સુરતમા કરફ્યૂની જાહેરાત થતા જ લગ્નના ઓર્ડર રદ થયા, માસ્ક વગર ફરતા લોકોનું ટેસ્ટીંગ શરૂ

સુરતમા કરફ્યૂની જાહેરાત થતા જ લગ્નના ઓર્ડર રદ થયા, માસ્ક વગર ફરતા લોકોનું ટેસ્ટીંગ શરૂ
  • સુરત મહાનગર પાલિકા દ્વારા એસટી ડેપો પર માસ ટેસ્ટીગ શરૂ કરાયું છે. માસ્ક વગરના મુસાફરોને પકડી પકડીને ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.
  •  સવારે વોકિંગ કે ચાની કીટલી કે પછી રોડ પર ભેગા થયેલા ટોળાને સમજાવાની કામગીરી કરવામાં આવી રહી છે

ચેતન પટેલ/સુરત :ગુજરાતના ત્રણ શહેરોમાં આજ રાતથી કરફ્યૂ લાગવાનું છે. જેમાં સુરત શહેર પણ સામેલ છે. સુરતમાં પણ આજ રાતથી કરફ્યૂ (surat curfew) લાગશે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા તે માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સુરત પાલિકા દ્વારા આજે અનોખુ અભિયાન શરૂ કરાયું છે. કોરોનાની સ્થિતિ વધુ ન વકરે તે માટે આજે શનિવારથી જ પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. 

લગ્ન માટે ખાસ મંજૂરી લેવી પડશે
સુરતમાં કરફ્યૂ વિશે માહિતી આપતા સુરત પોલીસ કમિશનર અજય તોમરે કહ્યું કે, સુરતમાં પણ રાત્રે 9 થી સવારે 6 સુધી કરફ્યૂ રહેશે. સુરતમાં કોઈ પણ અવરજવર પર પ્રતિબંધ રહેશે. સુરતના બજારોમાં ભીડને લઈ સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે લોકોએ ઘરમાંથી બહાર નીકળવું નહિ. પેટ્રોલ પંપ, વીજ કંપની, તથા અન્ય સેવાકીય વિભાગ શરૂ રહેશે. તો લોકોએ લગ્ન માટે તંત્ર પાસેથી ખાસ મંજૂરી લેવી પડશે. 

આ પણ વાંચો : અમદાવાદમાં કરફ્યૂનો કડક અમલ, પોલીસનો કાફલો રસ્તા પર ઉતર્યો,  એરપોર્ટ પર આવેલા મુસાફરો અટવાયા 

લોકોના પકડી પકડીને ટેસ્ટ કરાવાઈ રહ્યાં છે 
સુરત મહાનગર પાલિકા દ્વારા એસટી ડેપો પર માસ ટેસ્ટીગ શરૂ કરાયું છે. માસ્ક વગરના મુસાફરોને પકડી પકડીને ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તેવા પ્રયાસો પાલિકા દ્વારા કરવામા આવી રહ્યાં છે. દરેક મુસાફરોના ટેમ્પરેચર ચેક કરાઈ રહ્યા છે. ટેસ્ટ પોઝિટિવ આવનાર લોકોને સમરસ હોસ્ટેલમાં ખસેડવામાં આવી રહ્યા છે.

ચાની કીટલી પર ભેગા થયેલા લોકોને સમજાવાયા
સુરત પાલિકા દ્વારા અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સુરતમાં કોરોના સ્થિતિ જે વધી રહી તેને લઈ લોકો સુધી પહોંચવા પાલિકા તંત્ર એલર્ટ બન્યું છે. સવારે વોકિંગ કે ચાની કીટલી કે પછી રોડ પર ભેગા થયેલા ટોળાને સમજાવાની કામગીરી કરવામાં આવી રહી છે. પાલિકાના અધિકારીઓ બેનરો સાથે લોકોને સમજાવી રહ્યાં છે. 

સુરતમાં કરફ્યૂને કારણે લગ્ન પ્રસંગો અટવાયા 
સુરતમાં આજ રાતથી કરફ્યૂનો અમલ થશે. ત્યારે સુરતની અનેક હોટેલોને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. જે અંગે આજે મુખ્યમંત્રીને રજૂઆત કરાશે. 1500 જેટલા લગ્ન માટે હોટલો બૂક થઈ હતી. ત્યારે કરફ્યૂની જાહેરાતને લઈને ધીરે ધીરે ઓર્ડર રદ્દ થઇ રહ્યા છે. લોકડાઉન બાદ કર્મચારીઓને ખર્ચો કરી બોલાવાયા હતા. ત્યારે હવે નુકસાનીનું ભરપાઈ કોણ કરશે? મોટાભાગના હોટલ માલિકોએ બેંકમાંથી લોન લીધી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news