જૂનાગઢમાં જાવ તો 'જરા સંભાલ કે': રસ્તા પર નીકળતા લોકો જીવ હાથમાં લઇને ફરે, અને બાબુઓ તમાશા જોવે છે
આજે જૂનાગઢમાં રખડતાં ઢોરે એક જ દિવસમાં 5 લોકોને ઈજાગ્રસ્ત કર્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢમાં ઢોરનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે રખડતા ઢોરને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.
Trending Photos
ઝી ન્યૂઝ/ બ્યુરો: જૂનાગઢ, અમદાવાદ સહિત અનેક જગ્યાએ રખડતા ઢોર પકડવા મામલે વિવાદ યથાવત રહ્યો છે. આજે જૂનાગઢમાં રખડતાં ઢોરે એક જ દિવસમાં 5 લોકોને ઈજાગ્રસ્ત કર્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢમાં ઢોરનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે રખડતા ઢોરને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. રાજ્યમાં અનેક જગ્યાએ બની રહેલા આવા કિસ્સાઓને કારણે જનતા કહી રહી છે કે ફરિયાદ આશ્વાસન નથી જોઈતું, સરકાર કાર્યવાહી કરે.
જૂનાગઢમાં રખડતાં ઢોરે એક જ દિવસમાં 5 લોકોને ઈજાગ્રસ્ત કર્યા હતા. જૂનાગઢના રસ્તા પર રખડતા ઢોર ફરતા હોય તેવા દ્રશ્યો વારંવાર જોવા મળે છે, ત્યારે આજે એક જ દિવસમાં ગાયે પાંચ લોકોને અડફેટે લીધા છે. લોકો પર હુમલો કરતા રખડતા ઢોર CCTV કેમેરામાં કેદ થઈ છે. CCTVમાં જોઈ શકાય છે કે એક બાઈકચાલક પસાર થાય છે તેની પાછળ ઢોર પડે છે અને તેને અડફેટે લેવાનો પ્રયાસ કરે છે. બીજી ઘટનામાં બાઈક પર સવાર બાળક સહિત બે લોકોને ઢોર નીચે પાડે છે અને બાળકને બચાવવા જતા ઢોર મહિલાને ધસડે છે અને તેને ગંભીર ઈજા પહોંચાડે છે. અન્ય એક CCTVમાં બાઈક પર સવાર બે લોકોને ઢોર અડફેટે લે છે. આ સિવાય બે ત્રણ દિવસ અગાઉ પણ ઢોરના હુમલાના કારણે ત્રણ લોકોને ઈજા પહોંચી ચુકી છે. રસ્તા પર ફરતા ઢોર સ્થાનિકો માટે જીવતું-જાગતું મોત બનીને ફરી રહ્યા છે. તેવામાં મોડે મોડે કોર્પોરેશનની ટીમે રાત્રે રખડતા ઢોરને પકડવા ટીમ દોડાવી છે. ત્યારે વધારે દુર્ઘટનાઓ બને તે પહેલા તંત્ર કડક કાર્યવાહી કરે તેવી માગ ઉઠી છે.
અત્રે નોંધનીય છે કે, ખુદ શાસક પક્ષના કોર્પોરેટરે જ તંત્ર પર હફતા લેવાના આક્ષેપ કરતા ખળભળાટ મચ્યો હતો. ઢોર ન પકડવા મોટી રકમ માંગવામાં આવતી હોવાના આરોપ લગાવવામાં આવતા આ મુદ્દો હાલ ટોપ ધ ટાઉન બન્યો હતો. ઉત્તર પશ્ચિમ ઝોનની બેઠકમાં ઘાટલોડિયાના કોર્પોરેટર મનોજ પટેલ દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારી, મેયર અને અન્ય ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ઘાટલોડિયાના કોર્પોરેટર મનોજ પટેલ દ્વારા આક્ષેપ કરતા વિવાદ સર્જાયો હતો. અગાઉ સામાન્ય સભામાં કોંગ્રેસના સભ્યોએ પણ આજ આરોપ લગાવ્યા હતા.
અમદાવાદમાં ઢોર ન પકડવા માટે તંત્ર દ્વારા હપતા લેવાતા હોવાનો આરોપ લાગતા અરેરાટી વ્યાપી ગઈ છે. ઘાટલોડિયાના કોર્પોરેટર મનોજ પટેલના આક્ષેપથી વિવાદ વધુ વકર્યો હતો. મનોજ પટેલે જણાવ્યું છે કે ઢોર ન પકડવા મોટી રકમ માગવામાં આવે છે. મારા વોર્ડમાં રખડતા ઢોર મુદ્દે વારંવાર રજૂઆત કરાઈ છે. અનેક રજૂઆતો, ફોન અને અરજીઓ બાદ એક અધિકારીએ કહ્યું કે, તમારો ફોન જોવા અમે ફ્રી નથી.
કોર્પોરેટરે ઉમેર્યું હતું કે, શહેરમાં રખડતા ઢોર ન પકડવા માટે બધા માલધારીઓ તંત્રને હપતા નથી આપતા, કેટલાક આપે છે અને કેટલાંક નથી આપતા. એક તરફ ગુજરાતમાં રખડકા ઢોરથી મુક્તિ માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે બીજી બાજુ તંત્રમાં બેઠેલા અધિકારીઓ હપ્તા લે છે.
સીઆર પાટીલ પણ રાજ્યમાં રખડતા ઢોર મુદ્દે તંત્રને ટકોર કરી ચૂક્યા છે. પાટીલની ટકોર છતાં રખડતા ઢોર મુદ્દે કોઈ કાર્યવાહી કરાઈ નથી. અગાઉ સામાન્ય સભામાં કોંગ્રેસના સભ્યોએ પણ આ જ આરોપ લગાવ્યા હતા, ત્યારે હવે શાસક પક્ષના કોર્પોરેટરે હપ્તા લેવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો છે. આ આક્ષેપના કારણે અંદરોઅંદર વિવાદ ઉભો થઈ રહ્યો છે.
નોંધનીય છે કે, અગાઉ પણ ઘાટલોડિયાના કોર્પોરેટર મનોજ પટેલ ગાય સહિતના મુદ્દે અધિકારીઓ સાંભળતા ન હોવાના આરોપ સાથે ડે.કમિશનર ની ઓફિસમાં ધરણા પર બેઠા હતા. એ સમયે પ્રભારી ધર્મેન્દ્ર શાહ, તત્કાલીન ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ અને સ્ટે.ચેરમેન દોડી આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે