રસ્તા પર જતા આ કામ કર્યું તો પડી શકે છે ભારે! ગુજરાતના આ શહેરમાં સૌથી વધુ બની રહ્યા છે કેસ

રાંદેર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમીના આધારે પોલીસે બે મોબાઇલ સ્નેચર અને સ્નેચિંગ કરાયેલા મોબાઈલ ખરીદનારા બે ઈસમો આમ કુલ મળીને ચાર ઇસમોને ઝડપી પાડ્યા છે.

રસ્તા પર જતા આ કામ કર્યું તો પડી શકે છે ભારે! ગુજરાતના આ શહેરમાં સૌથી વધુ બની રહ્યા છે કેસ

ચેતન પટેલ/સુરત: શહેરમાં મોબાઇલ સ્નેચિંગની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ સુરતની રાંદેર પોલીસને મોબાઈલ સ્નેચરોને પકડવામાં મોટી સફળતા મળી છે. પોલીસ દ્વારા બે મોબાઇલ સ્નેચર અને બે રીસીવર આમ કુલ મળી 4 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી 114 મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. આરોપીની પૂછપરછ દરમિયાન 31 ગુનાનો ભેદ સુરત પોલીસે ઉકેલ્યો છે. તો આ કામગીરી કરવા બદલ રાંદેર પોલીસને સુરત પોલીસ કમિશનર દ્વારા ઇનામની જાહેરાત પણ કરવામાં આવી છે. 

રાંદેર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમીના આધારે પોલીસે બે મોબાઇલ સ્નેચર અને સ્નેચિંગ કરાયેલા મોબાઈલ ખરીદનારા બે ઈસમો આમ કુલ મળીને ચાર ઇસમોને ઝડપી પાડ્યા છે. મોબાઈલ સ્નેચરોમાં જમીલ હનીફ શા અને અરબાઝ ઉર્ફે માંજરા પઠાણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મોબાઇલ ફોનની ખરીદી કરનાર એટલે કે રીસીવરમાં મોહમ્મદ હુસેન અને સાહિલ સૈયદની ધરપકડ કરવામાં આવી છે. રાંદેર પોલીસ દ્વારા આ ઈસમો પાસેથી 114 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. જેની કિંમત 11 લાખ રૂપિયા થવા પામે છે. આ ઉપરાંત એક બજાજ પલ્સર કે ઓટો રીક્ષા તેમજ એક બર્ગમેન બાઈક સહિત ત્રણ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. આમ પોલીસ દ્વારા રોકડા રૂપિયા એક લાખ મળી કુલ 14 લાખ 60 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

રાંદેર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર તથા સર્વવેલન્સની ટીમ દ્વારા મારી સોસાયટી સુરક્ષિત સોસાયટી ઝુંબેશ અંતર્ગત જન ભાગીદારીમાં અલગ અલગ સોસાયટીઓ તેમજ રોડ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.  આ કેમેરાના ફૂટેજ પોલીસ પણ ચેક કરી શકે છે. તેથી રાંદેર પોલીસ સ્ટેશનના સર્વલન્સ સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમ બનાવી સીસીટીવી સર્વેલન્સ હાથ ધર્યું હતું અને અલગ અલગ જગ્યા ઉપર મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપતા મોબાઈલ સ્નેચરોને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 

પોલીસે જે આરોપીની ધરપકડ કરી છે તેમાંથી મોહમ્મદ હુસેન નામનો આરોપી પોલીસને તપાસ દરમિયાન અલગ અલગ જવાબ આપી રહ્યો હતો. આરોપીય સૌપ્રથમ તો પોલીસને કહ્યું હતું કે હું એસી રીપેરીંગનું કામ કરું છું મને કેમ હેરાન કરો છો. મારી પાસે એક પણ ચોરીનો મોબાઇલ નથી. ત્યારબાદ પોલીસે ઊંડાણપૂર્વક આરોપીની પૂછપરછ કરી અને તપાસ બાદ અલગ અલગ જગ્યા ઉપર રાખેલા 109 મોબાઈલ તેમજ એક લાખ રૂપિયા રોકડા આરોપી પાસેથી કબજે કરવામાં આવ્યા. 

પકડાયેલ સ્નેચર જમીલ શાકભાજી વેચવાનો ધંધો કરે છે અને રાંદેરના મોરાભાગળ ખાતે રહે છે. આ ઉપરાંત સ્નેચર અરબાજ ઉર્ફે માંજરો ચિકનની દુકાનમાં નોકરી કરતો હતો. રીસીવર મોહમ્મદ હુસેન એસી રીપેરીંગનું કામ કરતો હતો અને શાહિદ ઉર્ફે લીટી સૈયદ રીક્ષા ચલાવવાનું કામ કરતો હતો. જો કે આ તમામ આરોપીઓને પોતાના રેગ્યુલર કામમાં ઓછા પૈસા મળતા હોવાના કારણે સરળતાથી મહેનત વગર પૈસા કમાવા માટે અને હાઈ પ્રોફાઈલ જીવન શૈલી જીવવા માટે મોટર સાયકલ પર સુરતના અલગ અલગ ધાર્મિક સ્થળો, બાગ બગીચા તેમજ જાહેર જગ્યા પર ફરી તકનો લાભ ઉઠાવી મોબાઈલ સ્નેચિંગની ઘટનાને અંજામ આપતા હતા. ત્યારબાદ આ મોબાઇલનો આરોપીઓ એકબીજાની મદદગારીથી ગુજરાત રાજ્ય બહાર વેપલો કરવાના મૂડમાં હતા પરંતુ એ પહેલા જ પોલીસે તેમને ઝડપી પાડ્યા. 

મહત્વની વાત છે કે આરોપીઓ સવારે 6 વાગ્યાથી લઈ 9 વાગ્યા વચ્ચે તેમજ સાંજે 4 વાગ્યાથી લઈ 7 વાગ્યા વચ્ચે મોબાઈલ સ્નેચિંગની ઘટના આપતા હતા. સવારના સમયે આરોપીઓએ 16 મોબાઈલ સ્નેચિંગની ઘટન આપ્યો છે અને સાંજના સમયે 15 ઘટનાઓને અંજામ આપ્યો છે. આમ 31 જેટલા ગુનાઓ આરોપી દ્વારા આચરવામાં આવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news