છોટાઉદેપુર : પાણી માટે ખુદ તાલુકા પંચાયતના પ્રમુખને અડધી રાત્રે લાઈનમાં ઉભા રહેવુ પડે છે
નસવાડી તાલુકાના હરિપુરા ગામે પાણીની સમસ્યા વિકરાળ બની ગઈ છે. અહી ખુદ તાલુકા પંચાયત પ્રમુખ રાત્રે જાગી કતારોમાં ઉભા રહીને પાણી ભરી રહ્યાં છે. ગામમાં તમામ સરકારી હેન્ડપમ્પ બંધ છે. પાણી લેવા માટે એકમાત્ર ખાનગી બોર છે, જેમાં લાઈટ દિવસે આવે તો દિવસે અને રાત્રે આવે તો રાત્રે પાણી ભરવા નીકળી જવું પડે છે.
Trending Photos
જમીલ પઠાણ/છોટાઉદેપુર :નસવાડી તાલુકાના હરિપુરા ગામે પાણીની સમસ્યા વિકરાળ બની ગઈ છે. અહી ખુદ તાલુકા પંચાયત પ્રમુખ રાત્રે જાગી કતારોમાં ઉભા રહીને પાણી ભરી રહ્યાં છે. ગામમાં તમામ સરકારી હેન્ડપમ્પ બંધ છે. પાણી લેવા માટે એકમાત્ર ખાનગી બોર છે, જેમાં લાઈટ દિવસે આવે તો દિવસે અને રાત્રે આવે તો રાત્રે પાણી ભરવા નીકળી જવું પડે છે.
પતિએ પત્નીને જીવતેજીવ મારી નાંખી, દ્વારકાનો આ કિસ્સો ‘CID’ની સીરિયલ જેવો લાગશે
છોટાઉદેપુર જિલ્લાનાં અતિ પછાત અને અંતરિયાળ એવા નસવાડી તાલુકાનું આ ગામ છે હરિપુરા ગામ. અહીં મહિલાઓ રાત્રિના 12 વાગ્યાના સમયે વીજળીની રાહ જોઈ રહી છે. વીજળી આવે અને તેઓને પાણી મળે. પાણી માટે અહીંના લોકો કરી રહ્યા છે ભારે મુશ્કેલીનો સામનો. નવાઈની વાત તો એ છે કે, 1000ની વસ્તી ધરાવતા આ ગામમાં નસવાડી તાલુકા પંચાયતના પ્રમુખ કૈલાશબેન રાઠવા પણ રહે છે. આમ તો, કૈલાશબેન ઉપર સમગ્ર તાલુકાના વિકાસ સહિત પીવાનું પાણી પૂરું પાડવાની જવાબદારી છે, પરંતુ હાલ ખુદ પ્રમુખ જ ગામમાં પાણી માટે વલખા મારી રહ્યાં છે. એટલું જ નહિ, ગામની મહિલા સાથે ખુદ પ્રમુખ કૈલાશબેનને પણ રાત્રિના સમયે પાણી ભરવા એક ખેતરના ખાનગી બોર ઉપર જઇ નંબર લગાવી પાણી ભરવું પડે છે.
એવું નથી કે ગામમાં સરકાર દ્વારા કોઈ પાણીની વ્યવસ્થા ઉભી નથી કરાઈ. ગામમાં 35 બોર કરવામાં આવ્યા છે, પરંતુ જળ સ્તર નીચું જતા તમામ હેન્ડપંપ બંધ હાલતમાં છે. ફક્ત એક હેન્ડપંપમાં થોડું પાણી આવે છે, જેનાથી ગ્રામજનોની પાણીની જરૂરિયાત પૂર્ણ થતી નથી. તો પાણી પુરવઠા વિભાગ દ્વારા 125 ગામ પાણી પુરવઠા યોજના અંતર્ગત નર્મદાનું ફિલ્ટર પાણી પહોંચાડવા એક ટાંકી પણ બનાવાઈ છે. પરંતુ વર્ષો વીતી ગયા છતાં આજદિન સુધી ટાંકીમાં એક ટીપું પાણી આવ્યું નથી. જેને લઈ ગ્રામજનો એક ખેતરમાં આવેલા ખાનગી બોર ઉપર નિર્ભર છે. હવે ખેતી લક્ષી લાઈટ રાત્રે આવે તો ગ્રામજનોને રાત્રે પાણી ભરવું પડે છે, જેથી ખેતરમાંના બોર ઉપર આખા ગામની મહિલાઓ પાણી ભરવા ભેગી થાય છે. જેમાં તાલુકા પંચાયત પ્રમુખ કૈલાશબેન પણ સામેલ છે. તો મોડી રાત્રે મહિલાઓને દૂર સુધી જવું પડતું હોઈ તેમની સાથે તેમના પતિ દેવોને પણ ફરજિયાત તેમની સુરક્ષા માટે સાથે જવું પડે છે.
તાલુકા પંચાયતના મહિલા પ્રમુખની વાત માનીએ તો તેમણે પાણીની સમસ્યાને લઈ અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ તેમની રજૂઆતોને કોઈ ધ્યાને લેતું નથી. આમ જો પ્રમુખની કોઈ સાંભળતું ના હોય અને ખુદ તાલુકા પ્રમુખને જો પાણી માટે વલખા મારવું પડે તો અન્ય લોકોની તો વાત જ ક્યાં કરવી.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે