વડોદરામાં 400થી વધુ વાહનોના પૈડાં એકાએક થંભી ગયા! કારણ જાણીને તમે પણ ચોંકી જશો
વડોદરા મહાનગર પાલિકામાં વપરાતા વાહનોમાં પાલિકાના વ્હિકલ પૂલ ખાતેથી ડીઝલ ભરવામાં આવે છે પરંતુ અહી આવેલા ડીઝલ પંપમાં ગઈકાલ રાતથી જ ટેકનિકલ ખામી સર્જાઈ છે.
Trending Photos
હાર્દિક દીક્ષિત/વડોદરા: વડોદરા મહાનગર પાલિકામાં મેયરથી માંડી ઢોર પાર્ટીની ટીમ માટે વપરાતા તમામ વાહનો ડીઝલ એન્જિન સંચાલિત છે, પાલિકામાં લગભગ 85થી 90 ટકા વાહનો એવા છે કે જો તે વાહનમાં સમયસર ડીઝલ ન ભરાવાય તો તેના પૈડાં થમી જાય ત્યારે ગઈકાલથી જ પાલિકાના વાહનોને ડીઝલ ન મળવાના કારણે મોટાભાગની મહત્વની કામગીરી ખોરંભે ચડી ગઈ છે.
વડોદરા મહાનગર પાલિકામાં વપરાતા વાહનોમાં પાલિકાના વ્હિકલ પૂલ ખાતેથી ડીઝલ ભરવામાં આવે છે પરંતુ અહી આવેલા ડીઝલ પંપમાં ગઈકાલ રાતથી જ ટેકનિકલ ખામી સર્જાઈ છે જેના કારણે ફિલ્ડમાં ફરીને મહત્વના કામ કરતા 400 થી વધુ વાહનો નું સ્ટાર્ટર ગઈકાલ રાતથી જ વાગ્યું નથી.
ઉલ્લેખનીય છે કે પાલિકાના આ વ્હિકલ પૂલમાં જો વાહનમાં પેટ્રોલ કે ડીઝલ ભરવું હોય તો તેના માટે પેટ્રોલ ડીઝલના માત્ર એક એક પંપ જ રાખવામાં આવ્યા છે. હવે ગઈકાલ રાતથી જ આ પંપમાં ખામી સર્જાતા તંત્રમાં દોડધામ મચી હતી. વ્હીકલ પૂલમાં આવેલા ડીઝલ પંપમાં ગઈકાલ રાતથી ફોલ્ટ સર્જાતા અહી મોટી સંખ્યામાં ડીઝલ વિના અટવાયેલા વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. તો સાથે સાથે અહી આવેલા એક માત્ર પેટ્રોલ પંપમાં પણ ફોલ્ટ સર્જાતા આ પંપને મેન્યુઅલી શરૂ કરીને હાલ ધક્કા ગાડી ચલાવવામાં આવી રહી છે. વ્હીકલ પૂલના જવાબદાર અધિકારીઓ દ્વારા ડીઝલ પંપ ની ખામી ને દૂર કરવા તાત્કાલિક ધોરણે IOCLમાં જાણ કરવામાં આવી હતી.
અહી ફરજ બજાવતા એક જવાબદાર અધિકારી એ જણાવ્યું હતું કે, પંપ ગઈકાલ રાતથી જ કામ નથી કરી રહ્યો. અમારા દ્વારા પંપ જલ્દી શરૂ થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ પંપ રિપેર થતાં અંદાજિત બે દિવસ જેટલો સમય લાગી શકે છે, ત્યારે અહીંનો ડીઝલ પંપ વહેલી તકે કાર્યરત થાય તેમજ પાલિકાની કામગીરી ન અટવાય તેવા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે