અનોખી પરંપરા : વૃદ્ધાશ્રમમાં અવસાન પામનાર મહિલાઓના અંતિમ સંસ્કાર મહિલાઓ જ કરે છે

અનોખી પરંપરા : વૃદ્ધાશ્રમમાં અવસાન પામનાર મહિલાઓના અંતિમ સંસ્કાર મહિલાઓ જ કરે છે
  • શાંતિદૂત મહિલા મંડળ સંચાલિત ઘરડા ઘરમાં મહિલાઓએ અન્ય એક વૃદ્ધાની અંતિમ સંસ્કારની વિધિ કરી હતી
  • પુત્ર ન કરી શકે તેવી સેવા સુરતના શાંતિદૂત મહિલા મંડળ દ્વારા કરવામાં આવે છે

ચેતન પટેલ/સુરત :સામાન્ય રીતે મહિલાઓને અંતિમવિધિ માટે સ્મશાનમાં જવાનું હોતું નથી. પરંતુ સુરતમાં આવેલા ઘરડા ઘરમાં રહેતા વૃદ્ધાનું નિધન થતા ઘરડા ઘરની બહેનોએ વૃદ્ધાની અંતિમ વિધિ કરી પાર્થિવ દેહને મુખાગ્નિ આપી હતી. સમય બદલાયો છે, તેની સાથે પરંપરા પણ બદલાઈ છે. પરિસ્થિતિ મુજબ હવે મહિલાઓ સર્વોપરી બની રહી છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા શાંતિદૂત મહિલા મંડળ સંચાલિત ઘરડા ઘરમાં મહિલાઓએ અન્ય એક વૃદ્ધાની અંતિમ સંસ્કારની વિધિ કરી હતી. આ ઘરડા ઘરના વૃદ્ધાનું નિધન થતા મંડળની બહેનોએ કાંધ આપીને 74 વર્ષીય લલીતાબાના પાર્થિવ દેહને મુખાગ્નિ આપી હતી.

આ પણ વાંચો : શામળાજી હાઈવે પર સ્કોર્પિયોને અકસ્માત, અમદાવાદથી નીકળેલા 3 મુસાફરોના મોત

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા લંબેહનુમાન રોડ પર રામકૃષ્ણ સોસાયટીમાં શાંતિદૂત મહિલા મંડળ ઘરડાઘર આવેલું છે. જ્યાં વૃદ્ધ અને નિરાધાર મહિલાઓને આશરો આપવામાં આવે છે. મંડળના પ્રમુખ મધુબેન ખેની અને તેમના સાથીઓ દ્વારા ઘરડાઓની સેવા કરવામાં આવે છે. એટલુ જ નહિ, અહીં વૃદ્ધાઓના નિધન બાદ તેમના અંતિમ સંસ્કાર પણ ડાઘુ બનીને જાતે જ કરવામાં આવે છે. હાલમાં જ ઘરડાઘરમાં રહેતા 74 વર્ષીય લલીતાબાનું નિધન થયું હતું. ત્યારે અહીંની અન્ય મહિલાઓએ જ તેમના પાર્થિવ દેહને મુખાગ્નિ આપી હતી. 74 વર્ષીય લલીતાબા ગોપાલભાઈ રાઠોડ ઘરડાઘરમાં 3 વર્ષથી રહેતા હતાં. જેમનું મંગળવારે મોડી રાત્રે અઢી વાગ્યે અવસાન થયું હતું. તેમની સ્મશાન યાત્રા બુધવારે બપોરે 11 વાગ્યે નીકળી હતી. જેમાં આશ્રમમાં રહેતી મહિલાઓ અને કાર્યકરો તથા પ્રમુખ મધુબેન ખેની પણ જોડાયા હતાં. લલીતાબા છેલ્લા દોઢ વર્ષથી પથારીવશ હતાં. પુત્ર ન કરી શકે તેવી સેવા સંસ્થાના પ્રમુખ મધુબેન દ્વારા કરવામાં આવતી હતી.  તેથી લલીતાબાને પણ તેઓએ ભારે હૃદયે અંતિમ વિદાય આપી હતી. 

આ પણ વાંચો : સુરતથી સારા સમાચાર : કોરોનાના દર્દીઓની સંખ્યા વધી, પરંતુ ઓક્સિજનની જરૂરિયાત ઘટી

સંસ્થામાંથી 8 માતાઓના અવસાન થયા છે
આ ઘરડાઘરમાં કોઈ પણ માતા મૃત્યુ પામે તો તેની તમામ અંતિમ ક્રિયા અને બધી જ જવાબદારી સંસ્થા દ્વારા જ ઉઠાવવામાં આવે છે. એટલુ જ નહિ, મધુબેન ખેની શ્રવણ બનીને માતાઓને કાંધ પણ આપે છે. અત્યાર સુધીમાં સંસ્થામાં 8 માતાઓના અવસાન થયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news