ફૂડ બનાવનારે "ફૂલ" બનાવ્યા : એક બે નહીં 30 વર્ષનો આપી દીધો કોન્ટ્રાક્ટ, નિયમોનો ઉલાળિયો કર્યો
Vadodara Boat Tragedy : વડોદરા હરણી દુર્ઘટના અંગે મોટો ખુલાસો...નાસ્તો વેચનાર કોન્ટ્રાક્ટરને લેક ઝોનનો પ્રોજેક્ટ સોંપાયો હતો...ઈજારદાર કોટિયા પ્રોજેક્ટ એક વાર ડિસક્વોલિફાય થયો હતો...ઈજારદારે ફર્મનું નવું રજિસ્ટ્રેશન કરી કૌભાંડ કરતા 2 મહિના બાદ જ કોર્પોરેશને ફરી ક્વોલિફાય કરી દીધો
Trending Photos
Vadodara Boat Tragedy : વડોદરા બોટકાંડ માટે એક નહિ, અનેક લોકો જવાબદાર છે. પરંતુ સૌથી પહેલુ વડોદરાનુ તંત્ર જવાબદાર છે. જેઓએ જોયા જાણ્યા વગર લેકઝોનનો કોન્ટ્રાક્ટ સોંપ્યો અને આગળ તેમાં કેવા તિકડમ ચાલે છે તેની પણ તપાસ ન કરી. વગર અનુભવની કંપનીને હરણી લેક ઝોન VMCએ 30 વર્ષ માટે સોંપ્યું. વડોદરા કોર્પોરેશને સૂકો નાસ્તો વેચનાર કોન્ટ્રાક્ટરને હરણી લેક ઝોનનો પ્રોજેક્ટ સોંપ્યો હતો. ઈજારદાર મેસર્સ કોટિયા પ્રોજેક્ટના ઈજારદાર કોન્ટ્રાક્ટ પહેલાં સૂકો નાસ્તો બનાવી વેચતા હતા.
ડિસ્ક્વોલિફાયને બે મહિનામાં ક્વોલિફાઈ કરી પ્રોજક્ટ પધારાવાયો
લેકઝોનનો કોન્ટ્રાક્ટ લેવા માટે કોટિયાએ અનેક ધમપછાડા કર્યાં. ઈજારદાર કોટિયા પ્રોજેક્ટ એક વખત ડિસકવોલીફાય થયો, બાદમાં બે મહિનામાં જ કોર્પોરેશને ક્વોલિફાય કરી દીધો. ઈજારદારે ફર્મનું નવું રજીસ્ટ્રેશન કર્યું, ટર્ન ઓવર નથી, IT રીટર્ન પણ નથી, આ પ્રકારની કામગીરીનો કોઇ અનુભવ નહીં હોવાથી કોર્પોરેશને ઈજારદાર કોટિયા પ્રોજેક્ટને ડિસકવોલીફાય કર્યો હતો. પરંતું બાદમાં અધિકારી અને શાસકો સાથે ગોઠવણ થતાં બે મહિનામાં જ ક્વોલિફાય કરી કોન્ટ્રાક્ટ પધરાવી દીધો હતો. બે મહિનામાં જ કોટિયા પ્રોજેક્ટ પાસે ટર્ન ઓવર, IT રીટર્ન, અનુભવ સર્ટિફિકેટ ક્યાંથી આવ્યું તેની પણ તપાસ પાલિકા અધિકારીઓએ ન કરી. ઈજારદારે ટેન્ડરોની શરતોને ઘોળીને પી જઈ અનેક એક્ટિવિટી શરુ કરી છતાં અધિકારીએ કોઈ પગલાં ન લીધાં.
આરોપી અધિકારી બન્યા ફરિયાદી
ફ્યુચરેસ્ટિક વિભાગના કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણની જવાબદારી હતી છતાં તેમણે બેદરકારી દાખવી. થોડાક મહિનાઓમાં રિટાર્યડ થતાં રાજેશ ચૌહાણને આરોપી બનાવવાના બદલે ફરિયાદી બનાવતાં અનેક સવાલો પેદા થયા છે. મ્યુની કમિશ્નરે હજી સુધી એકપણ અધિકારી કર્મચારીને સસ્પેન્ડ ન કરતાં સવાલ ઉઠ્યા છે.
તો બીજી તરફ, વડોદરાના હરણી લેક ઝોન બોટકાંડનો મામલે પાલિકાના વિપક્ષ નેતા અમીબેન રાવતે આક્ષેપ કરતા કહ્યું કે, કોટિયા પ્રોજેક્ટસને ટેન્ડર આપતાં સમયથી જ ભ્રષ્ટાચાર થયો છે. જે તે સમયે મ્યુની કમિશનરને પત્ર લખી નાસ્તો બનાવનાર કંપનીને લેક ઝોનનો કોન્ટ્રાક્ટ ન આપવા માંગ કરી હતી. પૂર્વ મ્યુની કમિશનર વિનોદ રાવ અને પૂર્વ મેયર ભરત ડાંગરના સમયે કોટિયા પ્રોજેક્ટસને ખોટી રીતે ઇજારો અપાયો હતો. જે તે સમયના શહેર ભાજપ પ્રમુખ હાલના સાંસદ છે. ભાજપ પૂર્વ મેયર અને હાલના સાંસદ સામે પગલાં લે. બોટકાંડમાં જવાબદાર અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. જવાબદાર અધિકારીને કોર્પોરેશને ફરિયાદી બનાવી દીધા. જવાબદારોએ કોટિયા પ્રોજેક્ટ્સને કોન્ટ્રાક્ટ આપી 30 વર્ષમાં 150 કરોડનું પાલિકાનું નુકશાન કર્યાનું ષડયંત્ર રચ્યું. સમગ્ર મામલે મોટા માથાઓના નામ FIRમાં દાખલ નથી કરાયા. કોટિયા પ્રોજેક્ટ્સના ડાયરેક્ટરોની સાથે અધિકારી અને પૂર્વ શાસકોને પણ આરોપી બનાવો.
આરોપી ભૂગર્ભમાં ઉતર્યાં
હરણી બોટ દુર્ઘટનાનો મામલામાં પોલીસની ભીંસ વધતા આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. કંપનીના કેટલાક ભાગીદારો ગુજરાત બહાર ભાગી ગયા છે. જેથી તેમને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમોને ગુજરાત બહાર રવાના કરાઈ છે. ધરપકડથી બચવા અન્ય રાજ્યોમાં આશરો લેવાનો પ્રયાસ કરી રહેલા આરોપીઓને કોઈ પણ ભોગે ઝડપી પાડવા પોલીસની દોડધામ વધી. અન્ય રાજ્યોની પોલીસની પણ મદદ લેવાશે.
વડોદરા પાલિકાના વિપક્ષ નેતા અને કોંગ્રેસ કોર્પોરેટરોએ પીએમ મોદીને પત્ર લખીને સ્ટેટ વિજિલન્સ તપાસની માંગણી કરી છે. કોટિયા પ્રોજેક્ટ સાથેનો કરાર તાત્કાલિક રદ કરવાની પણ માંગ કરી છે. ઘટનાની તપાસ સિટિંગ જજ પાસે કરાવવા કોંગ્રેસ કોર્પોરેટરોની માંગ કરાઈ. કોન્ટ્રાક્ટરે ટેન્ડરની શરતોનો ભંગ કર્યો છતાં કોર્પોરેશનના અધિકારીએ કોઈપણ પગલાં ન લીધાં.
હરણી તળાવ હોડી દુર્ઘટના બાદ કોર્પોરેશન એક્શનમાં આવી છે. કોટિયા પ્રોજેક્ટે નિષ્કાળજીને લઈ તાત્કાલિક અસરથી કોન્ટ્રાક્ટ રદ્દ કર્યો છે. દુર્ઘટના બાદ મ્યુનિસિપલ કમિશનરે કોન્ટ્રાક્ટ રદ કરતો હુકમ કર્યો છે. લોક ભાગીદારીની શરતો અને સલામતીના સાધનો રાખવામાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી હતી. ગંભીર બેદરકારીને પગલે 18મી તારીખે 12 માસુમ બાળકો સહિત 14 ના મૃત્યુ થયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે