કારમાં લિફ્ટ લઈને પછતાયો ગુજરાતી છોકરો, નેશનલ હાઈવે 48 પર બની આ ઘટના

Crime News : હાઇવે પર લિફ્ટ લેતા પહેલા ચેતજો, કારમાં લિફ્ટ આપી સુરતના ચાર યુવાનોએ એક યુવકને લૂંટી લીધો, જેમાં પોલીસે ત્રણ યુવકોને પકલી લીધા... એક હજી વોન્ટેડ 

કારમાં લિફ્ટ લઈને પછતાયો ગુજરાતી છોકરો, નેશનલ હાઈવે 48 પર બની આ ઘટના

Navsari News ધવલ પારેખ/નવસારી : અનેકવાર એવુ બન્યું છે કે, લોકો લિફ્ટ આપીને પછતાય છે, પરંતું નવસારીનો એક યુવક લિફ્ટ લઈને પછતાયો હતો. નવસારીમાં નેશનલ હાઇવે નં. 48 પર રાત્રિ દરમિયાન એક યુવકને કારમાંથી લિફ્ટ લેવી ભારે પડી હતી. મુસાફરોને કારમાં લિફ્ટ આપ્યા બાદ તેમને ધમકાવી રોકડ તેમજ કિંમતી સામાન લુંટી લેનારી ટોળકીના ત્રણ આરોપીને નવસારી ગ્રામ્ય પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે ઝડપી પાડ્યા છે. જ્યારે એક લુટારૂને વોન્ટેડ જાહેર કર્યો છે

પ્રાપ્ત માહિતી અનુસાર, નવસારી પાસેથી પસાર થતા નેશનલ હાઇવે નં. 48 સતત વાહનોથી ધમધમતો રહે છે. ત્યારે આ હાઇવે પર વિવિધ ગુનાઓ પણ થતા રહે છે. રાત્રિ દરમિયાન ઘણા મુસાફરો પોતાના ગંતવ્ય પર જવા લિફ્ટ લેતા હોય છે, ત્યારે આવા મુસાફરોને લિફ્ટ આપી તેમને ડરાવી ધમકાવી રોકડ તેમજ કિંમતી સામાન ચોરતી ટોળકી સક્રિય હોવાની ફરિયાદો પણ રહી છે. ત્રણ દિવસ અગાઉ હાઇવે પર આવેલી રામદેવ હોટલનો રસોઈયો અંકિત ચૌધરી સુરતના કડોદરા જવા માટે નીકળ્યો હતો. અંકિતને પગમાં તકલીફ હોવાથી ઓપરેશન કરાવવાનું હોય તેની પાસે રોકડ પણ હતી. ત્યારે અંકિત પાસે એક સફેદ રંગની swift કાર આવીને ઊભી રહી અને તેને લિફ્ટ આપી હતી. કારમાં બેઠા બાદ કારમાં સવાર ઈસમોએ અંકિતને ઢોલ ઠાપટ તેને ધમકાવ્યો હતો અને તેની પાસેથી 37,000 રોકડા અને 5000 રૂપિયાનો મોબાઈલ ફોન લૂંટી લીધો હતો. 

આ પણ વાંચો : 

આ બાદ અંકિતને હાઈવે પર આરક સિસોદ્રા ગામ પાસે ઉતારી ભાગી છુટ્યા હતા. સમગ્ર મુદ્દે અંકિત ચૌધરીએ નવસારી ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ કરતા સતર્ક બનેલી પોલીસે ટેકનીકલ સર્વેલન્સ આધારે swift કાર શોધી કાઢી હતી. જેના આધારે પોલીસે મરોલી રેલવે ફાટક નજીક રહેતા મોહમ્મદ સુફિયાન શાહને દબોચી પાડ્યો હતો. જેની પૂછપરછ દરમિયાન અન્ય બે આરોપીઓને પણ પોલીસે ઝડપી પાડી ત્રણેયની ધરપકડ કરી છે. જ્યારે તેમનો અન્ય એક સાથી સુરતના લિંબાયત મીઠી ખાડી નજીક રહેતા તબરેઝ શાહને વોન્ટેડ જાહેર કર્યો છે. સમગ્ર મુદ્દે પોલીસે આરોપીઓ પાસેથી swift કાર તેમજ લુટેલી રોકડમાંથી 36,500 અને મોબાઈલ ફોન તેમજ આરોપીઓના ત્રણ મોબાઈલ ફોન મળી કુલ 3.54 લાખ રૂપિયાનો મુદ્દા માલ કબજે કરી તપાસને વેગ આપ્યો છે.

આ વિશે નવસારીના નાયબ પોલીસ અધિક્ષક એસ. કે. રાયે જણાવ્યું કે, નેશનલ હાઇવે નં. 48 પર રસોઇયા અંકિત ચૌધરીને લૂંટનારા ત્રણેય લૂટારૂઓ વિરૂદ્ધ અગાઉ કોઈ ગુનો નોંધાયો હોય એવું સામે આવ્યું નથી. પરંતુ ત્રણે આરોપીઓ ગુનાહિત વૃત્તિ ધરાવતા હોય તેમજ લૂંટ મોજશોખ માટે કરી હોય એવું પ્રાથમિક તારણ પોલીસ લગાવી રહી છે. જોકે સમગ્ર હકીકત પોલીસ તપાસ બાદ જ સામે આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news