જૂનાગઢના મેયરનો અનોખો અભિગમ: તમે પણ કહેશો કે વાહ મેયર હોય તો આવા નહી તો ન હોય !
Trending Photos
* શહેરમાં નવા રોડ બનતાની સાથે લોકોને મળશે તેની જાણકારી
* મેયર ધીરૂભાઈ ગોહેલનું પગલું ગુજરાતની પ્રથમ ઘટના
* નવા રસ્તા બનતાની સાથે રોડ પર લગાવાશે વિગતોના બેનર
* રોડના કામમાં ભ્રષ્ટાચાર કરનાર સામે થશે કાર્યવાહી
* પ્રજાનો ટેક્ષ અને સરકારની ગ્રાન્ટનો સદુપયોગ થાય તેવો કર્યો સંકલ્પ
જૂનાગઢ: શહેરના મેયરે એક નવતર અભિગમ અપનાવ્યો છે. શહેરમાં નવા રોડ બનતાની સાથે હવે લોકોને મળી શકશે તેની જાણકારી, જૂનાગઢના મેયર ધીરૂભાઈ ગોહેલનું આ પગલું ગુજરાતની પ્રથમ ઘટના બનશે. જેમાં કોઈ શહેરમાં નવા રસ્તા બનતાની સાથે રોડ પર તે રોડ સબંધીત વિગતોના બેનર, પોસ્ટર મારફત લોકોને તેની જાણકારી મળશે સાથે રોડના કામમાં ભ્રષ્ટાચાર કરનાર સામે કાર્યવાહી પણ કરવામાં આવશે. મેયરે પ્રજાનો ટેક્ષ અને સરકારની ગ્રાન્ટનો સદુપયોગ થાય તેવો સંકલ્પ કર્યો છે.
ભારે વરસાદથી આમ તો સમગ્ર રાજ્યમાં રસ્તાઓ બિસ્માર હાલતમાં છે, જૂનાગઢ શહેરમાં તેનું પ્રમાણ વધુ છે કારણ કે શહેરમાં ભૂગર્ભ ગટર યોજના ચાલે છે એટલે રસ્તા ખોદી નાખવામાં આાવ્યા હતા. કોરોનાને લઈને લોકડાઉન અને ત્યારબાદ ચોમાસાને લઈને રોડ રસ્તા મરમતના કામો થઈ શક્યા ન હતા, તેથી લોકોને ખરાબ રસ્તાને લઈને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જેનો દોષ ક્યાંક સત્તાપક્ષ પર ઠલવાતો હતો. ભાજપની છબી ખરડાતી હતી, જૂનાગઢમાં તો રસ્તાની હાલત એટલી ખરાબ હતી કે લોકો સોશ્યલ મિડીયામાં આ બાબતે કટાક્ષ કરતાં અને ટીકાઓ કરતાં હતા.
જૂનાગઢના મેયરે સોશ્યલ મિડીયામાં એક પોસ્ટ મુકીને ટીકાકારોની બોલતી બંધ કરી દીધી છે. જૂનાગઢ મનપામાં ભાજપના મેયર ધીરૂભાઈ ગોહેલે એક નવતર અભિગમ અપનાવ્યો અને રોડના ટેન્ડર પાસ થતાંની સાથે લોકોને રોડની જાણકારી મળી રહેશે તેવી જાહેરાત કરી છે. ચોમાસાએ હવે લગભગ વિદાય લઈ લીધી છે અને રોડ રસ્તાના કામોમાં વરસાદ અડચણ બને તેવી કોઈ સંભાવના ન હોય આગામી થોડા દિવસોમાં શહેરમાં નવા રસ્તાના કામો થવા જઈ રહ્યા છે. જે રોડ બની જતાંની સાથે તે રોડ સબંધીત માહીતીના પોસ્ટરો, બેનરો તે રોડ પર મુકવામાં આવશે, સાથે સોશ્યલ મિડીયા અને પત્રીકાઓ પણ પ્રસિધ્ધ કરીને લોકો સુધી રોડ સબંધીત વિગતો પહોંચાડવામાં આવશે.
આ વિગતોમાં કોન્ટ્રાક્ટરનું નામ, રોડની વિગતો, ટેન્ડરની શરતો અને મુદત, ગેરંટી પીરીયડ, કોન્ટ્રાક્ટર એજન્સીના માલિક અને સુપરવાઈઝરના નામ અને નંબર તથા મનપાના ચીફ ઈજનેર અને સાઈટ ઈજનેરના નામ અને નંબરની જાણકારી આપવામાં આવશે. મેયર ધીરૂભાઈ ગોહેલનું માનવું છે કે લોકો મનપાને ટેક્ષ આપે છે. સરકાર વિકાના કામો માટે પુરતી ગ્રાન્ટ આપે છે તો લોકોને તેનો લાભ મળી રહે તે માટે એક સંકલ્પ સાથે તેઓએ આ અભિગમ અપનાવ્યો છે. જેથી એક પારદર્શીતા પણ ઉભી થશે, તેમ છતાં રોડ રસ્તાના કામોમાં કોઈ ભ્રષ્ટાચાર થયાનું જણાશે તો તેની સામે કાર્યવાહી થશે તેમ પણ મેયરે જણાવ્યું હતું.
લોકોનો એવો આક્ષેપ હોય છે કે નેતાઓ કોઈ ઉદઘાટન કરે ત્યારે ત્યાં તકતીઓ મુકાય છે તો રોડ રસ્તા બને ત્યારે તેની વિગત પણ જાહેર થાય. ત્યારે રાજ્યમાં જૂનાગઢ શહેરમાં એવું પહેલીવાર બનશે કે રોડ બનતાંની સાથે તેની વિગતો પણ લોકો સમક્ષ આવશે. અને રાજ્યની આઠ મહાનગરપાલિકામાં એવી આ પ્રથમ ઘટના હશે કે જેમાં મેયરે આ પ્રકારનો કોઈ પારદર્શી અભિગમ અપનાાવ્યો હોય અને લોકોની લાગણીને માન આપ્યું હોય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે