એક રૂપિયામાં ચાર્જ થયેલી સાયકલથી આખુ શહેર ફરો, સૂર્યના તડકામાં તો મફતમાં ફરી શકાશે
દેશમાં કેટલાક સમયથી ડીઝલ અને પેટ્રોલના ભાવો આસમાનને આંબી ગયા છે. પેટ્રોલ અને ડીઝલે ભાવમાં સદી વટાવી છે, ત્યારે આવનાર પેઢી માટે પેટ્રોલ અને ડીઝલની અવેજીમાં અન્ય રિલાયબલ એનર્જી શોધવા ખૂબ જરૂરી છે. ત્યારે સોલર એનર્જી એટલે કે સૌર ઊર્જા થકી વાહન વ્યવહાર થાય તે ખૂબ જરૂરી છે. સંઘ પ્રદેશ દમણની પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા એક સોલર સાયકલનો પ્રોટોટાઇપ બનાવાયો છે. ઝીરો પોલ્યુશન અને સોલર એનર્જીના ઉપયોગ કરી બનાવેલ સાયકલ આવનાર પેઢી માટે ક્લીન એનર્જી સાબિત થશે.
Trending Photos
નિલેશ જોશી/દમણ :દેશમાં કેટલાક સમયથી ડીઝલ અને પેટ્રોલના ભાવો આસમાનને આંબી ગયા છે. પેટ્રોલ અને ડીઝલે ભાવમાં સદી વટાવી છે, ત્યારે આવનાર પેઢી માટે પેટ્રોલ અને ડીઝલની અવેજીમાં અન્ય રિલાયબલ એનર્જી શોધવા ખૂબ જરૂરી છે. ત્યારે સોલર એનર્જી એટલે કે સૌર ઊર્જા થકી વાહન વ્યવહાર થાય તે ખૂબ જરૂરી છે. સંઘ પ્રદેશ દમણની પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા એક સોલર સાયકલનો પ્રોટોટાઇપ બનાવાયો છે. ઝીરો પોલ્યુશન અને સોલર એનર્જીના ઉપયોગ કરી બનાવેલ સાયકલ આવનાર પેઢી માટે ક્લીન એનર્જી સાબિત થશે.
આ સાયકલને પેન્ડલ માર્યા વગર 15 કિલોમીટર સુધી એક સ્થળેથી બીજા સ્થળે મુસાફરી માટે વાપરી શકાય છે. એટલે કે આજના આધુનિક યુગમાં જ્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવો 100 રૂપિયાને વટાવી ચૂક્યા છે, ત્યારે નાના અંતરની દુરી કાપવા માટે આ સાયકલ વરદાનરૂપ સાબિત થઈ શકે છે. આ સાયકલની ખાસિયત છે કે, તે સોલર એનર્જી થકી ચાલે છે અને આ સાયકલમાં જે બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તે ઘરની લાઈટ દ્વારા પણ ચાર્જ થઇ શકે છે અને તેનો ખર્ચ માત્ર ૧ રૂપિયો આવી છે. એટલે કે દમણનો કોઈ વિદ્યાર્થી પોતાના કોલેજ આવવા માટે જો સૂર્યપ્રકાશ હોય તો મફત અને જો ચોમાસું હોય અને સૂર્ય ન હોય તો માત્ર એક રૂપિયાના ખર્ચે પોતાના ઘરથી પોતાની કોલેજ સુધીનું અંતર કાપી શકે છે. અને આ પ્રકારની સાયકલ બજારમાંથી ખરીદવામાં નથી. આ સાયકલ દમણ પોલિટેકનીક કોલેજના વિદ્યાર્થીઓએ બનાવી છે. દમણ પોલિટિકલ કોલેજના મિકેનિકલ વિભાગના ફાઇનલના વિદ્યાર્થીઓને છેલ્લા સેમેસ્ટરમાં એક પ્રોજેક્ટ રજૂ કરવાનો હોય છે. ત્યારે ૧૧ વિદ્યાર્થીઓ સાથે મળીને આ સોલર બાઈસીકલનો પ્રોટોટાઇપ બનાવ્યો છે.
દમણ કોલેજના વિદ્યાર્થી મનોજ પટેલે જણાવ્યુ કે, અમે પેટ્રોલ ડીઝલ કે સીએનજી નહિ, પરંતુ સૂર્ય ઉર્જાથી ચાલતી એક સાઈકલ બનાવી છે. માત્ર 20 હજારના ખર્ચમાં તૈયાર થયેલી આ સાયકલ સોલાર એનર્જીથી ચાલે છે. એક વખત બેટરી ચાર્જ કર્યા બાદ 15 થી 20 કિલોમીટર સુધી પેન્ડલ માર્યા વિના જ સાયકલ પર બાઈકની જેમ જ મુસાફરી કરી શકાય છે. જ્યારે ઉપયોગમાં ન હોય ત્યારે સાઇકલની બેટરી ઘરમાં પંખો લાઇટ જેવા ઉપકરણો ચાલુ કરવા પણ સાયકલની બેટરી કામ આવી શકે છે.
દમણ પોલિટેકનિક કોલેજના લેક્ચરર ચંદ્રકાંત ટંડેલે જણાવ્યુ કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા ઘણા સમયથી સોલાર એનર્જી અને મેક ઈન ઇન્ડિયાની મુહિમ ચલાવી રહ્યાં છે અને હાલ જે રીતે સમગ્ર દુનિયામાં ફોસિલ ફ્યુલ ખતમ થઇ રહ્યું છે. ત્યારે આવનાર પેઢી માટે સોલાર, વિન્ડ જેવા અન્ય ઉર્જાના અન્ય વિકલ્પ જ કામ આવશે. ત્યારે આજની નવી પેઢી અત્યારથી જ આ દિશામાં પોતાનું યોગદાન આપે તે ખૂબ જરૂરી છે. તેમાં પણ સ્કુલ અને કોલેજના વિદ્યાર્થીઓ સ્કુટી અને બાઈકને બદલે આવી સોલાર સાઇકલને અપનાવે તો ક્રૂડ ઓઇલ પાછળ ખર્ચાતું કરોડો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ પણ બચી શકે તેમ છે. અને જો આ પ્રકારની સોલાર સાઇકલનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય તો જરૂરથી તેના ભાવ પણ ઘટે અને પેટ્રોલ અને ડીઝલ જેવા પ્રદુષણ ફેલાવતા ઉર્જા સ્ત્રોતોને બદલે સૂર્ય ઉર્જા જેવી હરિત ઉર્જા ઉપયોગમાં લેવાશે તો પૃથ્વી માટે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ જેવા ખાતર પણ ઘટશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે