પશુપાલકો સાવધાન! પશુઓમાં વધી રહ્યો છે આ રોગ, રાખજો આ કાળજી, યુધ્ધના ધોરણે કાર્યવાહી!

પશુઓમાં થતા ખરવા-મોવાસા રોગને નાથવા રાજ્ય સરકાર સજ્જ. બનાસકાંઠા જિલ્લામાં ખરવા-મોવાસા રોગચાળાના નિયંત્રણ માટે રાજ્ય સરકારે યુધ્ધના ધોરણે કાર્યવાહી કરી. બનાસકાંઠામાં કુલ ૧૬.૪૯ લાખથી વધુ પશુઓમાં ખરવા મોવાસા રોગપ્રતિકારક રસીકરણ કરાયું. હાલની પરિસ્થિતિએ બનાસકાંઠામાં કોઈપણ પશુ ખરવા-મોવાસા રોગથી અસરગ્રસ્ત નથી. રાજ્ય સરકારે બનાસકાંઠામાં કંટ્રોલ રૂમ અને 10 ફરતા પશુ દવાખાના પણ કાર્યરત કર્યા.

પશુપાલકો સાવધાન! પશુઓમાં વધી રહ્યો છે આ રોગ, રાખજો આ કાળજી, યુધ્ધના ધોરણે કાર્યવાહી!

ઝી બ્યુરો/ગાંધીનગર: પશુઓમાં થતા ખરવા-મોવાસા રોગચાળાને નાથવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર સજ્જ છે. તાજેતરમાં જ બનાસકાંઠા જિલ્લાના કેટલાક ગામના પશુઓમાં ખરવા મોવાસા રોગચાળો જોવા મળતા રાજ્ય સરકાર દ્વારા પશુઓની સારવાર ઉપરાંત રોગચાળાને ફેલાતો અટકાવવા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી.

લોકજાગૃતિ સહિતની સઘન કાર્યવાહી કરવામાં આવી
પશુપાલન મંત્રી રાઘવજી પટેલના દિશાનિર્દેશ હેઠળ પશુપાલન વિભાગ તેમજ વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વ હેઠળની બનાસ ડેરીના સહયોગથી તાત્કાલિક ધોરણે ખરવા મોવાસા રોગના અટકાવ અને નિયંત્રણ માટે રસીકરણ, સારવાર, લોકજાગૃતિ સહિતની સઘન કાર્યવાહી કરવામાં આવી હતી.

અત્યાર સુધીમાં 87 અસરગ્રસ્ત પશુઓ સંપૂર્ણપણે સ્વસ્થ થયા
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા બનાસકાંઠાના ભાગળ, માલુપુર, ઝેટા, જામડા અને કોતરવાડાને મળી કુલ પાંચ ગામના પશુઓમાં ખરવા મોવાસા રોગચાળો જોવા મળ્યો હતો. આ ગામોમાં તાત્કાલિક ધોરણે ચૂસ્ત આઇસોલેશન અને સઘન સારવાર શરુ કરવામાં આવી હતી. જેના પરિણામે અત્યાર સુધીમાં 87 અસરગ્રસ્ત પશુઓ સંપૂર્ણપણે સ્વસ્થ થયા છે.  

ખરવા મોવાસા રોગ સામે સુરક્ષિત કરાયા
ખરવા મોવાસા રોગચાળાના નિયંત્રણ અને સર્વેની કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા 10 ફરતા પશુ દવાખાના ફાળવવામાં આવ્યા છે. સાથે જ જિલ્લાની તમામ ગૌશાળા અને પાંજરાપોળના પશુઓમાં પણ જરૂરી સારવાર અને રસીકરણની કામગીરી કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 16.49 લાખથી વધુ પશુઓમાં ખરવા મોવાસા રોગપ્રતિકારક રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં ગૌશાળા અને પાંજરાપોળના કુલ 25,107 પશુઓને પણ રસી દ્વારા ખરવા મોવાસા રોગ સામે સુરક્ષીત કરાયા છે.

ખરવા-મોવાસા રોગથી અસરગ્રસ્ત નથી
રાજ્ય સરકાર અને બનાસ ડેરી દ્વારા બનાસકાંઠા જિલ્લામાં હાથ ધરાયેલી આ સઘન રસીકરણ અને સારવાર કામગીરીના પરિણામે હાલની પરિસ્થિતિએ બનાસકાંઠા જિલ્લામાં કોઈપણ પશુ ખરવા-મોવાસા રોગથી અસરગ્રસ્ત નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news