રોજ 1 લાખથી વધારે વાહનો અવરજવર કરે છે તે અમદાવાદનો આ રોડ કાયમી ધોરણે થશે બંધ, આ છે વૈકલ્પિક રસ્તો

સાબરમતી ગાંધી આશ્રમ દેશ-દુનિયામાં જાણીતો છે. દેશ-વિદેશમાંથી આવતા મહાનુભાવો ગાંધી આશ્રમની મુલાકાત લઈનેગાંધીજીને પુષ્પાંજલિ આપતા હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી 1200થી વધુ કરોડના ખર્ચે ગાંધી આશ્રમના રિડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. જે અંતર્ગત ગાંધીઆશ્રમથી કલેક્ટર કચેરી સુધીના 200 મીટરના રોડને કાયમી ધોરણે બંધ કરવામાં આવશે.

રોજ 1 લાખથી વધારે વાહનો અવરજવર કરે છે તે અમદાવાદનો આ રોડ કાયમી ધોરણે થશે બંધ, આ છે વૈકલ્પિક રસ્તો

ઝી બ્યુરો/ અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 12 માર્ચે અમદાવાદ આવશે. સાબરમતી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવાના છે. પ્રધાનમંત્રીના આગમન પહેલા તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરી દેવાયું છે. આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત વાડજથી આશ્રમ થઇ RTO સર્કલ જતો માર્ગ કાયમી ધોરણે બંધ થશે. 

આંતરરાષ્ટ્રીય કક્ષાનું ટુરિસ્ટ સ્પોટ બનાવવાનું આયોજન
વિકલ્પ રૂપે તંત્ર દ્વારા આશ્રમ પહેલાં નવો માર્ગ બનાવાયો છે જે રાણીપ તરફ પૂર્ણ થશે. અત્યાર સુધી RTO બ્રીજથી આશ્રમ તરફ જતા લોકોને હવે રાણીપ થઇ નવા માર્ગનો ઉપયોગ કરવો પડશે. આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત અહીં અનેક આકર્ષણો બનવાના છે. મહાત્મા ગાંધીજીને લગતી માહિતી અને એમના ઇતિહાસને દર્શાવતા જુદા જુદા પ્રકલ્પો બનાવશે. આંતરરાષ્ટ્રીય કક્ષાનું ટુરિસ્ટ સ્પોટ બનાવવાનું અહીં આયોજન છે.

રોડને બંધ કરવાનો નિર્ણય એએમસી દ્વારા લેવામાં આવ્યો
જાણવા મળી રહ્યું છે કે, ગાંધી આશ્રમથી પસાર થતાં રોડને બંધ કરવાનો નિર્ણય એએમસી દ્વારા લેવામાં આવ્યો છે, કારણ કે સાબરમતી ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ગાંધી આશ્રમ અને તેની આસપાસના વિસ્તારને ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યો છે. જે તમામ પર પ્રક્રિયા પૂર્ણ કરી કાર્ગો મોટર્સથી કલેક્ટર કચેરી સુધીના 200 મીટરના રોડને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગ
આ રોડ બંધ થતા વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગ તરીકે કાર્ગો મોટર્સથી રાણીપ એસટી બસ સ્ટેન્ડ તરફ અંદાજિત 1 કિલોમીટરનો રોડ બનાવવામાં આવ્યો છે. રોડની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. ગાંધી આશ્રમથી કલેકટર કચેરી સુધીનો રોડ બંધ કરાશે. તેથી પાલડી, વાસણા, સરખેજ, નવરંગપુરા, એલિસબ્રિજ, વાડજ તેમજ પૂર્વના કેટલાક વિસ્તારોમાંથી કલેક્ટર કચેરીએ બસમાં આવનારા લોકોને હવે 50 મીટર જેટલું ચાલીને આવવું પડશે. 

ટ્રાફિકની સમસ્યા વધુ વકરશે
રોજના એક લાખ જેટલા વાહનો ત્યાંથી પસાર થશે. વૈકલ્પિક માર્ગ તરીકે રાણીપ એસટી બસ સ્ટેન્ડ પાસે રોડ ખોલવામાં આવ્યો છે. જોકે આ રોડ ઉપર સવારે અને સાંજના સમયે બંને ભયંકર ટ્રાફિકજામ થાય તેવી પરિસ્થિતિ ઉભી થાય તેવી શક્યતા છે. એક તરફ એસટી બસ સ્ટેન્ડમાંથી બહાર આવતી બસો અને ત્રણ બાજુથી રોડ પરથી વાહનો આવતા હોવાથી ટ્રાફિકની સમસ્યા વધુ વકરશે તેમ લાગી રહ્યું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news