સુરત APMC માટે કચરો બન્યું કરોડોની કમાણીનું સાધન, 35 ટન કચરામાંથી બને છે 800 કિલો CNG

Best From Waste : સુરત એપીએમસી રોજ ભેગા થતા શાકભાજીના કચરાને એકઠો કરીને તેમાંથી ગેસ ઉત્પન્ન કરે છે... APMC ગુજરાત ગેસને બાયો સીએનજી ગેસ વેચી એપીએમસી લાખો રૂપિયાની કમાણી કરે છે

સુરત APMC માટે કચરો બન્યું કરોડોની કમાણીનું સાધન, 35 ટન કચરામાંથી બને છે 800 કિલો CNG

Surat News ચેતન પટેલ/સુરત : સુરત શહેરમાં વેસ્ટમાંથી બેસ્ટ મુદ્દે સુરત APMCની સરાહનીય કામગીરી સામે સામે સુરત APMC માંથી રોજ નીકળતા ૩૫ ટન કચરામાંથી ૮૦૦ કિલો CNG બને છે. ૨૦૧૮માં ઓર્ગેનિક ખાતર અને બાયોગેસ બનાવવાનો પ્લાન્ટ શરૂ કરાયો છે

ડાયમંડ અને સિલ્ક સિટી તરીકે ઓળખાતા સુરતની દેશમાં એક આગવી ઓળખ છે. સ્વચ્છતાની બાબતમાં પણ સુરત શહેર અગ્રેસર છે. વેસ્ટનો ઉપયોગ કરી બેસ્ટ વસ્તુ બનાવી લાખો રૂપિયાની આવક મેળવવાનો કીમિયો સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ શોધી કાઢ્યો છે. અત્યાર સુધી દરરોજ એપીએમસી માર્કેટમાં 40 થી 50 ટન સુધી શાકભાજીનું વેસ્ટ ભેગું થતું હતું. જેને હટાવવા માટે લાખો રૂપિયા મહાનગર પાલિકાને આપવામાં આવતા હતા. આજ શાકભાજીનો ઉપયોગ કરી ગેસનું ઉત્પાદન અને ખાતર બનાવી કરોડો રૂપિયા કમાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે APMC ગુજરાત ગેસને બાયો સીએનજી ગેસ વેચી એપીએમસી લાખો રૂપિયાની કમાણી કરી રહી છે.

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. એપીએમસી માર્કેટ યાર્ડમાંથી નીકળતા શાકભાજીના કચરામાંથી સીએનજી ગેસ બનાવી દર મહિને રૂ. ત્રણ લાખ જેટલી આવક કરવામાં આવી રહી છે. વર્ષ ૨૦૧૮ માં એપીએમસી દ્વારા કચરામાંથી ઓર્ગેનિક ખાતર અને બાયોગેસ બનાવવાનો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં દરરોજ ૮૦૦ કિલો સીએનજી બને છે. જે માટે ૩૫ ટન શાકભાજીના કચરાનો ઉપયોગ કરવામાં આવે છે. 

આ પ્લાન્ટની ક્ષમતા ૧૨૦૦ કિલો સીએનજી બનાવવાની છે. જે માટે ૫૦ ટન જેટલા શાકભાજીના કચરાની જરૂર હોય છે. આ ઉપરાંત અહીં દરરોજ ૮,૦૦૦ લિટર લિક્વિડ ઓર્ગેનિક ખાતર બને છે. જે ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. નજીવી કહી શકાય એવી ફક્ત રૂ. ૩ની કિંમતે એક લિટર ઓર્ગેનિક ખાતર ખેડૂતોને અપાય છે. ૨૦૧૮ની સાલમાં ઓર્ગેનિક ખાતર અને બાયોગેસ બનાવવાનો પ્લાન્ટ શરૂ કરાયો હોય હાલમાં તેનું મહત્તમ ઉપયોગ કરવાની સાથે જ ૮૦૦ કિલો સીએનજી બનાવવામાં આવે છે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આ પ્લાન્ટ નાંખવામાં આવ્યો છે. આખા માર્કેટ યાર્ડમાંથી નીકળતા કચરામાંથી ઓર્ગેનિક ખાતર તેમજ સીએનજી ગેસ બને છે.

 

દરરોજ નીકળતા શાકભાજીના વેસ્ટનો આટલો સરસ ઉપયોગ કરી રૂપિયા કમાવવાનું આયોજન જરૂરથી દેશની અન્ય એપીએમસીઓ માટે દિશા આપનારું સાબિત થશે. અહીં મહત્વની વાત એ પણ છે કે એક તરફ શાકભાજીના વેસ્ટથી બાયો સીએનજી ઉત્પાદન કરી તેનું વેચાણ કરી એપીએમસી લાખો રૂપિયા કમાવી રહી છે, પરતું ગેસ ઉત્પાદન કર્યા બાદ જે વેસ્ટ વધ્યું છે તેનું ખાતર તરીકે વેચાણ પણ કરી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news