કૌભાંડી વિનય શાહે એક કંપનીમાં અનેક નામો પર રજીસ્ટ્રેશન કર્યું હતું
CID ક્રાઈમની તપાસમાં વિનય શાહની દુબઈ ટૂરની તસવીરો પણ આવી સામે, વિનયે પોતાના કર્મચારીઓને પણ છોડ્યા ન હતા
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદઃ 260 કરોડના કૌભાંડી વિનય શાહની એક પછી એક છેતરપીંડી બહાર આવી રહી છે. સીઆઈડી ક્રાઈમ દ્વારા ચાલી રહેલી તપાસમાં વિનય શાહે એક કરતાં અનેક નામ પર કંપની રજીસ્ટર્ડ કરાઈ હોવાનું બહાર આવ્યું છે. આ સાથે જ સીઆઈડી ક્રાઈમને વિનય શાહની તેના એજન્ટો સાથેની દુબઈ ટૂરના ફોટોગ્રાફ્સ પણ હાથ લાગ્યા છે.
મલ્ટીલેવલ માર્કેટિંગના નામે 260 કરોડનું ફૂલેકું ફેરવનારા વિનય શાહના કૌભાંડની સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસમાં સીઆઈડીને અનેક મહત્ત્વપૂર્ણ પૂરાવા હાથ લાગ્યા છે. હવે, જાણવા મળ્યું છે કે, વિનય શાહેર એક કંપનીને અનેક નામ પર રજીસ્ટર્ડ કરી હતી. વિનય શાહે આર્ચર કેર ડીજીએડ, એલએલપી અને ડીજી લોકલ્સ નામની કંપનીમાં લોકો પાસે રોકાણ કરાવ્યા હતા.
સીઆઈડી ક્રાઈમે જ્યારે તેના કર્મચારીઓની પુછપરછ કરી તો તેની છેતરપીંડીનો ભોગ કર્મચારીઓ પણ બન્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલ સીઆઈડી ક્રાઈમે કર્મચારીના બેન્ક ખાતા સીલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
વિનય શાહે તેની કંપનીમાં 26 સભ્યોની કોર કમિટીની રચના કરી હતી. જેના દ્વારા તે લોકોને પોતાની કંપનીમાં રોકાણ કરવા માટે આકર્ષતો હતો. વિનય કંપનીમાં જોડાવાની લાલચ માટે દરેક રોકાણકારને 1 ગ્રામનો સોનાનો સિક્કો ભેટમાં આપતો હતો. સીઆઈડી ક્રાઈમની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, વિનયે સોનાના એક ગ્રામના 1000 સિક્કા બનાવાનો ઓર્ડર આપ્યો હતો. આથી, હવે સીઆઈડી સોનાના સિક્કા બનાવી આપનાર જ્વેલર્સને ત્યાં પણ તપાસ હાથ ધરી રહી છે.
સીઆઈડીની તપાસમાં વિનયના દુબઈ ટૂરના ફોટોગ્રાફ્સ પણ મળી આવ્યા છે. વિનયે કંપનીના કોર ગ્રૂપના એજન્ટોનો દુબઈની ટૂર કરાવી હતી. આ ટૂરમાં એજન્ટ વિજય સુહાગિયા, મહેશ પટેલ સહિતના લોકો સામેલ હતા. હવે સીઆઈડીએ વધુ વિગતો મેળવવા માટે ટૂર સંચાલકનો સંપર્ક સાધ્યો છે. આ દરમિયાન વિનય શાહ વિદેશ ભાગી ગયો હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે