ગુજરાતના આ ગામોના પાણીના તળ ઉંચા આવી જશે, સરકાર ખર્ચી રહી છે 3,259 લાખ રૂપિયા

ગીર ગઢડા તાલુકાના જુડવડલી ખાતે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આજે મછુન્દ્રી નદી પર જુડવડલી પીકઅપ વીયર રિચાર્જ યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું

ગુજરાતના આ ગામોના પાણીના તળ ઉંચા આવી જશે, સરકાર ખર્ચી રહી છે 3,259 લાખ રૂપિયા

ઝી બ્યુરો/જૂનાગઢ: ગીર ગઢડા તાલુકાના જુડવડલી ખાતે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આજે મછુન્દ્રી નદી પર જુડવડલી પીકઅપ વીયર રિચાર્જ યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું.આ અવસર એ મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સૌની યોજનાના અમલીકરણના કારણે પાણીની સમસ્યાઓ હવે ભૂતકાળ બની છે. પાણીને કારણે ખેતરો હવે હરિયાળા બન્યાં છે અને ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ખેડૂતોનું હિત રાજ્ય સરકારના હૈયે વસેલું છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા રાજ્યના ખાતેદાર ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. દરિયા કિનારાના વિસ્તારોમાં ખારાશને આવતી રોકવા તેમજ મીઠા પાણીના સંગ્રહ કરવા માટે ચેકડેમો,પિકઅપ વિયર યોજના સહિતની યોજનાઓથી દરિયાઈ કાંઠાના વિસ્તાર સમૃધ્ધ બને તે માટે વિવિધ કામો હાથ ધરવામાં આવી રહ્યાં છે. દરિયાઈ વિસ્તારમાં મીઠા પાણીને દરિયામાં વહી જતા અટકાવવા માટે સ્પ્રેડિંગ કેનાલનું કાર્ય પણ પ્રગતિમાં છે.

તાજેતરમાં જિલ્લામાં પાંચ પિકઅપ વિયર અને ૩૭ નાના મોટા ચેકડેમો સહિતના કામોને પાણી પુરવઠા વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. તેમજ જિલ્લાની કામોને અગ્રતા આપીને રૂ.૨૦૦ કરોડની રકમના કામો મંજૂર કરીને મીઠા પાણીના સંગ્રહ અને દરિયાઈ પાણી રોકવા માટેનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. 

સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજય સરકાર દ્વારા સિંચાઈ વિભાગના અનેક કામો મંજૂર કરીને દરિયાકાંઠાના લોકોના વિકાસ કરવા માટે કટિબદ્ધતાથી કાર્ય કરવામાં આવી રહ્યું છે. તેમણે જિલ્લામાં સિંચાઈ કામોની અગ્રતા આપીને તાત્કાલિક મંજૂરી આપવા બદલ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઝૂડવડલી પીકઅપ વિયર યોજના વિશેની માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગ્રાઉન્ડ વોટર રિચાર્જ થવાથી આસપાસના વિસ્તારના પાણીના તળ ઉંચા આવશે. જેનાથી આસપાસના વિસ્તારના ખેડૂતોને લાભ થશે.

ઉલ્લેખનીય છે કે, પીકઅપ વીયર રિચાર્જ યોજનાની સ્પીલ્વે ઓગી ટાઈપનો અને સ્પીલ્વેની લંબાઈ ૧૩૭.૨૩ પિયર સાથે ૧૨ દરવાજા ધરાવતી આ યોજના રૂ.૩,૨૫૯.૫૬ લાખના ખર્ચ તૈયાર થશે. જેથી ૫૧.૧૩૦ એમસીએફટી(૫૧.૧૩૦ મિલિયન ઘન ફુટ) મીઠા પાણીનો સંગ્રહ થશે. જેનાથી આજુબાજુના ઝુડવડલી, મેણ, ગુંદાળા, ફાટસર, ખીલાવડ તથા ઇટવાયા ગામોની આશરે ૨,૨૦૦ હેકટર વિસ્તારને ઉદવહન અને રિચાર્જ દ્વારા સિંચાઈનો સીધો તથા આડકતરો ફાયદો થશે.  કુવાનાં તળ ઊંચા આવશે જેથી આસપાસના વિસ્તારનાં ખેતરો નવપલ્લવીત થશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news