નરેન્દ્ર મોદીના રાજકીય શાસનના 21 વર્ષ : બ્રેક લીધા વગર સતત કામ કરનારા પહેલા નેતા
Narendra Modi Political Career : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ગુજરાતના મુખ્યમંત્રીથી દેશના વડાપ્રધાન સુધી આ 21 વર્ષના કાર્યકાળમાં મોદીએ કોઈ બ્રેક નથી લીધો
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો: આઝાદી પછી જન્મેલા ભારતના પ્રથમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સરકારના મુખ્ય શાસક તરીકે 21 વર્ષ પૂરા કર્યા. તેમણે નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી પદે શપથ લીધા હતા. તેઓ ગુજરાતમાં સૌથી વધુ સમય સુધી એટલે કે ઓક્ટોબર, 2001 થી મે, 2014 સુધી સેવા આપનાર મુખ્યમંત્રીની ઉપલબ્ધિ પણ ધરાવે છે. લગભગ 13 વર્ષ જેટલો સમય મુખ્યમંત્રી મુખ્યમંત્રી અને 8 વર્ષથી તેઓ પ્રધાનમંત્રીના પદે બિરાજમાન છે. પીએમ મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓમાંથી એક છે. ગુજરાતના મુખ્યમંત્રીથી દેશના વડાપ્રધાન સુધી આ 21 વર્ષના કાર્યકાળમાં મોદીએ કોઈ બ્રેક નથી લીધો.
7 ઓક્ટોબર 2001ના રોજ લીધા હતા શપથ
નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં 21 વર્ષ પૂરા થયા. આ બે દાયકામાં તેઓ મજબૂત મુખ્યમંત્રીથી લઈને વિશ્વના સૌથી લોકપ્રિય ભારતીય નેતા બની ગયા છે. નરેન્દ્ર મોદી દેશના અન્ય કોઈ પણ નેતા કરતા વધુ માસ અપીલ ધરાવે છે અને ચૂંટણીઓમાં ભાજપનો સૌથી વિશ્વાસપાત્ર ચહેરો છે. જો કે તેમના આલોચકો પણ કમ નથી. તેમણ 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. તે સમય દરમિયાન નરેન્દ્ર મોદી ભાજપના પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને હિમાચલ પ્રદેશના પ્રભારી હતા. તત્કાલિન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ જ્યારે પીએમ મોદીને ફોન કરીને દિલ્હી બોલાવ્યા ત્યારે તેઓ સ્મશાનમાં હતા. તે સમયે પ્લેનક્રેશમાં દિગ્ગજ નેતા માધવરાવ સિંધિયાનું અવસાન થયું હતું.
તે વખતે આજના સમય જેવા સ્માર્ટ ફોન ન હતા. નોકીયાના 3310 અને 3315 નંબરના સસ્તા અને લોકપ્રિય મોડલના મોબાઈલ ફોનના દિવસો હતા. નરેન્દ્ર મોદી આવો જ એક સાદો બ્લેક એન્ડ વ્હાઈટ ફોન વાપરતા હતા. નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમને તે સમયે 2001માં કેશુભાઈ પટેલની જગ્યાએ મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપાઈ હતી. 7 ઓક્ટોબરે મુખ્યમંત્રી બન્યા બાદ ફેબ્રુઆરી 2002માં તેઓ રાજકોટ 2 વિધાનસભા બેઠકથી ચૂંટણી લડ્યા અને જીત્યા.
12 વર્ષ અને 7 મહિના સીએમ પદે રહ્યા
નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી પદનો કાર્યભાર સંભાળ્યો ત્યારબાદ 2002ની ગુજરાત વિધાનસભા ચૂંટણી, 2007 અને 2012ની ચૂંટણી પણ જીતી અને ફરી મુખ્યમંત્રી બન્યા. 2002માં મોદીના નેતૃત્વમાં 127 બેઠક મળી ત્યારબાદ ગુજરાત મોડલ દેશમાં ખૂણે ખૂણે ચર્ચાવા લાગ્યું હતું. 2003માં વાઈબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર સંમેલનની શરૂઆત પણ થઈ. 2007માં ભાજપને ફરી બહુમતી મળી અને 115 બેઠકો જીતી, ત્યારબાદ 2012ની ચૂંટણીમાં પણ મોદીના નેતૃત્વમાં સતત ત્રીજી જીત મળી અને ભાજપને 115 બેઠકો મળી. નરેન્દ્ર મોદી 12 વર્ષ અને 7 મહિના સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદે રહ્યા.
ગુજરાતથી દિલ્હીની સફર
લોકપ્રિય મુખ્યમંત્રી તરીકે લોકોના દિલમાં બિરાજમાન થયા બાદ વર્ષ 2013માં નરેન્દ્ર મોદીને ભાજપના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા. ભાજપને તેમના નેતૃત્વમાં 2014ની લોકસભા ચૂંટણીમાં 282 બેઠકો મળી અને મોદી દેશના પ્રધાનમંત્રી બન્યા. 1989 બાદ પહેલીવાર કોઈ પાર્ટીને પૂર્ણ બહુમત મળ્યું અને તેઓ પહેલા એવા બિન કોંગ્રેસી પ્રધાનમંત્રી બન્યા. ત્યારબાદ 2019ની લોકસભા ચૂંટણીમાં મોદીના નેતૃત્વમાં ભાજપને અગાઉ કરતા પણ વધુ બેઠકો મળી અને 330 બેઠકો જીતીને દેશના બીજીવાર પ્રધાનમંત્રી બન્યા.
સોશિયલ મીડિયા પર સૌથી લોકપ્રિય નેતા
નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પર વિશ્વમાં સૌથી લોકપ્રિય નેતાઓમાંથી એક છે. મોદી ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો કરાતા નેતા છે. ઈન્સ્ટાગ્રામ પર તેમના સૌથી વધુ 60.8 મિલિયન અને ફેસબુક પર તેમના 46 મિલિયન ફોલોઅર્સ છે. ટ્વિટર પર પીએમ મોદીના 71.6 મિલિયન ફોલોઅર્સ છે. તેઓ ટ્વિટર પર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા બાદ બીજા સૌથી વધુ ફોલો કરાતા રાજનેતા છે.
આ મામલે મોદી અવ્વલ
મોદી દેશના પહેલા એવા પ્રધાનમંત્રી છે જેમણે ઈઝરાયેલનો પ્રવાસ કર્યો. તેઓ પહેલા એવા પ્રધાનમંત્રી બન્યા જેમણે પોતાના શપથ ગ્રહણ સમારોહમાં સાર્ક દેશના મુખિયાઓને આમંત્રણ પાઠવ્યું. તેઓ પહેલા એવા પ્રધાનમંત્રી છે જેમણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની મીટિંગની અધ્યક્ષતા કરી.
વડનગરમાં જન્મ
નરેન્દ્ર મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર, 1950નાં રોજ ગુજરાતનાં એક નાના શહેર વડનગરમાં થયો હતો. તેમનો પરિવાર ‘અન્ય પછાત વર્ગ’ (ઓબીસી) સાથે સંબંધિત છે, જે સમાજનાં વંચિત સમુદાયોમાં સ્થાન ધરાવે છે. તેમનો ઉછેર ગરીબીમાં થયો હતો, પણ પ્રેમાળ કુટુંબ ‘નાણાની તંગી વચ્ચે પણ હળીમળીને’ રહેતું હતુ. જીવનની પ્રારંભિક અવસ્થામાં એમને મહેનતનું મૂલ્ય શીખવા મળવાની સાથે એમને સામાન્ય નાગરિકોની ટાળી શકાય એવી સમસ્યાઓ પણ જાણવા મળી હતી. એનાથી તેઓ યુવાવસ્થામાં જ લોકો અને દેશની સેવા કરવા માટે પ્રેરિત થયાં હતા. પોતાનાં શરૂઆતનાં વર્ષમાં તેમણેરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે કામ કર્યું હતું અને પછી પોતાની જાતને રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરે ભારતીય જનતા પક્ષમાં રાજકીય કાર્ય માટે સમર્પિત કરી દીધી હતી. મોદીએ ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજ્યશાસ્ત્રમાં એમએ (માસ્ટર ઑફ આર્ટ્સ) કર્યું હતું.
1965માં શરૂ થઈ રાજકીય કારકિર્દી
તેમની રાજકીય કારકિર્દી 1965માં શરૂ થઈ. તેમને અમદાવાદના કાંકરિયા વોર્ડના જનસંઘના સચિવ નિયુક્ત કરાયા હતા. 1972માં આરએસએસ સાથે જોડાયા. તેના 2 વર્ષ બાદ નવનિર્માણના આંદોલનમાં ભાગ લીધો. તેમને ઈન્દિરા ગાંધી તરફથી લાગૂ કરવામાં આવેલી કટોકટી વિરુદ્ધ બનાવાયેલી ગુજરાત લોક સંઘર્ષ સમિતિના મહાસચિવ તરીકેની જવાબદારી અપાઈ હતી. રાષ્ટ્રીય મહામંત્રી તરીકે તેમને હિમાચલ પ્રદેશના મામલાના પ્રભારી બનાવવામાં આવ્યા.
લેખનકળામાં પણ પારંગત
રાજકારણ ઉપરાંત નરેન્દ્ર મોદી લેખનકળામાં પારંગત છે. તેમણે કેટલાંક પુસ્તકો પણ લખ્યાં છે, જેમાં કવિતાઓ પરનું પુસ્તક પણ સામેલ છે. તેઓ દિવસની શરૂઆત યોગથી કરે છે, જે શરીર અને મન બંનેને મજબૂતી આપે છે તેમજ ઝડપી જીવનમાં શાંતિ અને એકાગ્રતા પ્રદાન કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે