ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રિય મહિલા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી, મુખ્યમંત્રી રહ્યાં હાજર
મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રિય મહિલા દિવસના ઉપલક્ષ્યમાં આયોજિત સમારોહમાં વર્ષ ૨૦૨૦-૨૦૨૧ અને ર૦ર૧-રર ના ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર, આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માતા યશોદા પુરસ્કાર અંતર્ગત રોકડ પુરસ્કાર, શોલ અને પ્રમાણપત્ર અર્પણ કર્યા હતા.
Trending Photos
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રિય મહિલા દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં સહભાગી થતાં સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે મહિલા શક્તિના સર્વગ્રાહી કલ્યાણ માટે રાજ્ય સરકારે સ્વાસ્થ્ય-શિક્ષા અને સુરક્ષાનો ત્રિસ્તરીય અભિગમ અપનાવ્યો છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષે મહિલા બાળ કલ્યાણ વિભાગના બજેટમાં ૪ર ટકાનો ધરખમ વધારો કરીને ૪૯૭૬ કરોડ રૂપિયા નારીશક્તિના સર્વાંગી ઉત્કર્ષ માટે ફાળવ્યા છે.
મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રિય મહિલા દિવસના ઉપલક્ષ્યમાં આયોજિત સમારોહમાં વર્ષ ૨૦૨૦-૨૦૨૧ અને ર૦ર૧-રર ના ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર, આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માતા યશોદા પુરસ્કાર અંતર્ગત રોકડ પુરસ્કાર, શોલ અને પ્રમાણપત્ર અર્પણ કર્યા હતા.
તેમણે મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી મનિષાબહેન વકીલ, આરોગ્ય રાજ્યમંત્રી નિમિષાબહેન સુથારની ઉપસ્થિતીમાં આ સમારોહમાં ગંગા સ્વરૂપા માતાઓનું સન્માન, વહાલી દિકરી યોજનાના કુલ ૧.૧૦ લાખના મંજૂરી સહાય હુકમ વિતરણ તેમજ મહિલા સ્વાવલંબન યોજનાની લાભાર્થી બહેનોને સહાયના ચેક પણ અર્પણ કર્યા હતા.
આ પણ વાંચોઃ મહિલા ધારાસભ્યોને હવે મળશે વધુ ગ્રાન્ટ, મહિલા દિવસ પર મુખ્યમંત્રીએ કરી જાહેરાત
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, માતા-બહેનોના સ્વાસ્થ્યની રક્ષા માટેના આરોગ્યલક્ષી કાર્યક્રમો અન્વયે કુપોષણમુકત ઉજ્જવળ આવતીકાલના નિર્માણના ધ્યેય સાથે રાજ્ય સરકારે સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના શરૂ કરવાનું આ બજેટમાં પ્રાવધાન કર્યુ છે.
માતૃશક્તિ સ્વયં સ્વસ્થ, તંદુરસ્ત અને સુપોષિત રહે તો તેના હાથમાં ઘડાયેલી પેઢીઓ પણ સક્ષમ-સમર્થ બને તે માટે સગર્ભા-ધાત્રી માતાઓની ૧ હજાર દિવસની કાળજીનો અભિગમ સરકારે અપનાવ્યો છે.
તેમણે આ અંગેની વિસ્તૃત ભૂમિકા આપતાં જણાવ્યું કે, આવી માતા-બહેનોને ૧ હજાર દિવસ સુધી દર મહિને ૧ કિલો તુવેર દાળ, ર કિલો ચણા અને ૧ લિટર તેલ વિનામૂલ્યે અપાશે.
મુખ્યમંત્રીએ બાળકોને પૂરક પોષક આહાર રૂપે આર્યનયુક્ત ફોર્ટિફાઇડ આટાનું લોન્ચીંગ કરતાં સ્વસ્થ અને તંદુરસ્ત પેઢીના નિર્માણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇએ રાસાયણિક ખાતરમુકત પ્રાકૃતિક ખેતીનો જે રાહ ચીંધ્યો છે તે તરફ વળવાનું માતૃશક્તિને પ્રેરક આહવાન પણ કર્યુ હતું.
તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇએ ગુજરાતમાં કન્યા સાક્ષરતા દર વધારવા અને દિકરીઓને શિક્ષિત બનાવવા શરૂ કરેલી કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ યોજના સાથે દિકરી જન્મને વધાવતી વ્હાલી દિકરી યોજનામાં કન્યાના અભ્યાસ માટે અપાતી સહાયની પણ છણાવટ કરી હતી.
ભૂપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રિય મહિલા દિવસની આ ગૌરવ ઉજવણી અવસરે તાજેતરના ભૂતકાળમાં પેરા ઓલિમ્પિકસમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરનારી ૬ દિકરીઓની સિદ્ધિ ગાથા તથા યુક્રેન-રશિયા યુદ્ધની પ્રવર્તમાન સ્થિતીમાં ભારતીયોને ‘ઓપરેશન ગંગા’ અન્વયે ફલાઇટમાં સહિસલામત સ્વદેશ પરત લાવનારી કચ્છની પાયલટ દિકરી દિશા ગડાની સફળતાને પણ બિરદાવી હતી.
આ પણ વાંચોઃ અરવલ્લીની આ છે 'મધર ટેરેસા', જેમણે સાચા અર્થમાં અંતરિયાળ વિસ્તારની બહેનોનું જીવન બદલી નાખ્યું
મુખ્યમંત્રીએ રાજ્યમાં માતા-બહેનો-દિકરીઓની આપાતકાલિન સહાયતા માટે ૧૮૧ અભયમ હેલ્પલાઇન સહિતની નારી સુરક્ષા યોજનાઓનું વિવરણ કર્યુ હતું.
તેમણે આ પ્રસંગે દેવભૂમિ દ્વારકા ખાતે રૂ. ૪૮.૬૯ લાખના ખર્ચે નવનિર્મિત સખી વનસ્ટોપ સેન્ટરનું, રુ. ૪.૯૭ કરોડના ખર્ચે નિર્માણ થયેલી ૭ર આંગણવાડીઓનું ઇ-લોકાર્પણ તથા રૂ. ૨.૬૧ કરોડના ખર્ચે તૈયાર થનારી ર૩ આંગણવાડીના ઇ-ભૂમિપૂજન સંપન્ન કર્યા હતા.
મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય મંત્રી મનિષાબહેન વકીલે આંતરરાષ્ટ્રિય મહિલા દિવસની સૌ બહેનોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આત્મનિર્ભર ભારતના નિર્માણના સેવેલા સંકલ્પમાં રાજ્યની નારીશક્તિ પણ સ્વાવલંબન-આત્મનિર્ભરતાથી અગ્રેરસતા લેવા કૃત સંકલ્પ છે. રાજ્યમંત્રીએ સમાજમાં અડધો અડધ સંખ્યાબળ ધરાવતી નારીશક્તિને શિક્ષણના આયુધથી સજ્જ થઇ કારકીર્દી ઘડતર માટેની પણ પ્રેરણા આપી હતી.
તેમણે જણાવ્યું કે, આજે દિકરીઓ સરકારી સેવાઓમાં ઉચ્ચ પદ, પાયલોટ, સુરક્ષા દળોમાં પ્રતિષ્ઠિત પદ જેવા સ્થાનો પર પોતાનું કૌશલ્ય ઝળકાવી રહિ છે તેના મૂળમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ નારી સશક્તિકરણના અપનાવેલા નવતર આયામો રહેલા છે.
આરોગ્ય રાજ્યમંત્રી નિમિષાબહેન સુથારે ભારતીય સંસ્કૃતિમાં પરાપૂર્વેથી નારીશક્તિને પૂજનીય અને પ્રથમ સ્થાન અપાયું છે તેનો ગૌરવ સહ ઉલ્લેખ કર્યો હતો. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે મહિલા આરોગ્ય ક્ષેત્રે લીધેલા પગલાંઓની પણ ભૂમિકા આપી હતી.
આ અવસરે મહિલા ધારાસભ્યઓ સંગીતાબહેન પાટિલ, કલ્પનાબહેન મોહિલે, ઝંખનાબહેન પટેલ, મહિલા અગ્રણી લીલાબહેન અંકોલિયા તેમજ ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ દિલીપભાઇ તથા મહિલા બાળ કલ્યાણ સચિવ કે. કે. નિરાલા, ડી. એન. મોદી, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને વિશાળ સંખ્યામાં માતૃ-ભગિની શક્તિ ઉપસ્થિત રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે