ગુજરાતના આ ગામડામાં દિવાળી જેવો માહોલ! આઝાદીના 75 વર્ષ બાદ પહેલીવાર મળ્યું મતદાન મથક
આ ગામમાં 131 જેટલા મતદારો છે. આ મતદારોમાં 68 પુરુષો અને 63 મહિલા ઉમેદવારો છે. મતદારોને 75 વર્ષથી 7 થી 8 કિલોમીટર દૂર ચોપડી ગામે મતદાન કરવા જવું પડતું હતું. પરંતુ આ સુવિધાથી નહીં જવું પડે.
Trending Photos
જયેશભાઈ દોશી/નર્મદા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા વિસ્તારનું રિંગાપાદર ગામને 75 વર્ષ બાદ પ્રથમ વાર મતદાન મથક મળ્યું છે. જેથી ગ્રામજનો ખુશ ખુશાલ થયા છે. ગ્રામજનો એ કહ્યું કે આ વિધાનસભામાં ગામનું 100 ટકા મતદાન કરીશું.
નર્મદા જિલ્લામાં બે વિધાનસભા બેઠક આવેલી છે એક છે નાંદોદ વિધાનસભા અને બીજી છે ડેડીયાપાડા વિધાનસભા બેઠક. આમ તો નર્મદા જિલ્લો આદિવાસી જિલ્લો છે. નર્મદા જિલ્લાની બંને બેઠકો આદિવાસી અનામત બેઠક છે, ત્યારે ડેડીયાપાડા વિસ્તારનું રિંગાપાદર ગામ અંતરિયાળ વિસ્તરનું છે. જંગલ વિસ્તારનું આ ગામ ડુંગરોની તળેટીમાં આવેલું ગામ છે. આ ગામમાં 131 જેટલા મતદારો છે. આ મતદારોમાં 68 પુરુષો અને 63 મહિલા ઉમેદવારો છે.
રાજ્ય ચૂંટણીપંચ દ્વારા આ વખતે વિધાનસભાની ચૂંટણી માટે અલગ મતદાન મથક આપવામાં આવ્યું છે. રિંગાપાદર ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં મતદાન ઉભું કરવામાં આવશે અને આ ગામના લોકોને હવે 8 કિલોમીટર ચાલીને મતદાન કરવા નહિ જવું પડે તેમના ગામમાં જ મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે.
રિંગાપાદર ગામના મતદારોને 75 વર્ષથી 7 થી 8 કિલોમીટર દૂર ચોપડી ગામે મતદાન કરવા જવું પડતું હતું. આ ગામજનો કહી રહ્યા છે કે વર્ષોથી અમે લોકો 8 કિલોમીટર સુધી ચાલીને મતદાન કરવા જતા હતા અને અમારા પરિવારના લોકોને પણ લઈ જતા હતા. દૂર સુધી ડુંગર વિસ્તાર હોવાથી ખુબ મુશ્કેલી પડતી હતી. ગ્રામ સુધી પહોંચવા માટે રસ્તો પણ બનાવવામાં આવ્યો નથી. કાચો રસ્તો હોવાથી મતદારોને 8 કિલોમીટર ચાલતા જવું પડતું હતું. કાચો રસ્તો હોવાથી મોટી કોઈ ગાડી પણ જઈ શકતી નથી. જેથી ચાલતા જ જવું પડે છે. જેથી ગામનું મતદાન પણ ખુબ ઓછું થતું હતું.
જિલ્લા પંચાયત અને લોકસભાની ચૂંટણી વખતે અલગ મતદાન મથક માટે ગ્રામજનો એ રજુઆત કરી હતી. હાલ વર્ષ 2021માં પણ કલેકટર નર્મદા ખાતે રજૂઆત કરી હતી. ગ્રામજનોની રજુઆતના પગલે વિધાનસભા 2022 માટે રિંગાપાદર ને અલગ મતદાન મથક મળ્યું છે.
આમ તો ગુજરાત માં 12 નવા મતદાન મથક તૈયાર કરવામાં આવ્યા છે. તેમાનું આ રિંગાપાદર ગામને પણ અલગ મતદાન મથક આપવામાં આવ્યું છે. આઝાદીના 75 વર્ષ બાદ પ્રથમવાર મતદાન મથક મળતા ગ્રામજનો ખુબ ખુશ થયા છે અને કહી રહ્યા છે કે આ વિધાનસભામાં રિંગાપાદર ગામમાંથી 100 ટકા મતદાન કરવાના પ્રયત્નો કરીશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે