ગુજરાતમાં ચોરી કાંડ: ફક્ત પાસ થવાની નહીં, પણ પૂરા માર્કસની ગેરન્ટી, આ 'VIP' નબીરાઓ તો ભણવાની નથી જરૂર

જામનગરની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજમાં કેટલાક પરીક્ષાર્થીઓને VIP ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોવાનો પર્દાફાશ થયો છે. બી.કોમ.ની પરીક્ષામાં એક ક્લાસ રૂમમાં વિદ્યાર્થીઓ સીસીટીવીની દેખરેખમાં પરીક્ષા આપે છે.

ગુજરાતમાં ચોરી કાંડ: ફક્ત પાસ થવાની નહીં, પણ પૂરા માર્કસની ગેરન્ટી, આ 'VIP' નબીરાઓ તો ભણવાની નથી જરૂર

ઝી બ્યુરો/અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીક અને ડમી કાંડની ચર્ચા છે. પરીક્ષામાં ગેરરીતિ કરવાની આ મોટી રીતો છે. જો કે આ સિવાયના માર્ગે પણ પરીક્ષામાં ગેરરીતિ થાય છે. જો કે આ ગેરરીતિ બહુ સામે આવતી નથી. ઝી 24 કલાકે આવી જ ગેરરીતિના એક કિસ્સાનો ભાંડાફોડ કર્યો છે. જેમાં પુસ્તકો સાથે VIPની જેમ પરીક્ષા આપીને પરીક્ષા વ્યવસ્થાની મજાક ઉડાવીને પૈસાનો ખેલ થતો હતો. જો કે ઝી 24 કલાકના અહેવાલ બાદ તંત્ર અને સરકાર દોડતા થયા અને તપાસના આદેશ આપી દેવાયા છે.

જામનગરની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજમાં કેટલાક પરીક્ષાર્થીઓને VIP ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોવાનો પર્દાફાશ થયો છે. બી.કોમ.ની પરીક્ષામાં એક ક્લાસ રૂમમાં વિદ્યાર્થીઓ સીસીટીવીની દેખરેખમાં પરીક્ષા આપે છે અને બીજા રૂમમાં ત્રણ વિદ્યાર્થીઓ પરીક્ષાના જવાબના મટીરિયલ સાથે પરીક્ષા આપી રહ્યા છે. ઝી 24 કલાકે આ આખાયે પરીક્ષા કૌભાંડનો પર્દાફાશ કર્યો અને શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો. અમે આ મામલે જ્યારે કોલેજના ડાયરેક્ટરને પુછ્યું, તો તેમણે કેમેરામાં રેકોર્ડ થયેલા દ્રશ્યોને પણ નકારી દીધા. જો કે, બાદમાં દાવો કરવામાં આવ્યો કે તેમણે તપાસના આદેશો આપી દીધા છે. ચોંકાવનારી વાત  તો એ છે કે, આ જ કોલેજને એક વિભાગના ટ્રસ્ટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ગીરીશ ભીમાણી છે. અહેવાલ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ જામનગર પહોંચી અને તપાસ શરૂ કરી છે.

ડમી કાંડ અને પેપર લીક કાંડ બાદ હવે ચોરી કાંડ
ભાવનગરના ડમી કાંડે સમગ્ર પરીક્ષા વ્યવસ્થા સામે સવાલ ઉઠાવ્યા છે. ત્યારે જામનગરનું ચોરી કાંડ આ કૌભાંડને પણ ટપી જાય તેમ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલી જામનગરની સ્વામિનારાયણ ગુકુરુળ કોલેજમાં ચાલતા આ ચોરી કાંડને ઝી 24 કલાકે પોતાના કેમેરામાં લાઈવ કેદ કર્યું છે. એક તરફ જ્યાં કોલેજના પરીક્ષા ખંડમાં બી કોમ સેમેસ્ટર 2 ની પરીક્ષા ચાલી રહી હતી. ત્યાં આ જ વર્ગના ત્રણ વિદ્યાર્થીઓ કેમ્પસમાં આવેલી હોમિયોપેથી કોલેજના એક વર્ગમાં બેસીને પરીક્ષા આપી રહ્યા હતા, એ પણ વીઆઈપી સુવિધા સાથે, તેઓ મગજનો ઉપયોગ ગાઈડમાંથી જવાબ શોધવા માટે કરતા હતા, નહીં કે જવાબ જાતે લખવા માટે.

એક તરફ ઓપીડીમાં દર્દીઓની સારવાર ચાલી રહી હતી, ત્યાં આ જ રૂમને અડીને આવેલા ડોક્ટરના રૂમમાં ત્રણ વિદ્યાર્થીઓ ચોરી કરીને પેપર લખી રહ્યા હતા. કોલેજના સંચાલક પણ ત્યાં જ હાજર હતા, તેમણે ઝી 24 કલાકના સંવાદદાતાના સવાલોના જવાબ આપવાની જગ્યાએ કોઈની સાથે ફોન પર વાત કરવા જણાવ્યું હતું. અહીં સ્વાભાવિક રીતે જ સવાલ એ ઉભો થાય છે કે શું ચોરી કરીને પેપર લખતા વિદ્યાર્થીઓ કોલેજના સંચાલકોના સગા છે કે પછી તેમની સાથે કોઈ સેટિંગ કરવામાં આવ્યું છે. ઝી 24 કલાકે આ અહેવાલ પ્રસારિત કરતા જ ખળભળાટ મચી ગયો હતો. સામાન્ય લોકોને ફરી આઘાત લાગ્યો, શિક્ષણ વિભાગ ઉંઘતું ઝડપાયું અને સરકાર સફાળી જાગી ગઈ. 

ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે ખુલાસો માગ્યો હતો. જેને જોતાં યુનિવર્સિટીએ ત્રણ સભ્યોની એક તપાસ ટીમ બનાવીને જામનગરની સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજમાં મોકલી દીધી હતી. કમિટીએ કલાકો સુધી કોલેજના સંચાલકો, ડાયરેક્ટર અને સ્ટાફની પૂછપરછ કરી. ચોરી કરાઈ હતી તે રૂમની પણ તપાસ કરવામાં આવી. CCTV કેમેરાના એક સપ્તાહના રેકોર્ડ પણ કબજે કરાયા. તપાસ સમિતિએ ઉચ્ચ શિક્ષણ કમિશનરને દોઢ પાનાના રિપોર્ટમાં સાધનિક પુરાવા સોંપ્યા છે. તપાસમાં એક મોટી વાત સામે આવી છે, જે તપાસ સામે પણ શંકા ઉભી કરે છે. 

તપાસ રિપોર્ટનું માનીએ તો સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજમાં ત્રીજી મેના રોજ પરીક્ષામાં ચાર વિદ્યાર્થીઓ સામે કોપી કેસ કરાયો હતો. અને પાંચમી તારીખે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લીગલ વિભાગને તેના ડોક્યુમેન્ટ આપ્યા હતા. ત્રીજી મેના રોજનો આ એ જ વીડિયો છે, જેમાં ચાર વિદ્યાર્થીઓએ જ રૂમમાં બેસીને પરીક્ષા આપી રહ્યા છે, જ્યાં ઝી 24 કલાકે તેના બીજા દિવસે ચોરી પર લાઈવ રેઈડ કરી હતી. જો કે ચોથી તારીખે ચારની જગ્યાએ ત્રણ વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા હતા.

જો કે અહીં સવાલ એ છે કે જો કોલેજે વિદ્યાર્થીઓ સામે કોપી કેસ કર્યો હતો તો પછી તે જ વિદ્યાર્થીઓ બીજા દિવસે તે જ રૂમમાં કેવી રીતે ચોરી કરી શક્યા. શું તપાસ સમિતિએ પણ માત્ર નાટક કરવા માટે ઉચ્ચ શિક્ષણ કમિશનરને તપાસ રિપોર્ટ સોંપ્યો છે? કે પછી કોપી કેસના માધ્યમથી ચોરી કાંડ પર ઢાંક પીછોડો કરવાનો કારસો રચાયો છે. કોલેજના ડાયરેક્ટરે આ જ મુદ્દે પોતાનો લૂલો બચાવ કર્યો છે.

જો કે અહીં એક વાત એ પણ જાણી લેવી જોઈએ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ગિરિશ ભીમાણી ખુદ જામનગરની શ્રી સ્વામિનારાયણ કોલેજના ટ્રસ્ટી છે, ત્યારે તપાસની નિષ્પક્ષતા સામે મોટો સવાલ ઉભો થયો છે. હજુ એક મોટી વાત એ છે કે જામનગરની આ જ કોલેજ તલાટીની પરીક્ષા માટેનું કેન્દ્ર પણ છે. જો કે એક દિવસમાં કેન્દ્ર બદલવું ગૌણ સેવા પસંદગી મંડળ માટે શક્ય નહતું.  

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજ ફરી વિવાદમાં આવતા NSUIએ ઈન્ચાર્જ કુલપતિ ગિરીશ ભીમાણીની ચેમ્બર બહાર વિરોધ નોંધાવ્યો. તેમના નામની પ્લેટ પર ભ્રષ્ટાચારી શબ્દ લખી દેવાયો. તો આ તરફ કોંગ્રેસે પણ આ મામલે રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે આ ઘટનાને શિક્ષણજગત માટે કલંકરૂપ ગણાવતા પેપર લીકથી પણ મોટું કૌભાંડ ગણાવ્યું છે.

અહીં દેખીતી રીતે સવાલ એ ઉભો થાય છે કે અન્ય કોલેજોમાં પણ આ રીતે ચોરીકાંડ ચાલતો ન હોય તેની ગેરન્ટી શું? પરીક્ષા વ્યવસ્થામાં હવે કઈ ગેરરીતિ બાકી છે. હવે જોવું એ રહેશે કે તપાસમાં શું સામે આવે છે, શું કોઈ મોટા માથા આ કૌભાંડમાં સંડોવાયેલા છે, જો હા, તો તેમની સામ શું કાર્યવાહી કરાય છે.

સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજ ચોરીકાંડમાં વધુ એક ઘટસ્ફોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ગિરીશ ભીમાણી જે કોલેજના ટ્રસ્ટી છે તે જામનગરની સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજના ચોરીકાંડને ZEE 24 કલાકે ખુલ્લો પાડ્યા બાદ વધુ એક મોટો ખુલાસો થયો છે.  ZEE 24 કલાકે કૌભાંડી કોલેજનો ભાંડો ફોડ્યા બાદ રાજકોટથી એક તપાસ ટીમ જામનગર કોલેજ ખાતે પહોંચી ત્યારે સામે આવ્યું છે કે આ કોલેજમાં આવતી કાલે તલાટી ભરતીની પરીક્ષા લેવાની છે તેમાં પણ ખામીઓ રાખવામાં આવી હતી. અને આ ખામીઓ તપાસ ટીમના ધ્યાનમાં આવી છે. 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તપાસ સમિતિ રચી તેના ચાર સભ્યો જામનગરની સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજ ખાતે તપાસ માટે પહોંચ્યા તો તેમણે જોયું કે કોલેજમાં અપૂરતા સીસીટીવી કેમેરા લગાવેલા છે. જરા વિચારો,,,  ZEE 24 કલાકે આ કોલેજમાં ચોરી થતી હોવાનો પર્દાફાશ ના કર્યો હોત તો આવતી કાલે આ કોલેજમાં તલાટીની પરીક્ષામાં પણ ગેરરીતિઓ થવાની પૂરેપૂરી શક્યતા હતી. અને આ વાત અમે નહીં, ખુદ તપાસ ટીમના નિરીક્ષણમાં સામે આવી છે. રાજ્યના પરીક્ષા કંટ્રોલિંગ અધિકારીએ આરોપી કોલેજના કૌભાંડી સંચાલકોને તાત્કાલિક સીસીટીવી કેમેરા ફીટ કરવાનો આદેશ આપ્યો છે. 

મતલબ કે, તલાટી ભરતીની પરીક્ષામાં પણ જામનગરની સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજનો ઈરાદો સાફ નહોતો. જેટલી જરૂરિયાત હતી તેટલા પ્રમાણે કોલેજમાં કેમેરા નહોતા લગાવ્યા અને ZEE 24 કલાકે કોલેજમાં ચોરી થતી હોવાનો પર્દાફાશ કર્યા બાદ તપાસ ટીમ ઘટનાસ્થળે પહોંચી તે બાદ આ ક્ષતિ સામે આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news