જંગલ ખૂંદવાના શોખીન ચાર ફોટોગ્રાફર મિત્રોએ ‘રાતના રાજા’નું કેલેન્ડર બનાવ્યું
Trending Photos
- સુરતના ડો. આનંદ પટેલ દ્વારા ઘુવડની થીમ પર એક કેલેન્ડર તૈયાર કરવામાં આવ્યું
- ઘુવડની થીમ પર બનાવેલા કેલેન્ડરમાં 32 ફોટોગ્રાફર દ્વારા ક્લિક કરાયેલ 37 ઘુવડના ફોટો છે
તેજશ મોદી/સુરત :પક્ષીઓ પ્રત્યે અનેક લોકોને ખૂબ પ્રેમ હોય છે, પોતાના પ્રોફેશનની સાથે તેઓ નેચરને પણ એટલું જ મહત્વ આપતાં હોય છે, ત્યારે સુરતના ડો. આનંદ પટેલ દ્વારા ઘુવડની થીમ પર એક કેલેન્ડર તૈયાર કરવામાં આવ્યું છે. ઘુવડની થીમ પર બનાવેલા કેલેન્ડરમાં સમગ્ર ભારત અને આસપાસના દેશોમાં 32 ફોટોગ્રાફર દ્વારા ક્લિક કરાયેલ 37 ઘુવડના ફોટો મુકવામાં આવ્યાં છે. આ કેલેન્ડર ડો.આનંદ પટેલ તેમજ તેમના અન્ય ત્રણ મિત્રો ડો.પંકજ મહેરીયા, ડો.પ્રજ્ઞેશ પટેલ અને વિરેન દેસાઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.
ડો.આનંદ પટેલ હાલમાં શહેરની સ્મિમેર હોસ્પિટલમાં આર.એમ.ઓ તરીકે કાર્ય કરે છે અને તેઓ એક વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર પણ છે. લોકો સુધી પક્ષીઓની માહિતી પહોંચાડવા માટે તેમણે www.birdsofindia.co.in નામની વેબસાઈટ પણ લોન્ચ કરી છે. જેમાં ભારતના 155 ફોટોગ્રાફરે 1060 પ્રજાતિની ક્લિક કરેલા 8500થી વધુ ફોટો છે. ડો આનંદ પટેલનું કહેવું છે કે અમે દર વર્ષે વિવિધ થીમ પર કેલેન્ડર તૈયાર કરાવીએ છીએ. આ વર્ષે ભારતીય ઉપખંડમાં દેખાતા ઘુવડ પર કેલેન્ડર બનાવવાનો વિચાર કર્યો. ભારતીય ઉપખંડ એટલે કે ભારત, પાકિસ્તાન, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવનો સમાવેશ થાય છે. આ ઉપખંડમાં કુલ 1400 થી વધુ પક્ષીઓ છે. જેમાં દેખાતા ઘુવડને આ કેલેન્ડરમાં સ્થાન આપવામાં આવ્યું.
આ પણ વાંચો : ગણતરીની ઘડીમાં ગુજરાતમાં પહોંચશે વેક્સીન, ખુદ નાયબ મુખ્યમંત્રી રસી લેવા એરપોર્ટ જશે
કેલેન્ડર માટે ઘુવડની પસંદગી કરવાનું કારણ તેમણે જણાવ્યું કે, ઘુવડ એવું પક્ષી છે વધારે જોવામાં આવતું નથી. તેના વિશે લોકો ઓછાં માહિતગાર હોય છે તેમજ ઘણી માન્યતાઓ છે. તેથી ઘુવડની થીમ પર કેલેન્ડર બનાવ્યું છે. જેમાં ઘુવડની દરેક પ્રજાતિ વિશે માહિતી આપવામાં આવી છે.
સમગ્ર ભારતમાંથી ફોટોગ્રાફરે ફોટો અપલોડ કર્યા હતા. જેમાંથી કુલ 37 ફોટોની પસંદગી કરાઈ હતી. કશ્મીર, મહારાષ્ટ્ર, સિક્કીમ, ગુજરાત, બેંગ્લોર જેવા રાજયોના 32 ફોટોગ્રાફર દ્વારા ક્લિક કરાયા છે. ભારતીય ઉપખંડમાં કુલ 38 ઘુવડ દેખાય છે. જેમાંથી એક ઘુવડ એવું છે જે હજી સુધી કોઈને દેખાયું નથી. જેથી આ કેલેન્ડરમાં 37 ઘુવડના ફોટો મૂકાયા છે. સાથે ઘુવડની માહિતી અપાઈ છે. 9 મહિનાની પ્રોસેસ પછી આ કેલેન્ડર તૈયાર થયું છે. અહીં એ પણ મહત્વનું છે કે લોકોમાં ઘુવડને લઈને અનેક ખોટી માન્યતાઓ પણ છે, જે દૂર કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે