ગુજરાતના મોટા શહેરનો અજીબ કિસ્સો : દેવુ વાળવા પતિએ પત્નીની કાર ચોરી કરાવી

Husband Stolen Wife Car : સુરત શહેરમાં માનવામાં ન આવે તેવો કિસ્સો બન્યો. એક પતિના માથે દેવુ થઈ જતા તેણે મિત્રને પત્નીની કાર આપીને તેની ચોરી કરાવી... ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન ગયેલી પત્ની સામે ખૂલ્યો પતિનો ભાંડો
 

ગુજરાતના મોટા શહેરનો અજીબ કિસ્સો : દેવુ વાળવા પતિએ પત્નીની કાર ચોરી કરાવી

Surat News ચેતન પટેલ/સુરત : સુરતના ઉધના વિસ્તારમાં માથે થયેલ દેવું વાળવા પતિ દ્વારા જ પત્નીની કાર ચોરી કરાવવામાં આવી હતી. પત્નીએ નોંધાવેલી કાર ચોરીની ફરિયાદ બાદ ઉધના પોલીસની તપાસ દરમિયાન મહિલાના પતિનો ભાંડો ફૂટી ગયો હતો. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ઉધના પોલીસે કાર ચોરીના ગુનાનો ભેદ મુકેલી કાઢ્યો હતો. એટલું જ નહીં પરંતુ પોલીસ તપાસમાં પતિ દ્વારા પોતાના મિત્ર પાસે જ આ કાર ચોરી કરાવી હોવાનું બહાર આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. જ્યાં કાર ચોરીના ગુનામાં હાલ પતિની ધરપકડ કરી આગળની તપાસ ઉધના પોલીસે હાથ ધરી છે.

સુરતના ઉધના વિસ્તારમાં અજીબો-ગરીબ કિસ્સો સામે આવ્યો છે. ઉધના પોલીસ ચોપડે નોંધાયેલ કાર ચોરીના ગુનામાં મહિલા પતિ દ્વારા જ કાર ચોરી કરાવવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઉધના પોલીસ મથકેથી મળતી જાણકારી અનુસાર, ઉધના પોલીસ મથક હદ વિસ્તારમાં રહેતા કંચનબેન રાજપુત દ્વારા ઉધના પોલીસ મથકમાં કાર ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કંચન બેને ઉધના પોલીસ ચોપડે આપેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર, છઠ્ઠી જાન્યુઆરીના રોજ મોડીરાત્રીના સમય દરમિયાન તેમના ઘર બહાર પાર્ક કરેલી સ્વિફ્ટ ડિઝાયર કાર અજાણ્યો ચોર શખ્સ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. 

કંચનબેનની ફરિયાદના આધારે ઉધના પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. ઉધના પોલીસે સોસાયટીની આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ અને ટેકનીકલ સર્વેલન્સ આધારે ગુના નો ભેદ ઉકેલી કાઢવા કમર કસી હતી. દરમ્યાન પોલીસ તપાસમાં કારની ચોરી કોઈ અજાણ્યા ચોર શખ્સે નહીં પરંતુ મહિલાના પતિ દ્વારા જ ચોરી કરાવવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો.

ઉધના પોલીસ દ્વારા કંચનબેનના પતિ ગોવર્ધન સિંહ લક્ષ્મણસિંહ રાજપુતની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. જે પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે, પોતાના માથે દેવું થઈ જવાના કારણે તેની સરભરા કરવા પોતે આ કાર તેના મિત્ર ઇકબાલ પઠાણ પાસે ચોરી કરાવી હતી. જે માટે ઈકબાલ પઠાણને કારની ચાવી પણ પોતે આપી હતી. વાહનો પર મોર્ગેજ લોન લેવામાં આવી હતી. જેના કારણે દેવું થઈ જતા તે લોન ની ભરપાઈ કરી શકતો નહોતો. જેથી કારચોરીનો પ્લાન બનાવ્યો હોવાની હકીકત પોલીસને જણાવી હતી.

ઉધના પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલ કાર પણ કબજે લઈ ફરાર મિત્રની શોધ ખોળ હાથ ધરી છે. જોકે ઉધના વિસ્તારમાં સામે આવેલા કિસ્સાને લઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જ્યાં આરોપી પતિએ અંતે પોલીસ સ્ટેશનની હવા ખાવાનો વારો આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news