ગોંડલ: દોરી વડે બાંધી 4 વર્ષના LKGના વિદ્યાર્થી પર શિક્ષકે આચર્યું સૃષ્ટી વિરૂદ્ધ કૃત્ય

બપોરના સમયે માસૂમ બાળકે ઘરે પહોંચતા માતા-પિતાને પીડાની વાત તેના કરી હતી. ઘટના તેના માતા-પિતાને જ જણાવતા તેઓ પણ કંપી ઉઠ્યા હતા.

ગોંડલ: દોરી વડે બાંધી 4 વર્ષના LKGના વિદ્યાર્થી પર શિક્ષકે આચર્યું સૃષ્ટી વિરૂદ્ધ કૃત્ય

જયેશ ભોજાની/ગોંડલ: ગોંડલના કુંભારવાડા ખાતે આવેલા જૈન સંસ્કાર સ્કૂલના શિક્ષકે એલકેજીના વિદ્યાર્થી પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. વિદ્યાર્થીને વધુ સારવાર માટે રાત્રે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવા તજવીજ શરૂ કરી હતી. રાજકોટ શહેરના મધ્ય વિસ્તારમાં આવેલા અને જાણીતા પરિવારનો ચાર વર્ષનો માસૂમ પુત્ર નિયત ક્રમ મુજબ કુંભારવાડા ખાતે આવેલા જૈન સંસ્કાર સ્કૂલના એલકેજી ક્લાસ પહોંચ્યો હતો. તે દરમિયાન સવારના 10:30 કલાકના સુમારે એક શિક્ષક તેનો હાથ પકડી સ્કૂલ બસમાં લઇ ગયો હતો અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ હતું. 

બાળકે ઘટનાની જાણ થતા માતા-પિતા પણ કંપી ઉઠ્યા 
બપોરના સમયે માસૂમ બાળકે ઘરે પહોંચતા માતા-પિતાને પીડાની વાત તેના કરી હતી. ઘટના તેના માતા-પિતાને જ જણાવતા તેઓ પણ કંપી ઉઠ્યા હતા. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ગોંડલ સિટી પોલીસ ઇન્સ્પેક્ટર અને પી.એસ.આઇ. સહિતનો કાફલો જૈન સ્કૂલ પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન જૈન સ્કૂલના તમામ શિક્ષકો સ્કૂલ પર હાજર ન હોય પ્રિન્સિપાલ આશાબેન પાસે પોલીસ દ્વારા શિક્ષકોના ફોટોગ્રાફ્સ માગવામાં આવ્યા હતા. જેના પરથી ચાર વર્ષના માસૂમ બાળકે ફોટોગ્રાફ્સ ઉપરથી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર શિક્ષકને ઓળખી બતાવ્યો હતો. 

તસવીર પરથી બાળકે શિક્ષકને ઓળખી બતાવ્યો 
જુદાજુદા મોબાઇલમાં પણ આ તસવીર બતાવવામાં આવતા બાળકે તેને ઓળખી બતાવ્યો હતો. બાદમાં પોલીસે મોડીરાતે માસૂમ બાળકના પિતાની ફરિયાદ પરથી જૈન સ્કૂલમાં ધોરણ 5થી 10ના વિદ્યાર્થીઓનો ગણિતનો વિષયનો અભ્યાસ કરાવતા શિક્ષક દાણીધારિયા સંદીપ વિરુદ્ધ આઇપીસી કલમ 377 તેમજ પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જે લોબીમાંથી માસૂમ બાળકને સ્કૂલ બસ તરફ લઈ જવામાં આવ્યો તેના બે સીસીટીવી કેમેરા આજે ટેક્નિકલી કેમ બંધ હતા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. માસૂમ બાળકના પિતાએ જણાવ્યું હતું કે, તેના પુત્રને હવસખોર શિક્ષકે બસમાં લઈ જઈ દોરી વડે બાંધી દીધો હતો. બાદમાં તેનો સ્કૂલ યુનિફોર્મ ઉતારી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news