વંદે ભારત ટ્રેનને કોની નજર લાગી! સુરત રેલવે સ્ટેશન પર દરવાજા જ ન ખૂલ્યા, એક કલાક અટવાઈ ટ્રેન
Vandebharat Train Accident : સુરત રેલવે સ્ટેશન પર વહેલી સવારે આવી પહોંચેલી વંદે ભારત ટ્રેનના દરવાજા ખૂલ્યા ન હતા, તંત્ર દ્વારા એક કલાકની મથામણ બાદ મેન્યુઅલી દરવાજા ખોલીને મુસાફરોને બહાર કઢાયા હતા
Trending Photos
Surat Railway Station : દેશભરમાં ગત વર્ષે દોડતી કરાયેલી વંદેભારત ટ્રેનના વિવાદોનો પાર આવતો નથી. આ ટ્રેનને જાણે કોની નજર લાગી હોય તેમ એક પછી એક ઘટનાઓનો ભોગ બની રહી છે. ત્યારે હવે વંદેભારત ટ્રેન સાથે બનેલી વિચિત્ર ઘટના સામે આવી છે. અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેનના દરવાજા સુરત રેલવે સ્ટેશન પર ખૂલ્યા જ ન હતા. આ કારણે ટ્રેન સુરત રેલ્વે સ્ટેશન પર છેલ્લા 1 કલાકથી અટવાઈ હતી. આખરે મેન્યુઅલી દરવાજા ખોલ્યા બાદ આગળ જવા રવાના કરાઈ હતી.
અમદાવાદથી મુંબઈ જવા નીકળેલી વંદેભારત ટ્રેન આજે સવારે 8.20 કલાકે સુરત રેલવે સ્ટેશન પર આવી પહોંચી હતી. પરંતું ટેક્નિકલ કારણોસર ટ્રેનના દરવાજા ખૂલ્યા ન હતા. આ કારણે ટ્રેનના મુસાફરો અટવાયા હતા. ન તો કોઈ અંદર જઈ શક્તુ હતું, ન તો કોઈ બહાર આવી શક્તુ નહતું. આ બાદ રેલવે તંત્ર દોડતું થયું હતું. મેન્યુઅલી ટ્રેનના દરવાજા ખોલવાનો પ્રયાસ કરાયો હતો.
ટ્રેનમાં લાઈટ, એસી બંધ કરવા છતાં પણ દરવાજા ખૂલ્યા ન હતા. મેન્યુઅલી દરવાજા ખોલવા માટે રેલ્વે સ્ટાફ મજબૂર બન્યો હતો. ટ્રેનના સી ૧૪ કોચનો દરવાજો મેન્યુઅલી ખોલવામાં આવ્યો હતો. આમ, વંદે ભારત ટ્રેનમાં સુરત રેલ્વે સ્ટેશન પર ઊતરનારા તમામ મુસાફરોને સી ૧૪ કોચના દરવાજામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જેના બાદ ટ્રેનને આગળ મુંબઈ જવા રવાના કરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, વંદે ભારત ટ્રેન જ્યારથી પાટા પટથી દોડતી થઈ છે ત્યારથી તેને અકસ્માતોનું ગ્રહણ લાગ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીલીઝંડી આપ્યા બાદ વંદેભારત ટ્રેનના અકસ્માતો સતત ચર્ચામાં રહ્યાં છે. છેલ્લા કેટલાક સમયથી વંદેભારત ટ્રેનને વારંવાર અકસ્માતો નડી રહ્યાં છે. ઉદઘાટન બાદથી વંદેભારત ટ્રેન પાટા પર દોડાવવી મુશ્કેલ બની છે. આ ટ્રેનને અત્યાર સુધી અસંખ્ય અકસ્માત થયા છે. ટ્રેનને આડે રખડતા ઢોર આવતા ટ્રેનને નુકસાનીનો સામનો પણ કરવો પડ્યો છે. આ કારણે વંદેભારત ટ્રેનનો અકસ્માત સતત ચર્ચામાં રહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે