ચાંદખેડામાં 3 કરોડનું સોનું ખરીદવાના નામે છેતરપીંડિનો પ્રયાસ કરનારા ત્રણની ધરપકડ
પુનાની કંપનીના કર્મચારીઓને દિવાળી બોનસ તરીકે સોનું ગિફ્ટમાં આપવાનું હોવાનું જણાવી 3 કરોડની છેતરપીંડીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જવેલર્સના માલિકની સજાગતાને કારણે ઠગ ટોળકી ઝડપાઇ ગઈ
Trending Photos
અમદાવાદઃ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા રાજ જ્વેલર્સને ત્યાં દિવાળી બોનસ તરીકે ગિફ્ટ માટે રૂ.3 કરોડનું સોનું ખરીદવાની લાલચ આપી છેતરપીંડી આચરવાનું એક ષડયંત્ર રચવામાં આવ્યું હતું, પરંતુ જ્વેલર્સ માલિકની સજાગતાને કારણે આ ઠગ ટોળકી ઝડપાઈ ગઈ હતી.
ડિસોઝા ક્રિષ્ચન, પરવિંદર સિંઘ અને વિજય ત્રિવેદી નામના આ શખ્સો ચાંદખેડામાં આવેલા રાજ જવેલર્સના મલિક કિશોરભાઈ સોનીને મળ્યા હતા. તેમણે જણાવ્યું કે તેઓ પુનાની એક કંપનીમાં નોકરી કરે છે અને કંપનીના કર્મચારીઓને દિવાળી ગિફ્ટ તરીકે સોનું આપવાનું છે. આ માટે તેમણે સોનાની વિવિધ આઈટમોની પૃચ્છા કરી હતી અને રૂ. 3 કરોડનું સોનુ લેવાનું કહીને તેમની પાસેથી બેંકની વિગતો મેળવી હતી.
જોકે, બેન્કની વિગતો લીધા બાદ બીજા દિવસે RTGS કર્યું ન હતું. બીજા દિવસે પણ તેમણે કોઈ પણ પ્રકારની ખરીદી કરી ન હતી. તેઓ સતત 3 દિવસ સુધી દુકાનમાં આવતા હતા અને વાતચીત કરવાના બહાને રેકી કરતા હતા. તે લોકોની વાતચીત કરવાની પદ્ધતિ પર શંકા જતાં જ્વેલર્સના માલિકે પોલીસને જાણ કરી હતી.
આ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીએસઆઈએ જણાવ્યું કે, જ્વેલર્સ દ્વારા ફરિયાદ કરાયા બાદ પોલીસે તેમની દુકાનની આગળ સાદા ડ્રેસમાં વોચ ગોઠવી હતી અને આ ત્રણેય આરોપીઓને પકડી લીધા હતા. હાલ આ ઢગ ટોળકીએ કોઈ અન્ય સાથે પણ આ પ્રકારની છેતરપીંડી કરી છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે. પોલીસે તેમનાં ઓળખપત્રો કબ્જે લઈને વધુ કાર્યવાહી શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે