એક યુવતીને પામવા બે યુવકો વચ્ચે ખેલાયો ખૂની ખેલ, અને વચ્ચે પડેલા ભાઈનો ગયો જીવ
Trending Photos
- લીંબાયત પોલીસે મૃતક રાજેન્દ્રના પિતા મોહનભાઇ ગીરાસેની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
- તુષાર અને જીતુ વચ્ચે વિખવાદ ચાલતો હતો. અગાઉ પણ યુવતીને લઈને બંન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી
ચેતન પટેલ/સુરત :સુરતમાં આ સામાજિક તત્વોને જાણે ખાખી વરદીનો ખૌફ ન હોય અને છૂટો દોર મળ્યો હોય તેમ એક પછી એક હત્યાના ગુનાઓને અંજામ આપતા ખચકાતા નથી. લિંબાયત વિસ્તારમાં પિતરાઈ ભાઈના ઝઘડામાં વચ્ચે પડેલા યુવાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવાયો છે. આ ઘટના બાદ સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. બીજી તરફ ઘટનાની જાણ થતા જ પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
બે યુવકોને એક યુવતી સાથે પ્રેમસંબંધ હત્યાનુ કારણ બન્યો
મૂળ મહારાષ્ટ્રના વતની અને સુરતમાં લિંબાયત ક્રિષ્નાનગર વિભાગમાં રહેતા 42 વર્ષીય મોહનભાઇ લીમ્બાભાઇ ગીરાસે હમાલીકામ કરે છે. તેમના ભત્રીજા તુષાર ઉર્ફે સેન્ડીયોને જે યુવતી સાથે પ્રેમસંબંધ છે, તે યુવતી સાથે જીતુ દિલીપ પાટીલ પણ પ્રેમસંબંધ ધરાવે છે. આ મામલે તુષાર અને જીતુ વચ્ચે વિખવાદ ચાલતો હતો. અગાઉ પણ યુવતીને લઈને બંન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. જો કે ગતરાત્રે 11.30 વાગ્યે લીંબાયત કૃષ્ણકુંજ સોસાયટી ગલી નં.2 પ્લોટ નં.138 ની સામે તુષાર તેના મિત્રો સાથે ઉભો હતો ત્યારે જીતુ તેના મિત્રો સમાધાન ઉર્ફે દાદા, વિશાલ તથા આશુ સાથે બે બાઈક પર ત્યાં આવ્યો હતો.
ભાઈને મારવા આવેલા ગુંડા સામે પડ્યો રાજેન્દ્ર
જીતુ અને તેના મિત્રોએ તુષારને ‘તુને મેરે બાઇક કા પંચર ક્યું કીયા...’ કહી ગાળાગાળી કરી હતી. જીતુએ તુષારને ‘આજ તેરે કો ખતમ કર દેને કા હૈ...’ કહી ગાલ ઉપર એક તમાચો માર્યો હતો. તે સમયે તેના પિતરાઈ ભાઈ રાજેન્દ્ર ઉર્ફે કમલેશ ઉર્ફે બંટી મોહનભાઇ ગીરાસેએ દરમિયાનગીરી કરી ‘જીતુને મેરે ભાઇ કો ક્યુ મારા...’ કહ્યું હતું. ત્યારે જીતુએ ‘યે સેન્ડીયા કા ભાઇ હૈ ઉસકો ભી ખતમ કર દો...’ કહી રાજેન્દ્રને જોરથી તમાચો માર્યો હતો.
ત્યાર બાદ વિશાલ અને આશુએ રાજેન્દ્રને પકડી રાખી જીતુ તેમજ સમાધાન ઉર્ફે દાદાએ તેને ઢીકમુક્કીનો માર માર્યો હતો. બાદ જીતુએ તેને છાતીના ભાગે જોરથી ધક્કો મારી રોડ ઉપર ફેંકી દેતા રાજેન્દ્રનું મોત નિપજ્યું હતું. જીતુ અને વિશાલ ત્યાર બાદ ચપ્પુ કાઢી તુષારને મારી નાંખવાનો પ્રયાસ કરી ત્યાંથી ભાગી છૂટ્યા હતા. બનાવની જાણ થતા દોડી ગયેલી લીંબાયત પોલીસે મૃતક રાજેન્દ્રના પિતા મોહનભાઇ ગીરાસેની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે