કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત, કહ્યું- અહીં ગર્વની અનુભૂતિ થાય છે

સ્મૃતિ ઇરાનીએ સરદાર સાહેબને ભાવાંજલિ આપતા મુલાકાત પોથીમાં તેમણે નોંધ્યું કે, જ્યારે દેશનો પ્રત્યેક નાગરિક સરદાર સાહેબને અનુસરવાની પ્રેરણા લેશે ત્યારે મજબૂત, સંવેદનસભર અને ધબકતા રાષ્ટ્રની પરિકલ્પના પૂર્ણ થશે. 
 

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત, કહ્યું- અહીં ગર્વની અનુભૂતિ થાય છે

કેવડિયાઃ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર સાહેબની પ્રતિમાને પદપૂજા કરીને ભાવાંજલી અર્પી હતી. આ મુલાકાત દરમ્યાન કેન્દ્રીય રાજયમંત્રી ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા, ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ગણપતભાઈ વસાવા, રાજયમંત્રી  વિભાવરીબેન દવે,કેન્દ્રીય સચિવ શ્રી પાંડે અને રાજ્યના સચિવ  કે.કે.નિરાલા, SOUDTGA ના CEO રવિ શંકર સાથે જોડાયા હતા.

સરદાર સાહેબને ભાવાંજલિ આપતા મુલાકાત પોથીમાં તેમણે નોંધ્યું કે, જ્યારે દેશનો પ્રત્યેક નાગરિક સરદાર સાહેબને અનુસરવાની પ્રેરણા લેશે ત્યારે મજબૂત, સંવેદનસભર અને ધબકતા રાષ્ટ્રની પરિકલ્પના પૂર્ણ થશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીએ માત્ર સ્મારક નથી તે વિશ્વની સૌથી યુવાન લોકશાહી માટે નાગરિકતાનાં માર્ગનો પ્રેરણાસ્ત્રોત છે, તેની છત્રછાયામાં મુક્તિ અને ગર્વની અનુભૂતિ થાય છે, એકતામાં શ્રેષ્ઠતાનું તે સાચા અર્થમાં ઉત્તમ પ્રતિક છે.સરદાર સાહેબને મારી હાર્દિક વંદના.

સ્મૃતિ ઈરાનીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમાની પાદ પૂજા કરી ભાવવંદના કરી હતી. ત્યારબાદ ૧૩૫ મીટરની ઊંચાઈએ આવેલ વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હદય સ્થાનેથી અદભૂત નજારો પણ માણયો હતો. 

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઝુબીન ઈરાનીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની બાજુમાં મહિલા અને બાળ સશક્તિકરણ વનના ઉછેર માટે વૃક્ષારોપણ કર્યું હતું. આ મહિલા અને બાળ સશક્તિકરણ વનને સમગ્ર દેશ માટે પોષણ વાટિકાનું મોડેલ બનાવીને દેશના તમામ રાજ્યોમાં મહિલા અને બાળ પોષણને વેગ આપવા આ પ્રકારની પોષણ વાટિકાઓ ઉછેરવાની પ્રેરણા આપશે.

સહી પોષણ દેશ રોશનના સૂત્રને હાર્દમાં રાખીને યોજવામાં આવેલી રાષ્ટ્રીય મહિલા અને બાળ વિકાસ પરિષદના પ્રારંભ પહેલા વિવિધ રાજ્યોના પરિષદમાં ભાગ લેવા આવેલા મંત્રીઓ અને પ્રતિનિધિઓ રોપ વાવેતરમાં જોડાયા હતા.

ભારત સરકારના રાજ્ય કક્ષાના મહિલા અને બાળ વિકાસ મંત્રી ડો.મહેન્દ્ર મૂંજપરા, ગુજરાતના મહિલા અને બાળ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવા અને મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવેએ પોષણ વાટિકાના ઉછેર માટે રોપો વાવ્યો હતો.

સરદાર સાહેબની સર્વોચ્ચ પ્રતિમાના સાનિધ્યમાં આ પોષણ વાટિકા હેઠળ વન વિભાગ દ્વારા પોષણ વર્ધક અને આરોગ્ય સંવર્ધક 151 વૃક્ષો ઉછેરવાનું આયોજન કરવામાં આવ્યું છે. વનસ્પતિ સંપદા દ્વારા પોષણ જાગૃતિ ઉદ્યાન ઉછેરનો આ પ્રયોગ દેશના રાજ્યો માટે મોડલ બની રહે એવી અપેક્ષા છે.

રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્મા અને મહિલા અને બાળ અધિકાર સુરક્ષા પંચના અધ્યક્ષ પ્રિયંકા કાનુંગોએ પણ રોપો વાવ્યો હતો. કેવડિયાના નાયબ વન સંરક્ષક પી. જે.પંડ્યાએ જણાવ્યું કે આ પરિષદ સ્મૃતિ વનમાં સરગવો, કેસૂડો, જમરૂખ, સીતાફળ, આંબા અને રાયણ જેવા ફળાઉ, પોષણ આપતા અને ઔષધીય ઉપયોગી વનસ્પતિઓ ઉછેરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news