સુરત આગકાંડ: માતાએ ખુબ ના પાડી...છતાં અંશ ટ્યૂશન ગયો અને કાળમુખી આગનો ભોગ બની ગયો

સુરતના આગકાંડમાં અનેક એવી બાબતો સામે આવી છે જેને વર્ષો સુધી સુરતીલાલાઓ ભુલાવી નહીં શકે. આગની જ્વાળામાં સ્વાહા થયેલા 22 વિદ્યાર્થીઓ પેકી અંશ મનસુખભાઈ ઠુમ્મરની આકસ્મિક વિદાય તેના પરિજનો માટે કાયમી સંભારણું બનીને રહેશે.

સુરત આગકાંડ: માતાએ ખુબ ના પાડી...છતાં અંશ ટ્યૂશન ગયો અને કાળમુખી આગનો ભોગ બની ગયો

તૃષાર પટેલ, સુરત: સુરતના સરથાણાની ઘટનાના એક દિવસ બાદ આજે મૃત્યુ પામેલા બાળકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. હતા 20 બાળકોના મૃતદેહને અગ્નિસંસ્કાર માટે સુરતના અશ્વિનીકુમાર લઈ જવાયા ત્યારે તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા. ભારે ભાવનાશીલ દ્રશ્યો આ સમયે સર્જાયા હતા અને હજી સુધી લોકો આ આઘાતમાંથી બહાર નથી આવી શક્યા. સુરતના આગકાંડમાં અનેક એવી બાબતો સામે આવી છે જેને વર્ષો સુધી સુરતીલાલાઓ ભુલાવી નહીં શકે. આગની જ્વાળામાં સ્વાહા થયેલા 22 વિદ્યાર્થીઓ પેકી અંશ મનસુખભાઈ ઠુમ્મરની આકસ્મિક વિદાય તેના પરિજનો માટે કાયમી સંભારણું બનીને રહેશે. કેમ કે અંશ માટે ગઈકાલનો ગોઝારો દિવસ તેના ટ્યૂશનનો છેલ્લો દિવસ હતો અને આ કમભાગી ઘટનામાં તે દિવસ તેની જિંદગીનો અંતિમ દિવસ બનીને રહી ગયો.

અંશની આ પ્રકારની વિદાયને તેના પરિજનો હજી સુધી સ્વીકારવા તૈયાર નથી. સુરતના અશ્વિનીકુમાર રોડ પર આવેલ મોદી મહોલ્લામાં રહેતા મનસુખભાઇ ઠુમ્મરના એકના એક પુત્રનું આ ઘટનામાં કરુણ મોત નીપજ્યું છે. અંશના પરિવારમાં બે બહેનો અને માતા પિતાનો સમાવેશ થાય છે. અંશના પિતા મનસુખભાઈ ડાઈમંડના કારખાનામાં હીરા ઘસવા જાય છે જ્યારે માતા ઘરે બેસીને સાડીઓ પર ટીલ્લા ચિપકાવી રોજગારી મેળવે છે. પુત્ર અંશને ખૂબ આગળ સુધી અભ્યાસ કરાવવાના સપના જોઈને આ ઠુમ્મર પરિવારે પેટે પાટા બાંધીને અંશને ધોરણ 11 સુધી અભ્યાસ કરાવ્યો અને અંશ જ્યારે ધોરણ 12માં આવ્યો ત્યારે તેણે તક્ષશિલા આર્કેડ ખાતે ટ્યૂશન કલાસ જોઈન કર્યા. પેટે પાટા બાંધીને પોતાના બાળકને અભ્યાસ કરાવતા ઠુમ્મર દંપત્તિને મનમાં સહેજ પણ અંદેશો ન હતો કે અંશના ટ્યૂશનનો છેલ્લો દિવસ તેના જીવનનો છેલ્લો દિવસ બની જશે. ગઇકાલે અંશના ટ્યૂશનનો છેલ્લો દિવસ હતો અને તેથી જ તેના માતાએ અંશને છેલ્લા દિવસે ટ્યૂશન નહીં જવાનું સૂચન કર્યું હતું પરંતુ અંશે માતાને ટ્યૂશનમાં છેલ્લો દિવસ ત્યારે પોતાના મિત્રો અને ટીચરને મળી આવવાનીએ વાત કરતાં તેની માતાએ તેને ટ્યૂશન મોકલ્યો હતો અને ત્યાર બાદ આગની ઘટના બનતાં માસૂમ અંશનો આગજનીમાં ભોગ લેવાઈ ગયો હતો. ટ્યૂશનનો અંતિમ દિવસ એકના એક પુત્રની જિંદગીનો અંતિમ દિવસ બની જતા ઠુમ્મર પરિવારના માથે આભ તૂટી પડ્યું છે.

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે સુરતના સરથાણા ખાતેના તક્ષશિલા આર્કેડના ટેરેસના ભાગ પર ગેરકાયદે બાંધકામ કરી ટ્યૂશન ક્લાસ ચલાવવામાં આવતો હતો. ત્યાં રોજ સેંકડો વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં હતાં છતાં ફાયર સેફ્ટી અંગે ઉદાસીનતા સેવવામાં આવી હતી. પરિણામે શુક્રવારે જ્યારે શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણસર આગ લાગી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ક્લાસમાં હાજર 50થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ફસાઈ ગયા હતાં. 22 જેટલાં બાળકો આગની લપેટમાં આવી જતાં મૃત્યુ પામ્યા જ્યારે કેટલાક બાળકોએ ચોથા માળથી ઝંપલાવી દીધું હતું. આ ઘટનાના હૃદય હચમચાવી નાંખે તેવા વિડીયો સોશિયલ મિડીયામાં પણ વહેતાં થયા હતાં. આગકાંડના બનાવના બીજા દિવસે હતભાગી વીસ વિદ્યાર્થીઓના સુરતના અશ્વિનીકુમાર સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તમામ વિદ્યાર્થીઓને સુરતની જનતાએ ભારે હૈયે વિદાય આપી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news