સુરતના નાનપુરામાં લઘુમતિ સમાજના કાર્યક્રમમાં માથાકૂટ, પોલીસનો લાઠીચાર્જ
દેશમાં થઈ રહેલી મોબ લિંચિંગની ઘટનાના વિરોધમાં એક રેલીનું આયોજન કરાયું હતું. જેમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા પોલીસના વાહનોમાં તોડફોડ કરાતાં વાતાવરણ બન્યું તંગ
Trending Photos
સુરતઃ સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં લઘુમતિ સમાજ દ્વારા આયોજિત એક રેલી દરમિયાન અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવતા વાતાવરણ તંગ બન્યું હતું. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. પોલીસે લાઠીચાર્જ કરીને લોકોને ભગાડી મુક્યા હતા.
પ્રાથમિક માહિતી અનુસાર સુરત શહેરના સ્થાનિક આગેવાન હસન સાઈકલવાલા દ્વારા મોબ લિંચિંગના વિરોધમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના માટે પોલીસની મંજૂરી પણ લેવામાં આવી હતી. રેલી દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા રેલીની આગળ ચાલી રહેલી પોલીસ કમિશનરની ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી.
અસામાજિક તત્વો દ્વારા પોલીસના વાહનો ઉપરાંત શહેરની ત્રણ જેટલી સીટી બસમાં તોડફોડ કરવામાં આવી હતી. અચાનક પથ્થરમારો થતાં લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. પોલીસને ટિયરગેસના શેલ છોડીને લોકોને દૂર ભગાડી મુક્યા હતા. સ્થાનિક પીઆઈ દ્વારા હવામાં 5 રાઉન્ડ ગોળીબાર પણ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ પર હુમલા પછી વધ્યું ઘર્ષણ
મોબ લિંચિંગના વિરોધમાં લગભગ 2 હજારથી વધુ મુસ્લિમ સમુદાયના લોકો રેલી કાઢીને નિકળ્યા હતા. આ દરમિયાન રેલીમાં રહેલા અસામાજિક તત્વોએ પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. સાથે જ પોલીસના અન્ય વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. જેના કારણે પોલીસે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે તાત્કાલિક ધોરણે લાઠીચાર્જ કરીને ટોળાને વિખેરી નાખ્યું હતું. એક પીઆઈ દ્વારા ટોળાને ભગાડી મુકવા માટે હવામાં 5થી 6 રાઉન્ડ ગોળીબાર પણ કર્યો પડ્યો હતો. ટોળા દ્વારા શહેરની સીટી બસ સેવાની 3 જેટલી બસમાં નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
હાલ પરિસ્થિતિ કાબુમાં
પોલીસે ટિયરગેસના શેલ, લાઠીચાર્જ કરીને પરિસ્થિતિને કાબુમાં લઈ લીધી છે. હાલ, સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં પોલીસ, સીઆરપીએફનો કાફલો ઉતારીને પરિસ્થિતિને કાબુમાં લઈ લેવાઈ છે. પોલીસ દ્વારા આ સંદર્ભમાં કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે.
અટકાયતનાં પગલાં
પોલીસ પર હુમલાની ઘટના પછી સુરત શહેરની અઠવા પોલીસ દ્વારા રેલીના આયોજકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે આ ઘટનાના સંદર્ભમાં હાલ હસન સાઈકલવાલા, વકીલ બાબુ પઠાણ સહિત 15થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે.
જૂઓ LIVE TV.....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે