કામના કલાકો ઘટાડવાની શિક્ષકોની માગને શિક્ષણમંત્રીએ ફગાવી, પાટણના MLAએ ઉચ્ચારી આંદોલનની ચીમકી
- રાજ્યના પ્રાથમિક શિક્ષકોએ આઠ કલાક કરવું પડશે કામ
- કામના કલાકો ઓછા કરવાની માંગ શિક્ષણમંત્રીએ ફગાવી
- આઠ કલાકની હાજરીમાંથી નહીં મળે મુક્તિઃ શિક્ષણમંત્રી
- અન્ય વિભાગની જેમ શિક્ષકોએ આઠ કલાક આવવું જોઈએઃ ચુડાસમા
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગરઃ તાજેતરમાં જ રાજ્યના પ્રાથમિક શિક્ષકોએ અઠવાડિયામાં 45 કલાક કામ કરવું પડશે તેવો પરિપત્ર કરવામાં આવ્યો હતો. જેમાં શિક્ષકોએ સોમવારેથી શુક્રવારે રોજ 8 કલાક અને શનિવારે પાંચ કલાક કામ કરવું પડશે તેવો ઉલ્લેખ હતો. જેનો શિક્ષકો વિરોધ કરી રહ્યા છે.
બપોરની શાળાના શિક્ષકો માટે 9.30 થી સાંજે 5.30 સમય નક્કી કરવામાં આવ્યો છે..તો સવારની શાળાના શિક્ષકો માટે 7.30 થી 3.30નો સમય કરવામાં આવ્યો છે..જેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે પણ શિક્ષિકાઓ ગાંધીનગર પહોંચી હતી અને કામના કલાકોમાં ઘટાડો કરવામાં આવે તેવી માંગ કરી હતી.
જોકે, કામના કલાક ઘટાડવાની શિક્ષકોની માંગણીને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ફગાવી દીધી છે. ભૂપેન્દ્રસિંહે આ મુદ્દે સરકારનું વલણ સ્પષ્ટ કરતા જણાવ્યું હતુંકે, સરકારના અન્ય વિભાગોના કર્મચારીઓની જેમ શિક્ષકોએ પણ ફરજિયાત 8 કલાક કામ કરવું જ પડશે. કામના કલાકો અંગે જે પરિપત્ર કરવામાં આવ્યો છે તેમાં પરિવર્તન નહીં કરવામાં આવે છે. દરેક શિક્ષકે સરકાર દ્વારા નક્કી કરાયેલાં નિયમોનું પાલન કરવાનું રહેશે. આઠ કલાકની હાજરીમાંથી શિક્ષકોને મુક્તિ નહીં મળે તેવું પણ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટ કરી દીધું છે.
મહત્ત્વનું છેકે, આ મુદ્દે હવે પાટણથી કોંગ્રેસના ધારાસભ્ય ડો.કિરીટ પટેલ પણ મેદાનમાં ઉતર્યા છે. ધારાસભ્ય ડો.કિરીટ પટેલે શિક્ષકોના કામના કલાકો ઘટાડવા માગ કરી છે. કિરીટ પટેલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખીને આ મુદ્દે શિક્ષકોના કામના કલાકો ઘટાડવા માટે માગ કરી છે. સાથો-સાથ જો શિક્ષકોના કામના કલાકો નહીં ઘટાડવામાં આવે તો શિક્ષકોને સાથે રાખીને સરકાર સામે આંદોલન છેડવાની ચીમકી પણ ધારાસભ્ય કિરીટ પટેલે ઉચ્ચારી છે.
એટલું નહીં આ મુદ્દે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં કિરીટ પટેલે જણાવ્યું છેકે, અધિકારીઓનો ઈગો સંતોષવા માટે અને શિક્ષકોને દબાવવા માટે સરકારે આવો પરિપત્ર કર્યો છે. ભાજપ સરકારમાં ચૂંટાયેલાં પ્રતિનિધિઓ કંઈ કરી શકતા નથી તેઓ સરકારી અધિકારીઓ સામે સાવ લાચાર હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે