ચોંકાવનારો રિપોર્ટ : અમેરિકા જવાના ખ્વાબ જોનારા ગુજરાતીઓ બની રહ્યાં છે અંધશ્રદ્ધાળુ

Superstition : એક તરફ ચાંદ ઉપર પહોંચવાની વાત ચાલી રહી છે ત્યારે આજના આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધાના કિસ્સાઓમાં વધારો થયો.... સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં આવતા અંધશ્રદ્ધાના કેસમાં વધારો થયો... વિછીંયામાં અંધશ્રદ્ધાનો જે કિસ્સો બન્યો તેને રાજકોટ જિલ્લાને નહીં સૌરાષ્ટ્ર નહીં પરંતુ રાજ્યભરના તમામ લોકોને હચમચાવી નાંખ્યા...

ચોંકાવનારો રિપોર્ટ : અમેરિકા જવાના ખ્વાબ જોનારા ગુજરાતીઓ બની રહ્યાં છે અંધશ્રદ્ધાળુ

Rajkot News દિવ્યેશ જોશી/રાજકોટ : અંધશ્રદ્ધાએ માણસને આંધળો બનાવી દે છે. ત્યારે રાજકોટ જેવા આધુનિક શહેરમાં પણ અંધશ્રદ્ધાના ચોકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. કોરોના બાદ અંધશ્રદ્ધા વધી હોવાના પણ દાવાઓ કરવામાં આવી રહ્યા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં દર મહિને મોટી સંખ્યામાં આવા લોકોનું કાઉન્સિલિંગ થતું હોય છે. તેનો આંક પણ ચોકાવનારો છે. તેમજ અંધશ્રદ્ધામાં સામે આવેલી બાબતો પણ ચોકાવનારી છે. આ બાબતો સાંભળીને સવાલ થશે કે શું આજના આધુનિક યુગમાં પણ આવા લોકો હોય છે ખરા ?
 
રાજકોટના વિછીયામાં અંધશ્રદ્ધામાં આવીને દંપતીએ કરેલી કમળ પૂજાની ઘટનાએ રાજ્યભરમાં ચકચાર મચાવી દીધો છે. જોકે આ માત્ર અંધશ્રદ્ધાની એક જ ઘટના નથી રાજકોટમાં દર મહિને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં 100 જેટલા એવા લોકો કાઉન્સિલિંગ માટે આવે છે કે જેવો અંધશ્રદ્ધાનો ભોગ બન્યા હોય. આવા લોકોનું કાઉન્સિલિંગ કરનાર મનોવિજ્ઞાન ભવનના પ્રોફેસરે ઝી 24 કલાક સમક્ષ કેટલાક ચોકાવનારા કિસ્સાઓ જણાવ્યા કે જે સાંભળીને આજના આધુનિક યુગમાં આપણે જીવીએ છીએ કે પ્રાચીનકાળના આદિમાનો સમયમાં જીવીએ છીએ તે સવાલ ઉઠે. તેમણે કહ્યું કે થોડા સમય પહેલા એક યુવકને લાગ્યું કે તેમની પત્નીના પરિવારજનોએ કંઈક મેલીવિદ્યા કરી છે. જેથી કરીને તેમનો પરિવારમાં ઝઘડાઓ ચાલી રહ્યા છે. તો એક વિદ્યાર્થીનીને ચાર રસ્તા પર પડેલા લીંબુમાં પગ અડી જતા તેમનો પરિવાર એવું માનવા લાગ્યો કે આ વિદ્યાર્થીના વર્તનમાં ફેરફાર થઈ ગયો છે અને લીંબુ અડવાના કારણે હવે તે ભણવામાં ધ્યાન નથી દઈ શકતી. તો અન્ય એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો કે, એક પરિવારે તેમના પિતા જીવતા ત્યારે તેમને ત્રાસ આપ્યો હવે પિતાનું મૃત્યુ થઈ ગયું છે, તો પિતા આ બાબતનો બદલો વાળી રહ્યા છે અને પિતા તેમને હેરાન પરેશાન કરે છે. તો એક વ્યક્તિ ઉપર માતાજી કોપાઈમાંન છે અને એટલા માટે તે બીમાર રહે છે એવું માની રહ્યા છે. ત્યારે આવા કિસ્સાઓ સાંભળીને અંધશ્રદ્ધા માણસની કેટલી હદે પાંગડો કરી દે છે તે સ્પષ્ટ થાય છે.

કયા કારણોથી લોકો અંધશ્રદ્ધાના રસ્તા તરફ વળે છે? 
1. પરિસ્થિતિ પર નિયંત્રણ મુકવા માટે
2. પોતાની શક્તિનું પ્રદર્શન કરવા માટે
3. લાચારી અને શક્તિહીનતાની લાગણી ઓછી કરવા માટે
4. મુશ્કેલીનો સામનો કરવા કરતા અંધવિશ્વાસનો રસ્તો સરળ થઈ જાય છે
5. પોતાનાથી નબળા લોકો પર પોતાનો હુકમ ચલાવવા
6. ખાસ કરીને સ્ત્રીઓને નિયંત્રણમાં રાખવા

રાજકોટ શહેર એ આમ તો વિકાસની દિશામાં હરણફાળ પ્રગતિ કરતું શહેર છે. અહીંયા વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ આ જ શહેરમાં અંધશ્રદ્ધાના કેસ પણ જોવા મળી રહ્યા છે. રાજકોટ શહેરના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આવેલા મનોવિજ્ઞાન ભવનમાં દર મહિને આશરે 100 જેટલા અંધશ્રદ્ધાના કેસનું કાઉન્સિલિંગ થાય છે. તો રાજકોટ શહેરમાં છેલ્લા એક જ અઠવાડિયામાં ત્રણ જેટલા અંધશ્રદ્ધાના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે લોકો શા માટે અંધવિશ્વાસમાં આવતા હોય છે તે અંગે મનોવિજ્ઞાન ભવનના પ્રોફેસરોએ જણાવ્યું કે, લોકો અંધશ્રદ્ધામાં એટલા માટે આવી જતા હોય છે કે તે પરિસ્થિતિ પર નિયંત્રણ મુકવા માગે છે. પોતાની શક્તિનું પ્રદર્શન કરવા માગે છે. લાચારી અને શક્તિહીનતાની લાગણી ઓછી કરવા માગે છે. મુશ્કેલીનો સામનો કરવા કરતા અંધવિશ્વાસનો રસ્તો સરળ થઈ જાય છે તેવું માને છે. પોતાનાથી નબળા લોકો પર પોતાનો હુકમ ચલાવવા માંગે છે. ખાસ કરીને સ્ત્રીઓને નિયંત્રણમાં રાખવા માગતા હોવાના વિવિધ કારણો હોય છે. અંધશ્રદ્ધાનું મનોવિજ્ઞાન માનવતા સાથે સંકળાયેલ રહ્યું છે. કારણ કે માનવીમાં ચેતના છે. હંમેશા અંધશ્રદ્ધાળુની એક પ્રથા ચાલી રહી છે અને તે એકબીજાને મળતી રહેતી હોય છે. જેમ કે કોઈ એક પ્રથા કોઈ એક સમાજમાં પ્રચલિત હોય તે પોતાના આગળના લોકોને પણ તે વિશે માહિતગાર કરતા જાય છે. આપણી સંસ્કૃતિમાં ઘણી છુપી અંધશ્રદ્ધાઓ છે, જે છૂપી રીતે કામ કરે છે.

મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ યોગેશ જોગસણ કહે છે કે, શ્રદ્ધા એ માણસના જીવનને તારી દે છે. જોકે અંધશ્રદ્ધા એ માણસના જીવનને છીંન ભિન્ન કરી નાંખે છે. રાજકોટના વિછીયામાં બનેલી ઘટનાએ આ વાતનું ઉત્તમ ઉદાહરણ છે. જોકે લોકો અંધશ્રદ્ધાથી દૂર રહી પોતાનું તેમ જ સમાજનું કલ્યાણ કરે તે જ આજના સમયની સૌથી મોટી માંગ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news