બાળકોને સ્માર્ટફોન આપીને નવરા થઈ જતા માબાપ ખાસ વાંચે, આ 15 બીમારીઓ તેમની રાહ જુએ છે
Mobile Addiction : મોબાઈલ કે સ્માર્ટફોનમાંથી નીકળતા રેડિયેશન મગજ પર ઊંડી અસર કરે છે... તેથી તમારા બાળકને મોબાઈલથી દૂર રાખો
Trending Photos
Mobile Radiation ગૌરવ દવે/રાજકોટ : આજના યુગમાં સ્માર્ટફોન દરેક વ્યક્તિની જરૂરિયાત બની ગયો છે, પરંતુ તેના ઉપયોગ અંગે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. સ્માર્ટફોનના સતત ઉપયોગને કારણે કિશોરોમાં આત્મહત્યા વૃત્તિ, ડિપ્રેશન, ચિંતા અને અનિદ્રા જેવી સમસ્યાઓ વધી રહી છે. મોબાઈલના વધુ પડતા ઉપયોગને કારણે મગજ પર ખરાબ અસર પડે છે. મનોવિજ્ઞાનના તજજ્ઞો તેને એક એક વ્યસન માને છે. જ્યારે બાળકો સ્માર્ટફોનના સંપર્કમાં આવે છે ત્યારે તેમનો માનસિક વિકાસ યોગ્ય રીતે થતો નથી. બાળકનું મન નબળું પડી જાય છે. મોબાઈલ કે સ્માર્ટફોનમાંથી નીકળતા તરંગો મગજ પર ઊંડી અસર કરે છે એટલું જ નહીં સાંભળવાની ક્ષમતાને પણ નબળી પાડે છે. છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓમાં મોબાઈલની ના પાડતા આત્મહત્યા કરવાનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. આજકાલ દેશમાં બાળકોથી લઈને વડીલો સુધી સ્માર્ટફોનનો ઉપયોગ વધી રહ્યો છે. કોમ્પ્યુટર અને સ્માર્ટ ફોનના વધુ પડતા ઉપયોગને કારણે કિશોરોમાં આત્મહત્યાની શક્યતાઓ વધી રહી છે. આધુનિક ચીજવસ્તુઓના વધુ પડતા ઉપયોગને કારણે લોકો તેના વ્યસની બની રહ્યા હોવાનું જોવા મળે છે. આજના યુવાનો સ્માર્ટફોન વગર ન તો ચાલી શકે છે કે ન તો કોઈ કામ કરી શકે છે. સ્માર્ટ ફોનનો મર્યાદિત ઉપયોગ કરવામાં આવે તો તે નુકસાનકારક નથી, પરંતુ મર્યાદા કરતાં વધુ સમય સ્માર્ટ ફોન પર વિતાવવો ઘાતક છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડૉ. ધારા આર. દોશી અને અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણ દ્વારા એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. આ અહેવાલ વિદ્યાર્થીઓએ ટ્રાફિક સિગ્નલ, બસ મુસાફરી, રેલ્વેસ્ટેશન, વગેરેથી એકત્રિત કરેલ (1080) માહિતી દ્વારા અને કાઉન્સેલિંગમાં આવેલ 450 વાલીઓ અને વિદ્યાર્થીઓના આધારે કરવામાં આવ્યો.
બાળકો મોબાઈલ તરફ કેમ આટલા આકર્ષાય છે?
બાળકો અલગ-અલગ ચિત્રો અને રંગો જોઈને આકર્ષાય છે. આ જ કારણ છે કે બાળકોનો મોબાઈલ તરફ ઝોક વધી રહ્યો છે. મોબાઈલમાંથી નીકળતો પ્રકાશ અને તેના પર દેખાતા ચિત્રો બાળકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. આ સાથે મોબાઈલનો અવાજ પણ બાળકોમાં તેના વિશે જાણવા અને તેને સ્પર્શવાની જિજ્ઞાસા પેદા કરે છે.
મોબાઈલનો ઉપયોગ કરવાની ટેવ
# બધા જ્યારે સાથે બેઠા હોઈએ ત્યારે એક વ્યક્તિ કલાકમાં સરેરાશ 18 વખત પોતાનો ફોન ચેક કરે છે.
# ટ્રાફિક સિગ્નલ પાસે ઉભા હોઈએ ત્યારે લગભગ 23%લોકો પોતાનો ફોન જોતા હોય છે.
# સ્કૂટર પર જતાં લોકોમાં પાછળ બેઠેલા લોકોમાંથી 43% લોકો મોબાઈલમાં વ્યસ્ત હોય છે.
# બસમાં બેઠેલ લોકોમાંથી લગભગ 56% લોકો મોબાઈલમાં વ્યસ્ત હોય છે.
# 18 કુટુંબના નિરીક્ષણ કરતા 9 કુટુંબમાં જમતા જમતા મોબાઈલ વાપરવાની ટેવ છે.
સામાજિક જીવન માટે જોખમી સ્માર્ટ ફોન
મોબાઈલ સામાજિક જીવન માટે જોખમી છે. ખાસ કરીને છોકરીઓમાં ડિપ્રેશન અને આત્મહત્યાની વૃત્તિનું જોખમ વધી રહ્યું છે. કિશોરોમાં આ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો વધારો ખૂબ જ ખતરનાક છે.
મોબાઈલ જોવાથી આંખોને નુકસાન
આશરે 23.23% બાળકોને આંખોની સમસ્યાઓ જોવા મળી. જેમાં બાળકો દિવસમાં 3 કલાકથી વધુ મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા હતા.મોબાઈલ અને તેના જેવા ગેજેટ્સની આડઅસર બાળકોની આંખો પર સૌથી પહેલા દેખાય છે કારણ કે તેઓ કલાકો સુધી સ્ક્રીન પર જોતા રહે છે. તેને કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ પણ કહી શકાય.
બાળકોનોશારીરિક વિકાસ ધીમો પડી જાય છે
આજે જે પ્રકારની ટેક્નોલોજી છે તે બાળકોની હલનચલન ઓછી કરે છે, જેથી શારીરિક વિકાસમાં પાછળ રહી શકે છે.
સ્થૂળતામાં વધારો
34.23% બાળકોમાં મેદસ્વીતાનું પ્રમાણ જોવા મળ્યું. સતત મોબાઈલ નો ઉપયોગ બાળકનું જીવન બેઠાડુ કરી દે છે જેથી તેની સ્થૂળતામાં વધારો થાય છે.
ઊંઘનો અભાવ
ટેક્નોલોજીને કારણે નવથી દસ વર્ષના બાળકોની ઊંઘ પર અસર થઈ રહી છે જેના કારણે તેમના અભ્યાસ પર અસર પડી રહી છે. 34% વાલીઓ અને વિદ્યાર્થીઓ એ સ્વીકાર્યું કે મોબાઈલ નો ઉપયોગ તેમની ઊંઘ માં વિક્ષેપ ઉભો કરે છે.
આક્રમકતા
56.34% વાલીઓના મટે બાળકો પાસેથી મોબાઈલ લઈએ એટલે સખત આક્રમકતા દેખાડે છે. ઘણી વખત મોબાઈલ ગેમ્સમાં હિંસા બતાવવામાં આવે છે, જેના કારણે બાળકોમાં આક્રમકતા વધી રહી છે.આજકાલ નાના બાળકો શારીરિક અને જાતીય હિંસાના સંપર્કમાં આવે છે જે હત્યા, બળાત્કાર અને ત્રાસના દ્રશ્યોથી ભરેલા હોય છે.
ડિજિટલ સ્મૃતિ ભ્રંશ
હાઇ-સ્પીડ મીડિયા કન્ટેન્ટ દ્વારા બાળકોની ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા ખરાબ રીતે પ્રભાવિત થાય છે, જેના કારણે તેઓ એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી અને હકીકતો યાદ રાખી શકતા નથી. 36% વિદ્યાર્થીઓની ફરિયાદ હતી કે વાંચીએ પણ ભૂલી જઈએ અને મોબાઈલ ન જોઈએ ત્યાં સુધી બેચેની રહે છે.
વ્યસની
લગભગ 18 ટકા બાળકો જે ટેક્નોલૉજીનો ખૂબ ઉપયોગ કરે છે તે એટલા વ્યસની થઈ ગયા છે કે તેઓ તેમનું ખાવા-પીવાનું પણ ભૂલી જાય છે અને સવારે જાગવાથી લઈને રાત્રે સૂવા સુધી તેમના ગેજેટને વળગી રહે છે.
માનસિક વિકાસનો અભાવ
મોબાઈલ ફોનની એક આડ અસર એ છે કે તે બાળકના માનસિક વિકાસમાં અવરોધ ઉભો કરી શકે છે. તેનું કારણ એ છે કે મોબાઈલની લતને કારણે બાળક અન્ય કોઈ કામમાં ધ્યાન આપતું નથી. તે જ સમયે, તે લોકો સાથે સામાજિક અને વ્યવહારિક રીતે જોડવામાં અસમર્થ બને છે. પરિણામે બાળકમાં જે વિકાસ ખરેખર ઉંમર પ્રમાણે થવો જોઈએ તેમાં ક્યાંક ને ક્યાંક ખામી રહે છે.
વર્તનમાં બદલાવ
બાળક દ્વારા મોબાઈલ ફોનનો સતત ઉપયોગ કરવાથી પણ તેના વર્તનમાં પરિવર્તન આવી શકે છે. મોબાઈલની લત બાળકને અન્ય કોઈ કામમાં ધ્યાન કેન્દ્રિત કરવા દેતી નથી.બાળક પાસેથી મોબાઈલ લઈ લેવામાં આવે તો વ્યક્તિ પ્રત્યે નકારાત્મક લાગણીઓ પેદા કરી શકે છે, તે મોબાઈલ મેળવવા માટે ચીડિયો થઈ શકે છે અથવા નારાજગી વ્યક્ત કરી શકે છે. 63% બાળકોના વર્તનમાં પરિવર્તનની નોંધ વાલીઓ દ્વારા લેવામાં આવી.
માથાનો દુખાવો
ઘણા કિસ્સામાં એવું જોવામાં આવ્યું છે કે જે બાળકો લાંબા સમય સુધી મોબાઈલનો ઉપયોગ કરે છે તેમને માથાનો દુખાવો થાય છે. 24% બાળકોમાં આ સમસ્યા જોવા મળી.
ડિપ્રેશન અને શોર્ટ ટેમ્પર
બાળકોમાં મોબાઈલના વધુ પડતા ઉપયોગને કારણે ડિપ્રેશન અને ઝડપી સ્વભાવની સમસ્યા પણ વિકસી શકે છે.
આત્મહત્યા
મોબાઈલ એ આત્મહત્યાનું પણ કારણ બની રહ્યું છે. ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં મોબાઈલની ના પાડતા બાળકોએ આત્મહત્યા કરી હોય.
તાજેતરમાં, આ વિષય પર ઘણું સંશોધન થયું છે, જેમાંથી જાણવા મળ્યું છે કે ટેક્નોલોજી આપણાં બાળકોને ફાયદો થવાને બદલે લાંબા ગાળે નુકસાન કરી રહી છે, તેમ છતાં મોટી સંખ્યામાં માતા-પિતા તેમના બાળકોને તેનો બેરોકટોક ઉપયોગ કરવા દે છે. કારણ કે તેમને લાગે છે કે તેનો ઉપયોગ કરીને બાળકો સ્માર્ટ બની રહ્યા છે અને વ્યસ્ત રહે છે.
આ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે
#ફોનનો ઉપયોગ કરવાથી આંખો પર અસર થઈ શકે છે. દૃષ્ટિ નબળી પડી શકે છે, ક્રોનિક ડ્રાય આઇ સિન્ડ્રોમ ની સમસ્યા થઈ શકે છે.
#ફોનના વધુ પડતા ઉપયોગને કારણે બાળકો આઉટડોર ગેમ્સ રમતા નથી, જેના કારણે તેમનો શારીરિક વિકાસ થતો નથી અને સ્થૂળતાની સમસ્યા વધે છે.
#રાત્રે સુતા પહેલા અને સવારે ઉઠ્યા પછી સ્માર્ટફોન ચેક કરવો એ એક રોગ છે, તેને સ્માર્ટફોન બ્લાઈન્ડનેસ કહેવાય છે.
#ફોનને હૃદયની નજીક ન રાખો કે લાંબા સમય સુધી ખિસ્સામાં ન રાખો.
#સ્માર્ટફોનને તકિયા નીચે બિલકુલ ન રાખવો જોઈએ
#અનિદ્રા થઈ શકે છે
#ફોનને લાંબા સમય સુધી પકડી રાખવાથી કાંડામાં દુખાવો થઈ શકે છે
#ગરદનને વધુ નમાવીને મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી ગરદનમાં કરોડરજ્જુને લગતી સમસ્યા થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે