ઉંમરે ભલે જવાબ આપ્યો, પણ શતાયુ મતદાતાઓનો એક જ સૂર, ‘અમે તો મત આપીશું...’

લોકશાહીનું પર્વ અટલે ચૂંટણી. ઘણા લોકો એવા હોય છે, જે ચૂંટણીમા મતદાનના દિવસે જાહેર રજા હોઇ મતદાન કરવાને બદલે રજાનો ઉપયોગ મજા કરવા માટે અથવા ફરવા માટે કરતા હોય છે. એવા લોકો માટે અમદાવાદમાં રહેલા 719 મતદાર ઉદાહરણ રૂપ છે, જેઓએ ઉંમરમાં સદી ફટકારી હોવા છતાં અને શરીરે સશક્ત ન હોવા છતાં અચૂક મતદાન કરે છે. વાત કરીએ આવા કેટલાક મતદારોની....

ઉંમરે ભલે જવાબ આપ્યો, પણ શતાયુ મતદાતાઓનો એક જ સૂર, ‘અમે તો મત આપીશું...’

ગૌરવ પટેલ/અમદાવાદ :લોકશાહીનું પર્વ અટલે ચૂંટણી. ઘણા લોકો એવા હોય છે, જે ચૂંટણીમા મતદાનના દિવસે જાહેર રજા હોઇ મતદાન કરવાને બદલે રજાનો ઉપયોગ મજા કરવા માટે અથવા ફરવા માટે કરતા હોય છે. એવા લોકો માટે અમદાવાદમાં રહેલા 719 મતદાર ઉદાહરણ રૂપ છે, જેઓએ ઉંમરમાં સદી ફટકારી હોવા છતાં અને શરીરે સશક્ત ન હોવા છતાં અચૂક મતદાન કરે છે. વાત કરીએ આવા કેટલાક મતદારોની....

‘વોટ તો આપવો જ જોઈએ...ભલે ગમે તે થાય...’  આ શબ્દો છે ઉંમરની સદી વટાવી ચૂકેલા લીલાબેન પટેલના. આમ તો તેઓ પથારીવશ થઈ ગયા છે, પરંતુ એમનો જુસ્સો હજી પણ અકબંધ રહ્યો છે. 100 વર્ષ વટાવીને અનેક ચૂંટણીઓ તેમણે જોઈ છે. એટલું જ નહિ, તમામમાં મતદાન પણ કર્યું છે. લીલાબેનને ચાર દીકરા અને એક દીકરી છે. અમદાવાદના મણિનગરમાં રહેતા લીલાબેન પટેલની ઉંમર ભલે 101 વર્ષ છે, પરંતુ તેમના અવાજમાં મતદાનની મહત્તાનો રણકો છે. જૈફ વયે આજે પણ નવયુવાનોને પણ પ્રેરણા આપે તે રીતે દ્રઢતાપૂર્વક કહે છે કે, મત તો આપવો જ જોઈએ.

ઘાટલોડિયામાં રહેતા ઉમીયાબેન ઉંમરની સદી વટાવી ચુક્યા છે. પણ તેઓ પણ મતદાનને અનિવાર્ય ગણાવે છે. તેઓ કહે છે કે, 1977માં મારા પતિનું અવસાન થયું, તેના બીજા જ દિવસે ચૂંટણી હતી અને હું બેસણાના દિવસે મતદાન કરવા ગઈ હતી. આજે લોકો આળસમાં મતદાન કરવા જતા નથી. પરંતુ મતદાન કરવા જઈએ તો સારો માણસ ચૂંટાય.

આજ રીતે અમદાવાદના ઈસનપુર ખાતે રહેતા વયોવૃદ્ધ મતદાર સીતાબેન ઠાકોર પણ કહે છે કે, મેં તો બધી ચૂંટણીઓમાં મતદાન કર્યું છે. મને સમજાતું નથી કે આજના લોકો મતદાન કરવા કેમ નથી જતા...?” આવો પ્રશ્નાર્થ તેમના ચહેરા પર એક પ્રકારની ચિંતાને દર્શાવે છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેર-જિલ્લામાં કુલ 21 વિધાનસભા વિસ્તાર આવેલા છે અને આ તમામ વિસ્તારોમાં 719 જેટલા શતાયુ મતદારો છે, જેઓ 1૦૦ અથવા 1૦૦થી વધુ વય જૂથના છે. અમદવાદ જિલ્લામાં વિધાનસભા વિસ્તારવાર જોઈએ તો વિરમગામમાં 43, સાણંદમાં 22, ઘાટલોડિયામાં 35, વેજલપુરમાં 41, વટવામાં 22, એલિસબ્રીજમાં 82, નારણપુરામાં 55, નિકોલમાં 20, નરોડામાં 29, ઠક્કરબાપા નગરમાં 8, બાપુનગરમાં 44, અમરાઈવાડીમાં 7,  તથા દરિયાપુરમાં 29 શાતાયુ મતદારો છે. જ્યારે ખાડિયા-જમાલપુરમાં 28, મણિનગરમાં 24, દાણીલીમડામાં 15, સાબરમતીમાં 37, અસારવામાં 21, દસક્રોઈમાં 27, ધોળકામાં 42 તથા ધંધુકા વિધાનસાભા વિસ્તારમાં 88 શતાયુ મતદારો છે. આમ સમગ્ર જિલ્લામાં 100 અથવા 100થી વધુની વય જૂથના 719 મતદારો છે. સૌથી વધુ ધંધુકામાં ૮૮ તથા સૌથી ઓછા અમરાઈવાડીમાં 7 શતાયુ મતદારો છે. આ શતાયુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરે તે માટે અમદાવાદ મુખ્ય ચુંટણી અધિકારી દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવનાર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news