Cyclone Biparjoy: 1998માં ગુજરાત પર ત્રાટકેલા સુપર સાઈક્લોન સાથે શું છે બિપોરજોયનું સીધું કનેક્શન?

Cyclone Biparjoy: 1998માં સૌરાષ્ટ્ર અને કચ્છ પર ત્રાટકેલા વિનાશક સુપર સાઈક્લોન બાદ પણ ઘણા વાવાઝોડા આવ્યા, જો કે તેમના કારણે થયેલું નુકસાન સીમિત રહ્યું. પણ તીવ્રતા અને તાકાતમાં બિપરજોયનું કનેક્શન સીધું 1998ના સુપર સાઈક્લોન સાથે હતું. બિપરજોયે એવા ઘણા રેકોર્ડ સર્જયા છે.

Cyclone Biparjoy: 1998માં ગુજરાત પર ત્રાટકેલા સુપર સાઈક્લોન સાથે શું છે બિપોરજોયનું સીધું કનેક્શન?

Cyclone Biparjoy: દર વર્ષે કોઈને કોઈ વાવાઝોડું દરિયાકાંઠે ત્રાટકે છે. એમાં પણ ગુજરાતનો દરિયાકાંઠો તો વાવાઝોડા માટે માનીતો છે. 1998માં સૌરાષ્ટ્ર અને કચ્છ પર ત્રાટકેલા વિનાશક સુપર સાઈક્લોન બાદ પણ ઘણા વાવાઝોડા આવ્યા, જો કે તેમના કારણે થયેલું નુકસાન સીમિત રહ્યું. પણ તીવ્રતા અને તાકાતમાં બિપરજોયનું કનેક્શન સીધું 1998ના સુપર સાઈક્લોન સાથે હતું. બિપરજોયે એવા ઘણા રેકોર્ડ સર્જયા છે, જે અગાઉ ક્યારેય જોવા નથી મળ્યા.

આ વાવાઝોડાની સંચયિત ઊર્જા ઉત્તર હિંદ મહાસાગરમાં 1982 બાદ ચોમાસા પહેલાની સૌથી વધુ સંચયિત ઉર્જા હતી. ચક્રવાતની સંચયિત ઊર્જામાં ચક્રવાતની તીવ્રતા અને સમયગાળાનો સમાવેશ થાય છે. બિપર જોયની સંચયિત ઊર્જા 23.6 સ્કવેર નોટ્સ હતી, જે 2019માં આવેલા ફાની અને મે 2020ના એમ્ફન ચક્રવાતની સરખામણીમાં વધુ હતી.

જો વર્ષના તમામ મહિનાને ધ્યાને લેવામાં આવે, તો બિપરજોય 24.71 સ્કવેર નોટ્સની સંચયિત ઉર્જા સાથે 2019માં ત્રાટકેલા ક્યાર નામના ચક્રવાત બાદ બીજા ક્રમે છે. અહીં એ પણ જાણી લેવું જોઈએ કે ચક્રવાતમાં રહેલી ઉર્જાને તેના દ્વારા કિનારા પર કરવામાં આવતા નુકસાન સાથે ઘણું ઓછું લેવાદેવા છે. જાણકારોનું માનીએ તો બિપરજોય વાવાઝોડાની સંચયિત ઉર્જાનો સંબંધ દરિયાની ગરમી સાથે છે. 

બિપરજોય વાવાઝોડાએ તેના સમયકાળનો પણ રેકોર્ડ સર્જયો છે. 220 કલાકથી વધુ સમય સાથે બિપરજોય એપ્રિલ-જૂનની પ્રિ મોન્સૂન સીઝનમાં સૌથી વધુ સમય સુધી ટકેલું વાવાઝોડું બન્યું છે. તે પહેલા 1998માં વાવાઝોડું 186 કલાક સુધી ટક્યું હતું. 2019માં ત્રાટકેલું વાવાઝોડું વાયુ 150 કલાક સુધી ટક્યું હતું. અરબી સમુદ્રમાં બિપરજોયનો સમયગાળો ચોમાસા પહેલા અને ચોમાસા પછીના સમયગાળામાં સૌથી વધુ છે.

હવે સવાલ એ ઉભો થાય છે કે બિપરજોય શા માટે રેકોર્ડ સમય સુધી ટકી રહ્યું છે. તો તેનું કારણ છે સમુદ્ર સપાટીનું વધુ તાપમાન. હિંદ મહાસાગરમાં જ્યારે બિપરજોયનું સર્જન થયું, ત્યારે દરિયાની સપાટીનું તાપમાન 31થી 32 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્યથી 2થી 3 ડિગ્રી વધારે હતું. જાણકારોનું માનીએ તો મહાસાગરની ઉપરની સપાટીનું તાપમાન વધવાથી ચક્રવાતો ધીમી ગતિએ આગળ વધે છે, પણ લાંબા સમય સુધી ટકી રહે છે. આ માટે ક્લાઈમેટ ચેન્જ જવાબદાર છે. 

હિંદ મહાસાગરની વાત કરીએ તો 1982 બાદ 2023માં તેની સંચયિત ઉર્જા સૌથી વધુ જોવા મળી છે. તેના  જ કારણે ચક્રવાતમાં પવનની ગતિમાં વધારો થાય છે. આ ઉપરાંત આ વખતે તો અલ નીનોનું પણ સર્જન થયું છે, જેમાં મધ્ય અને પૂર્વ વિષુવવૃત્તિય પેસિફિસ મહાસાગરની સપાટીનું તાપમાન વધી જાય છે.

બિપરજોય તેના સમયકાળ દરમિયાન બે વખત ઝડપથી વધુ તીવ્ર બન્યું છે. 6થી 7 જૂન વચ્ચેના 24 કલાકમાં જ ચક્રવાતમાં પવનની ગતિ 55 કિલોમીટર પ્રતિ કલાકથી વધીને 140 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગઈ. જ્યારે 10થી 11 જૂન વચ્ચે પવનની ગતિ 120 કિલોમીટર પ્રતિ કલાકથી વધીને 194 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગઈ. જે દેખાડે છે કે બિપરજોય વાવાઝોડું કેટલી ઝડપથી તીવ્ર બન્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news