સુરતને સાયકલ સિટીની ઓળખ આપશે આ મહાકાય સ્કલ્પચર

સુરતને સાયકલ સિટીની ઓળખ આપશે આ મહાકાય સ્કલ્પચર
  • ભૂતપૂર્વ બેન્કર અને બાઈસિકલ મેયર સુનિલ જૈન દ્વારા અત્યાર સુધીમાં ૧૦૦૦ જેટલી વેસ્ટ સાઈકલ એકત્ર કરવામાં આવી
  • 200 સાઈકલ કે જે રીપેર થઈ શકે તેવી ન હતી. તેનો ઉપયોગ કરીને એક ખાસ સ્કલ્પચર બનાવવામાં આવ્યું

ચેતન પટેલ/સુરત :ગઈકાલે વિશ્વ સાયકલ દિવસ હતો. ગ્લોબલ વોર્મિગને નાથવા માટે સાયકલનું મહત્વનું યોગદાન સાબિત થઈ શકે તેમ છે. બદલાતા પર્યાવરણ સાથે માણસે જાતને હેલ્ધી રાખવું બહુ જ જરૂરી છે. જે સાયકલથી શક્ય છે. ત્યારે સુરતને સાઈકલ સિટી તરીકેની ઓળખ અપાવવા માટે ૨૦૦ વેસ્ટ સાયકલમાંથી એક મોટું સ્કલ્પચર બનાવવામાં આવ્યું છે. 17 ફૂટની ઊંચાઈ અને ૩.૫ ટનનું વજન ધરાવતું આ સ્કલ્પચર બનાવવામાં ૩ મહિનાથી વધુ સમય લાગ્યો છે. 

સુરત શહેર તેમજ કોલેજોમાં હજારોની સંખ્યામાં સાયકલ ધૂળ ખાઈ રહી છે અને આ વેસ્ટ થયેલી સાયકલોને રિસાઇકલ કરી જરૂરિયાતમંદોને આપવાનો ખાસ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. જેનો મુખ્ય હેતુ પર્યાવરણની જાળવણી છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ વિશ્વમાં સાયકલને પ્રમોટ કરવા માટે અનેક અભિયાન ચલાવી રહ્યું છે. જેને માટે ૨૦૩૨ સુધીનો સમય આપવામાં આવ્યો છે. ત્યારે સુરત પણ તે દિશામાં કામ આગળ ધપાવી રહ્યું છે. ભૂતપૂર્વ બેન્કર અને બાઈસિકલ મેયર સુનિલ જૈન દ્વારા અત્યાર સુધીમાં ૧૦૦૦ જેટલી વેસ્ટ સાઈકલ એકત્ર કરવામાં આવી છે. આ સાયકલ રિપેર કરીને જરૂરિયાતમંદોને આપવામાં આવે છે. 

રિપેર ન થઈ શકે તેવુ સાયકલોનું સ્કલ્પચર બનાવ્યું 
જોકે તમામ સાયકલ રિપેર થઈ શકે તેમ નથી. તેમાંથી 200 સાઈકલ કે જે રીપેર થઈ શકે તેવી ન હતી. તેનો ઉપયોગ કરીને એક ખાસ સ્કલ્પચર બનાવવામાં આવ્યું છે. શહેરના જ આર્કિટેક્ટ દ્વારા તેનું સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યું છે. આ સ્કલ્પચરની ઊંચાઈ 17 ફૂટની અને વજન ૩.૫ ટન છે. ૩ મહિનાથી વધુ સમયગાળા દરમિયાન ૭ કારીગરોએ મળીને તેને તૈયાર કર્યું છે. 

સ્કલ્પચરને કલર આપવાનો બાકી 
જોકે તેનું કલરકામ હજી બાકી છે. કલર કરીને સ્કલ્પચરને અર્ધગોળાકાર આકાર અપાયો છે. જેથી પૃથ્વી પર મુવમેન્ટ થતી સાયકલ જેવો નજારો દેખાશે. સાયકલની મુવમેન્ટ માટે કાઈનેટિક એનર્જીથી વ્હીલ ફરી શકે તેવી રીતે પતરાને ટીપીને 72 સ્કોપ બનાવ્યા છે. સ્કલ્પચરની નીચે બે ફૂટના આઈબીમ ગડર મુકાયા છે. જેનાથી તેને સ્ટેબિલિટી મળશે. 

લોકો સાયકલ ગરીબોની છે તેવી માનસિકતા બદલે 
બાઈસીકલ મેયર સુનિલ જૈને કહ્યું કે, સુરત મ્યુનિ. હંમેશા સાઈકલને પ્રમોટ કરવામાં આગળ રહી છે. જો કે હજી પણ લોકો સાયકલને ગરીબોના વ્હીકલ તરીકે જ સમજે છે. લોકો વિચારે છે કે, મજબૂરીમાં લોકો તેનો ઉપયોગ કરે છે. લોકોને આ માનસિકતાથી બહાર કાઢી સાઈકલને તેનું યોગ્ય સ્થાન અપાવવા માટે આ સ્કલ્પચર બનાવાયું છે. ૨૦૦ જેટલી વેસ્ટ સાયકલમાંથી આ અનોખું સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યું છે. જે સુરતને સાઈકલ સિટી તરીકેની ઓળખ અપાવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news