ભાજપનું વિજય સરઘસ જોવા ઉભેલા બે યુવાનોના કેનાલમાં ડૂબી જતાં મોત, ભાભરના રૂની ગામમાં બની દુર્ઘટના
વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં રોમાંચક જીત મેળવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. પરંતુ આ દરમિયાન એક દુર્ઘટનાને કારણે બે યુવાનોના મોત થયા છે.
Trending Photos
બનાસકાંઠાઃ શનિવાર એટલે કે 23 નવેમ્બરે બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપજી ઠાકોરનો વિજય થયો છે. ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણી જીતી સાંસદ બનતા વાવ વિધાનસભા સીટ ખાલી પડી હતી. ત્યારબાદ ત્યાં પેટાચૂંટણી યોજાઈ હતી અને 13 નવેમ્બરે મતદાન થયું હતું. 23 નવેમ્બરે મતગણતરી બાદ ભાજપની જીત થઈ હતી. ભાજપના વિજય સરઘસ દરમિયાન એક દુર્ઘટના પણ સર્જાય છે.
વાવ વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ વિજય સરઘસ જોવા માટે વિવિધ લોકો પણ આવ્યા હતા. ત્યારે ભાજપનું વિજય સરઘસ જોવા ઉભેલા રૂની ગામના બે યુવાનો અચાનક સુથાર નેસડી કેનાલમાં ડૂબી જતાં બંનેના મોત થયા છે.
ભારતીય જનતા પાર્ટીનું રાત્રી દરમિયાન નિકળેલું વિજય સરઘસ જોવા માટે જોધાભાઈ ઠાકોર અને કલાભાઈ ઠાકોર કેનાલ કિનારે ઉભા રહ્યાં હતા. આ દરમિયાન કેનાલની પાળી નીચી હોવાને કારણે એક ભાઈ કેનાલમાં પડી ગયો હતો. તેને બચાવવા જતાં બીજો ભાઈ પણ કેનાલમાં ડૂબી ગયો હતો. કેનાલમાં ડૂબી જવાને કારણે બંને ભાઈઓના મોત થયા છે.
આ બંને યુવાનો ભાભર તાલુકાના રૂની ગામના વતની હતી અને બંને કૌટુંબિલ ભાઈઓ હતા. કેનાલમાં શોધખોળ દરમિયાન ગત રાત્રે એક ભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે બીજા ભાઈનો મૃતદેહ આજે સવારે મળી આવ્યો હતો. અચાનક બે યુવકના મોતને કારણે ગામમાં માતમ છવાયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે