આદિવાસી સમાજ દ્વારા કેન્દ્ર સરકારના સ્વપ્ન સમાન પ્રોજેક્ટનો સરદાર સરોવરની જેમ જ વિરોધ
Trending Photos
ઉમેશ પટેલ/વલસાડ : જિલ્લાના ધરમપુરમાં આજે આદિવાસી સમાજ અને આદિવાસી સંગઠનો દ્વારા સરકારના સૂચિત રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ, દાદરા નગર હવેલીના પૂર્વ સાંસદ મોહન ડેલકરના પુત્ર અને શિવસેના પ્રદેશ પ્રમુખ અભીનવ ડેલકર અને વલસાડ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શરૂઆતમાં પોલીસ દ્વારા રેલીમાં જતા લોકોને અટકાવવા પ્રયાસ કર્યા હતા.
જો કે કેટલીક જગ્યાએ પોલીસ સાથે સ્થાનિક લોકોની ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ થતાં આખરે પોલીસે રેલી યોજવા દીધી હતી. ત્યારે ધરમપુરના આસુરા ચોકડી પર એક જંગી સભા યોજાઈ હતી. જેમાં ધારાસભ્ય અનંત પટેલ અને અને કોંગ્રેસી આગેવાનોએ સભા સંબોધતા સરકારના સૂચિત રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો. વિરોધ કરી રહેલા સંગઠનો અને લોકોના મતે સરકાર દ્વારા પાર તાપી અને નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો અમલ કરવા જઈ રહી છે. આ પ્રોજેક્ટથી વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના પાર નદી પર આવેલા ચાસમાંડવા ગામ નજીક એક ડેમ બનાવવામાં આવી શકે છે.
જો ડેમ બને તો આ વિસ્તારના અસંખ્ય આદિવાસી પરિવારો વિસ્થાપિત થવાની શક્યતા જોવાઇ રહી છે. જેથી આદિવાસી સમાજ અને રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ સરકારના સૂચિત રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે. આજે ધરમપુરના આસુરા ચોકડી પર આદિવાસી સમાજ દ્વારા વિરોધ સભા યોજાયા બાદ એક જંગી રેલી યોજાઈ હતી. આ રેલી ધરમપુરના જાહેર માર્ગો પર ફરી અને મામલતદારને આવેદનપત્ર આપી અને આ સૂચિત રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ આંદોલનની આગેવાની લેનાર આદિવાસી સમાજના આગેવાન એવા અનંત પટેલ અને અન્ય આગેવાનોએ સરકારના પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો. જો સરકાર આ પ્રોજેક્ટ આદિવાસી સમાજની નારાજગી છતાં પણ અમલમાં મૂકશે તો તેના ગંભીર પરિણામો આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી.
ધારાસભ્ય અનંત પટેલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના મંત્રીઓના વચ્ચે સંકલનનો અભાવ હોવાનું જણાવ્યું હતું. તેમના મતે એક તરફ કેન્દ્ર સરકાર બજેટમાં આ લિંક પ્રોજેક્ટની વાત કરે છે. તો બીજી બાજુ ગુજરાત સરકારના મંત્રીઓ આ યોજના થવાની જ નથી તેવા જાહેરમાં દાવા કરી રહ્યા છે. આથી અનંત પટેલે આ મુદ્દે પણ કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓની ઝાટકણી કાઢી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે