નવ ભાષાનો જાણકાર અઠંગ ચોર ઝડપાયો, ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાવ્યો 'કહેર'

વડોદરાની સયાજીગંજ પોલીસને બાતમી મળી હતી કે જેતલપુર બ્રીજની નીચે એક વ્યક્તિ ચોરીની કાળા કલરની એક્ટિવા કોઈને વેચવાની ફિરાકમાં ઊભો હતો, જેના આધારે પોલીસે સ્થળ પર પહોંચી શકમંદ રાજેશ ઉર્ફે રાજુ ગિરધરલાલ મોતીયાણીને પકડી પૂછપરછ કરી.

નવ ભાષાનો જાણકાર અઠંગ ચોર ઝડપાયો, ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાવ્યો 'કહેર'

રવિ અગ્રવાલ/વડોદરા: પોલીસે એક એવા અઠંગ ચોરની ધરપકડ કરી છે, જેના વિશે સાંભળી તમે એકવાર ચોક્કસથી વિચાર કરશો. દુબઈમાં નોકરી કરી વડોદરામાં આવનાર અને 9 ભાષાનો જાણકાર રાજેશ ઉર્ફે રાજુ કેવી રીતે અઠંગ ચોર બન્યો તે જાણવું ખૂબ જ રસપ્રદ છે. 

વડોદરાની સયાજીગંજ પોલીસને બાતમી મળી હતી કે જેતલપુર બ્રીજની નીચે એક વ્યક્તિ ચોરીની કાળા કલરની એક્ટિવા કોઈને વેચવાની ફિરાકમાં ઊભો હતો, જેના આધારે પોલીસે સ્થળ પર પહોંચી શકમંદ રાજેશ ઉર્ફે રાજુ ગિરધરલાલ મોતીયાણીને પકડી પૂછપરછ કરી. જેમાં તેની પાસે એક્ટિવાની આરસી બુક કે બીજા કોઈ દસ્તાવેજી પુરાવા માંગતા તેણે પોલીસ સાથે આનાકાની કરી હતી. 

જેથી પોલીસે કડકાઈથી પૂછપરછ કરતાં આરોપી રાજેશ ઉર્ફે રાજુએ એક્ટિવા કમાટીબાગ ગેટ 2 પાસેના પાર્કિંગમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. સાથે જ સૂરજ પ્લાઝાના પાર્કિંગમાંથી 4 મોપેડ અને જેતલપુર બ્રિજ નીચેના પાર્કિંગમાંથી પણ 4 મોપેડ તેમજ રાજશ્રી ટોકીજની સામે આનંદ એપાર્ટમેન્ટ પાછળથી અવાવરૂ જગ્યામાંથી 5 મોપેડ મળી કુલ 14 મોપેડ ચોરી કરી હોવાની કબૂલાત કરી. જે તમામ મોપેડ પોલીસે જપ્ત કર્યા હતા.

મોપેડ ચોરીમાં અઠંગ બનેલ રાજેશ ઉર્ફે રાજુ અગાઉ બે વખત વાહન ચોરીમાં જ પકડાઈ ગયો છે, તેને પાસા પણ થઈ છે. સાથે જ આરોપી વિવિધ 9 ભાષાનો જાણકાર પણ છે. આરોપી રાજેશ સામે 6 પોલીસ મથકમાં ચોરીના ગુના નોંધાયેલા છે, જેમાં કારેલીબાગ, રાવપુરા, સયાજીગંજ, મકરપુરા, વારસિયા અને બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે.

અગાઉ આરોપી રાજેશ ઉર્ફે રાજુ દુબઈમાં સેલ્સમેનની નોકરી કરતો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે, તેમજ મુંબઈ ખાતે કપડાંની દુકાનમાં નોકરી પણ કરતો હતો. ત્યારબાદ વધુ રૂપિયા કમાવવા અને આર્થિક ફાયદા માટે તે ચોરીના રવાડે ચઢ્યો. હાલમાં પોલીસે અઠંગ ચોર રાજેશ ઉર્ફે રાજુને પકડી તેના રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરી છે સાથે જ આરોપી સાથે અન્ય કોઈ પણ શખ્સની સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news