ઝૂંપડામાં ભણે છે આ ગામના બાળકો, દોઢ વર્ષથી નથી બની રહી શાળા

હોદના ઉકરડી ગામે મેંદ્રા વિસ્તારમાં પ્રાથમિક શાળા છે. આ શાળાની હાલત જર્જરિત હોવાથી અને નવી ઇમારત ન બનાવથી બાળકોને ઝૂપડામાં બેસીને ભણવાનો વારો આવ્યો છે.

ઝૂંપડામાં ભણે છે આ ગામના બાળકો, દોઢ વર્ષથી નથી બની રહી શાળા

દાહોદઃ એક તરફ રાજ્ય સરકાર દ્વારા સર્વશિક્ષા અભિયાન, ગુણોત્સવ તેમજ શિક્ષણનો વ્યાપ વધે તે માટે જાહેરાતો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. પરંતુ રાજ્યના અનેક અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ બાળકો ભણવામાં કષ્ટ ભોગવવો પડે છે. આવું જ એક ગામ દાહોદ જિલ્લામાં આવેલું છે. દાહોદના ઉકરડી ગામે મેંદ્રા વિસ્તારમાં પ્રાથમિક શાળા છે. આ શાળાની હાલત જર્જરિત હોવાથી અને નવી ઇમારત ન બનાવથી બાળકોને ઝૂપડામાં બેસીને ભણવાનો વારો આવ્યો છે.

ઉકરડી ગામના મેંદ્રા ફળિયામાં આવેલી આ શાળામાં 125 જેટલા બાળકો ભણે છે, અને પાંચ જેટલા શિક્ષકો ફરજ બજાવી રહ્યાં છે. દોઢ વર્ષ પહેલા શાળાની આ ઇમારત જર્જરિત થઇ ગઇ હોવાથી જૂની ઇમારત તોડીને નવી ઇમારત બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જો કે આટલો સમય વિતી ગયા પછી પણ નવી ઇમારત બની શકી નથી. જેના કારણે અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.  શિક્ષણ મેળવવા માટે વિદ્યાર્થીઓને કાચા ઝૂંપડામાં ભણલા જવું પડે છે.

Dahod

એટલું જ નહીં ઝૂંપડાની આસપાસ ગંદકીના કારણે મચ્છરો અને જીવાતોના ઢગ જોવા મળે છે. આસપાસ છાણાના ઢગલા રહેલા હોવાથી તેમા અનેકવાર ઝેરી સાંપ પણ નીકળે છે. જેથી ભણવા આવતા વિદ્યાર્થીઓને કંઇપણ થવાનો ભય સતત સતાવતો રહે છે. આસપાસ પણ કોઇ સુવિધા ન હોવાથી શિક્ષકો દ્વારા બાળકીઓ માટે બાથરૂમ માટે કાપડ અને પ્લાસ્ટિક બાંધવાની વ્યવસ્થા કરી છે. પીવાના પાણીની ટાંકી નથી, પંખાની કોઇ સુવિધા નથી, પરંતુ આ સમસ્યાઓ તરફ કોઇ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી.

Dahod-Sala

(અભ્યાસ કરતા બાળકો માટે આ છે શૌચાલય)

શું કહેવું છે વાલીઓનું
નવી શાળાની ઇમારતનું કામ ઝડપથી આગળ વધારવામાં આવે તે અંગે અનેક વાર વાલીઓ તથા શિક્ષકો તરફથી રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ હજુ સુધી કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. જેના કારણે ગ્રામજનો રોષે ભરાયા છે. વિદ્યાર્થીઓ માટે ચાલલતા મધ્યાહ્ન ભોજનમાં પણ કોઇપણ જાતના કિચન શેડ અને સુવિધા વગર ભોજન બનાવવામાં આવે છે. જો વિદ્યાર્થીઓ બીમાર પડે તો તેની જવાબદારી કોણ લેશે સહિતના પ્રશ્નો વાલીઓને સતાવી રહ્યાં છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news