કોંગ્રેસના હારેલા આ ઉમેદવારે કહ્યું, ‘રાહુલ ગાંધી રાજીનામું આપશે તો હું પણ આપીશ રાજીનામુ....’
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા :2019ના ઈલેક્શનમાં ભાજપની આંધીમાં કોંગ્રેસ ધોવાઈ ગયું છે. દેશભરમાં કોંગ્રેસ માત્ર 90 સીટ પર આવીને સમેટાઈ ગયું. ત્યારે ગઈકાલે સાંજે જ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ હારનો સ્વીકાર કર્યો હતો. આ સાથે જ તેમના રાજીનામાની પણ વાતો સામે આવી છે. આવામાં વડોદરા કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલે ફેસબુક પર પોસ્ટ કરીને લખ્યુઁ છે કે, ‘કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજીનામું આપશે તો હું પણ આપીશ રાજીનામુ....’
વડોદરા પહેલેથી જ ભાજપનો ગઢ કહેવાય છે. લોકસભા હોય કે વિધાનસભા... આ ગઢ સર કરવો કોંગ્રેસના ઉમેદવારો માટે હંમેશાથી મુશ્કેલ રહ્યો છે. આ વખતે પણ વડોદરામાં જંગી લીડ સાથે ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ જીત્યા છે. હાર બાદ કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલે ફેસબુકના માધ્યમથી રંજબેન ભટ્ટને અભિનંદન આપ્યા હતા. તો તેમણે અન્ય એક પોસ્ટ પણ કરી હતી. આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, ‘રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીજી પદ નો ત્યાગ કરશે તો અમે પણ પદ નો ત્યાગ કરીશુ. કોંગ્રેસની વિચારધારા સાથે કાર્યકર બનીને પ્રજાનો જનમત લેવા માટે પ્રયત્નશીલ રહીશું.’
ઉલ્લેખનીય છે કે, રંજનબેનને આ ઈલેક્શનમાં 883719 મત મળ્યા છે. તો સામે કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલને માત્ર 294542 મત મળ્યાં છે. આમ, રંજનબેન 5,89,177 ની જંગી લીડથી જીત્યા છે. પણ આ પરિણામાં મહત્વની વાત એ છે કે, રંજનબેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ રેકોર્ડ તોડ્યો છે. પ્રશાંત પટેલ હાલ વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે