VADODARA: 50 હજારનો પગાર છતા વ્યાજના ચક્કરને પહોંચી નહી વળતા આપઘાત
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા : ગુજરાત ઉર્જા વિકાસ નિગમમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા કર્મચારીએ બેંકના હપ્તા નહી ભરી શકતા માનસિક તનાવમાં આવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મૃતકની પત્નીએ પતિએ વ્યાજખોરોના અમાનુષી ત્રાસથી આપઘાત કર્યાની વાત કરતા પોલીસ માટે મામલો ગૂંચવણભર્યો બન્યો છે.
ડભોઇ તાલુકાના મલ્હારપુરા ગામના રહેવાસી સંજયભાઇ ભીખાભાઇ પાટણવાડીયા જી.ઇ.બી.ની પાણીગેટ ઓફિસમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા. તેમને ખાનગી બેન્કમાંથી 8 લાખની મકાન માટે લોન લીધી હતી, પણ સંજયભાઈ લોનના હપ્તા ના ભરી શકતા અનેક હપ્તા બાઉન્સ થયા. જેથી તેમને પોતાનું તરસાલી સ્લમ ક્વાટરમાં આવેલ વુડાનું મકાન વેચીને લોન ચૂકતે કરવાની વાત પરીવારને કરી. લોનના હપ્તા ના ચૂકવી શકાતા અને મકાન વેચાતું ના હોવાથી સંજયભાઈ માનસિક તણાવમાં રહેવા લાગ્યા. સંજયભાઈએ તેમની પત્ની ગીતાબેનને તરસાલીનું મકાન લેવા એક ગ્રાહક આવ્યો હોવાનું કહી ઘરેથી નીકળ્યા. ત્યારબાદ તરસાલીના મકાનમાં જઈ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેથી મકરપુરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.
મૃતક સંજય પાટણવાડીયાના મૃતદેહને પોલીસ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલના પીએમ રૂમ પર લાવી, ત્યારે મૃતકના પત્નીએ આરોપ લગાવ્યો કે વ્યાજખોરોના ત્રાસથી તેમના પતિએ આપઘાત કરી લીધો છે. મૃતકના પત્નીએ કહ્યું કે રૂપિયા 3 લાખની મૂડી સામે રૂપિયા 7 લાખ ચૂકવી દીધા હોવા છતાં, વ્યાજખોરો મૂડી અને વ્યાજ માટે ત્રાસ આપી રહ્યા હતા. દિવસે-દિવસે વ્યાજખોરોના વધી ગયેલો ત્રાસ સંજયભાઇ પાટણવાડીયાથી સહન ન થતાં મોડી સાંજે તેઓએ પોતાના તરસાલી વિસ્તારમાં આવેલા ક્વાટર્સના મકાનમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો. જ્યારે પિતરાઈ ભાઈએ પણ મૃતક સંજયભાઈએ વ્યાજના ચક્કરમાં ફસાઈને આપઘાત કર્યાની વાત કરતા પોલીસે તપાસ આદરી છે.
મહત્વની વાત છે કે મૃતક સંજય પાટણવાડીયાનો મહિને 50 હજાર પગાર હતો, પણ દારૂની લત લાગેલી હોવાથી તેમનું જીવન બરબાદ થઈ ગયું હતું. મૃતકની પત્નીએ વ્યાજખોરોના ત્રાસથી પતિએ આપઘાત કર્યા હોવાની વાત પણ ગંભીર છે, જેથી જો પોલીસ આ દિશામાં પણ તપાસ કરે તો મોટો ખુલાસો થઈ શકે છે. હાલ તો પોલીસ દ્વારા કોની પાસેથી વ્યાજે પૈસા લેવાયા હતા સહિતના મુદ્દે તપાસ ચાલુ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે