત્યુની  અવગણના કરનાર વ્યક્તિ: આવી વ્યક્તિમાં  એવી માન્યતા હોય  છે કે આત્મહત્યા કરવાથી તેની જાતનું અસ્તિત્વ સમાપ્ત થતું નથી, પરંતુ તેને નવું જીવન મળે છે જેમાં તેને વર્તમાન સમય કરતા તુલનાત્મક રીતે વધુ ખુશી મળી શકે છે. ધાર્મિક વૃત્તિઓથી પ્રભાવિત લોકો દ્વારા કરવામાં આવતી આત્મહત્યાઓને આ શ્રેણીની આત્મહત્યા તરીકે ગણવામાં આવે છે.

(4) મૃત્યુનો સામનો કરનાર વ્યક્તિ : મોટાભાગની આત્મહત્યાઓ આ શ્રેણીમાં રાખવામાં આવે છે. એવા લોકો જેઓ આત્મહત્યાનો પ્રયાસ કરે છે અને તેમના ઇરાદામાં મક્કમતા છે. બીજા શબ્દોમાં કહીએ તો, જેમાં અપરાધભાવ, બીજાનું ધ્યાન પોતાના તરફ ખેચવાની ઘેલછા, સહનશીલતાના અભાવને કારણે થતી આત્મહત્યા આ શ્રેણીમાં રાખવામાં આવે છે. તેઓ આત્મહત્યા દ્વારા પોતાનો ગુસ્સો વ્યક્ત કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news