વડોદરામાં ભાજપ V/S ભાજપ; હવે આ મુદ્દે બે કોર્પોરેટર સામસામે, એક તો CMની ટકોરને ઘોળીને પી ગયા

વડોદરા કોર્પોરેશને તાજેતરમાં ગોત્રી યશ કોમ્પ્લેક્ષથી નીલાંબર સર્કલ સુધી 30 મીટર પહોળો રોડ બનાવ્યો છે. જેમાં ગોત્રી પોલીસ સ્ટેશન પાસે રોડ લાઇનમાં 5 જેટલા મકાનોના દબાણો છે, જે મકાન માલિકોને દબાણ સ્વેછાએ દૂર કરવા કોર્પોરેશને નોટિસ આપી હતી.

વડોદરામાં ભાજપ V/S ભાજપ; હવે આ મુદ્દે બે કોર્પોરેટર સામસામે, એક તો CMની ટકોરને ઘોળીને પી ગયા

રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરામાં રોડ પર મકાનોના દબાણોને લઈ ભાજપના વોર્ડ 10ના બે કોર્પોરેટર સામસામે આવ્યા છે. રોડ લાઇનમાં 5 મકાનોના દબાણો ન તોડવા એક કોર્પોરેટરે અધિકારી પર પ્રેશર લાવી કોર્પોરેશની દબાણ શાખાની ટીમને પરત મોકલી તો બીજા કોર્પોરેટરે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી મકાનોના દબાણો તોડી રોડ પહોળો કરવા માંગ કરી હતી.

વડોદરા કોર્પોરેશને તાજેતરમાં ગોત્રી યશ કોમ્પ્લેક્ષથી નીલાંબર સર્કલ સુધી 30 મીટર પહોળો રોડ બનાવ્યો છે. જેમાં ગોત્રી પોલીસ સ્ટેશન પાસે રોડ લાઇનમાં 5 જેટલા મકાનોના દબાણો છે, જે મકાન માલિકોને દબાણ સ્વેછાએ દૂર કરવા કોર્પોરેશને નોટિસ આપી હતી પણ મકાન માલિકોએ દબાણ દૂર ન કરતાં કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ, MGVCLની ટીમ અને ટાઉન પ્લાનિંગની ટીમ દબાણ તોડવા સ્થળ પર પહોચી હતી. મકાન માલિકોએ વોર્ડ 10ના સ્થાનિક કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટને સ્થળ પર બોલાવ્યો. જ્યાં કોર્પોરેટર દબાણ શાખાની ટીમને દબાણો દૂર ન કરવા રજૂઆત કરી. 

કોર્પોરેશનના અધિકારીઓએ રજૂઆતને ગ્રાહ્ય ન રાખતાં કોર્પોરેટરે એક ધારાસભ્ય સાથે વાત કરી અધિકારીઓ પર પ્રેશર લાવી કામગીરી અટકાવી. કોર્પોરેટરના દબાણ વશ થઈ દબાણ તોડવા આવેલી દબાણ શાખા સહિત તમામ ટીમો વીલા મોઢે કામગીરી કર્યા વગર પરત ફરી હતી. રોડ લાઇનમાં આવેલા મકાનોના દબાણો ન તૂટતાં રોડ 4 મીટર પહોળો ન થઈ શક્યો. જેથી રોડ સાંકળો હોવાથી અકસ્માત થવાની શક્યતાઓ વધી છે. સમગ્ર મામલે દબાણકર્તાઓ અને મકાન માલિકોએ કહ્યું કે અમે વર્ષોથી અહીંયા રહીએ છે, કોર્પોરેશન અમને ગોત્રી વિસ્તારમાં જ જ્યાં સુધી પહેલા મકાન નહીં આપે ત્યાં સુધી મકાન નહીં તોડવા દઈએ. 

રોડના વિકાસના કામમાં કોર્પોરેટર અવરોધરૂપ બનતાં આજ વોર્ડના અન્ય ભાજપ કોર્પોરેટર નીતિન દોંગાએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી રોડ લાઇનમાં આવેલ મકાનોના દબાણો તાત્કાલિક તોડી પાડી રોડ ખુલ્લો કરવાની માંગ કરી છે. નીતિન દોંગાએ કહ્યું કે રોડ પહોળો ન થતાં અકસ્માતની ઘટનાઓ બનશે. તો કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટે કહ્યું કે મકાન માલિકોને કોર્પોરેશન અન્ય સ્થળે મકાન આપે ત્યારબાદ મકાન તોડવા જોઈએ તેવી રજુઆત કરી હતી. વિકાસના કામમાં અવરોધ ઊભો નથી કર્યો. 

રોડ લાઇનમાં દબાણ વિવાદનો સમગ્ર મામલો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુધી પહોંચ્યો છે. સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ડો શીતલ મિસ્ત્રીએ કહ્યું કે રોડ લાઇનમાં આવેલ મકાનો તોડી પડાશે. મકાન માલિકોને રાજીવ આવાસ અને BSUP યોજનામાં મકાનો આપવા તૈયાર છીએ. લાભાર્થીઓને મકાનની નિયત કરેલી રકમ લઇ મકાન ફાળવી આપીશું. બંને ભાજપ કોર્પોરેટરને બોલાવી વાતચીત કરી યોગ્ય ઉકેલ લાવીશું. 

મહત્વની વાત છે કે તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદવાદ અને સુરત કરતાં વડોદરા વિકાસમાં પાછળ રહી ગયું છે તેવી માર્મિક ટકોર કરી હતી, છતાં અમુક ભાજપ કોર્પોરેટર મુખ્યમંત્રીને ટકોરને ગંભીરતાથી નથી લઇ રહ્યા અને વિકાસના કામોમાં અવરોધરૂપ બની રહ્યા છે. ત્યારે કોર્પોરેશનના અધિકારીઓએ કોઇના પણ દબાણવશ થયા વગર વિકાસના કામો મક્કમતાથી કરવા જોઈએ તે ખૂબ જરૂરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news