સોખડા સ્વામિનારાયણ મંદિરના વિવાદનો આવ્યો અંત, આ મહંત બનશે નવા ગાદીપતિ

સોખડા સ્વામિનારાયણ મંદિરના હરીપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા બાદ નવા ગાદીપતિ કોણ બનશે તે વાતને લઈ વિવાદ થયો. જેમાં કેટલાક ભક્તોએ પ્રબોધ સ્વામીને ગાદીપતિ બનાવવાની માંગ કરતા વિવાદ વધુ ઘેરાયો હતો. જે મામલે મંદિરના વરિષ્ઠ સંતોએ નવા ગાદીપતિના નામનો ખુલાસો કરી વિવાદનો અંત લાવ્યા છે. જેના કારણે ઘીના ઠામમાં ઘી ઢોલાયું છે.
સોખડા સ્વામિનારાયણ મંદિરના વિવાદનો આવ્યો અંત, આ મહંત બનશે નવા ગાદીપતિ

રવિ અગ્રવાલ/વડોદરા : સોખડા સ્વામિનારાયણ મંદિરના હરીપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા બાદ નવા ગાદીપતિ કોણ બનશે તે વાતને લઈ વિવાદ થયો. જેમાં કેટલાક ભક્તોએ પ્રબોધ સ્વામીને ગાદીપતિ બનાવવાની માંગ કરતા વિવાદ વધુ ઘેરાયો હતો. જે મામલે મંદિરના વરિષ્ઠ સંતોએ નવા ગાદીપતિના નામનો ખુલાસો કરી વિવાદનો અંત લાવ્યા છે. જેના કારણે ઘીના ઠામમાં ઘી ઢોલાયું છે.

બ્રહ્મલીન હરીપ્રસાદ સ્વામીની દ્વિમાસિક પુણ્યતિથિ સંદર્ભે સોખડા મંદિરે 25 સપ્ટેમ્બરે હરિભક્તોની સત્સંગ સભા મળી હતી. જેમાં કેટલાક હરિભક્તોએ પ્રબોધ સ્વામીને નવા ગાદીપતિ બનાવવા માંગ કરી હતી. જેનો વિડિયો સામે આવતા મોટો વિવાદ થયો હતો, ત્યારબાદ આજે સોખડા મંદિરના ત્યાગ વલ્લભ સ્વામી, પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી એકસાથે મીડિયા સામે આવ્યા. જેમાં ત્રણેયે વિવાદ ખોટો હોવાની વાત કરી, સાથે જ તમામ સંતો એકજૂટ છે તેમ કહ્યું. ત્યાગવલ્લભ સ્વામીએ કહ્યું કે પ્રેમ સ્વરૂપ સ્વામીના નેતૃત્વમાં જ તમામ સંતો કામ કરશે એટલે કે સોખડા મંદિરના નવા ગાદીપતિ તરીકે પ્રેમ સ્વરૂપ સ્વામીના નામની જાહેરાત કરવામાં આવી.

પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી મીડિયા સામે એકબીજાને ગળે ભેટ્યા અને બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો હોવાની વાત ખોટી સાબિત કરી. સાથે જ પ્રેમ સ્વરૂપ સ્વામીએ કહ્યું કે મને ગાદીપતિ બનવાની કોઈ લાલસા નથી, હરી પ્રસાદ સ્વામીજીની ઈચ્છા પ્રમાણે અમે તમામ સંતો એકસાથે કામ કરીશું. સંતો વચ્ચે કોઈ ફૂટ નહિ પડાવી શકે. જ્યારે પ્રબોધ સ્વામીએ કહ્યું કે અમારી વચ્ચે વિવાદ હોવાની વાત એક અફવા છે, પ્રેમ સ્વરૂપ સ્વામીના નેતૃત્વમાં જ તમામ સંતો આગળ કામ ધપાવશે. સંપ્રદાયને ક્યારેય કોઈ તોડી નહિ શકે.

મહત્વની વાત છે કે, સોખડા મંદિરના સંતો ભલે મીડિયા સામે આવી વિવાદનો અંત આવ્યો હોવાની વાત કરે છે પણ હજી પણ કેટલાક ભક્તોની લાગણી કઈક જુદી જ છે. હજી પણ કેટલાક સંતો ગાદીપતિના નામને લઈ અસંતુષ્ટ છે, ત્યારે આગામી સમયમાં સોખડા મંદિરના ગાદીપતિને લઈ નવો વિવાદ સામે આવે તો નવાઈ નહિ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news